તબીબનો અભાવ:GIDCમાં ESIC હોસ્પિટલમાં તબીબનો અભાવ: મુખ્ય તબીબ સહિતના 16ના મહેકમ સામે 7 કર્મીની જગ્યા ભરેલી

સુરેન્દ્રનગર23 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • જિલ્લાના 7400થી વધુ કામદાર નોંધાયેલા પણ સારવાર ન મળતી હોવાની સ્થિતિ

સુરેન્દ્રનગર વઢવાણ સંયુક્ત પાલિકામાં જીઆઇડીસી અને જીનતાન ઉદ્યોગનગર એક બે ઔદ્યોગિક યુનિટ આવેલા છે. જેમાં ધમધમતા કારખાનાઓ અને ફેક્ટરીઓમાં અનેક કામદારો કામ કરી રહ્યા છે. આ કામદારોને તથા તેમના પરિવારને વિનામૂલ્યે સારવાર મળી રહે તે માટે કર્મચારીઓના પગારમાંથી દર મહિને ચોક્કસ રકમ કાપી લેવામાં આવે છે.

સુરેન્દ્રનગર જિલ્લામાં જ 7400 થી વધુ કર્મચારી નોંધાયેલા છે. જેમની ઇએસઆઇ પાસેથી દર મહિને ઇએસઆઇની લાખોની રકમ વસૂલ કરવામાં આવે છે. જેના બદલામાં કામદારોને સારવાર આપવા માટે યોગ્ય વ્યવસ્થા જીઆઈડીસીમાં આવેલા બી-ડિવિઝન ઇએસઆઈમાં ન હોવાને કારણે રોષની લાગણી ફેલાઇ છે. કામદારોની સંખ્યાને ધ્યાને લઇને ઇએસઆઇની હોસ્પિટલમાં મુખ્ય તબીબી સહિત કુલ 16નું મહેકમ મંજૂર કરવામાં આવ્યું છે. જેની સામે હાલના સમયે માત્ર 7 કર્મી જ ફરજ ઉપર તહેનાત છે.

મુખ્ય તબીબ સહિતની 9 જગ્યા ખાલી છે. જેને લઇને કામદારોને સારવાર માટે મુશ્કેલીનો સામનો કરવો પડે છે. આટલું જ નહી પરંતુ તબીબો અને અન્ય સ્ટાફ દ્વારા કામદારોને યોગ્ય જવાબ અને સારવાર ન કરવામાં આવતી હોવાની ફરિયાદો પણ ઊઠી રહી છે. દર મહિને કામદારોની કાળી મજૂરીના લાખો રૂપિયા કાપી લેવા છતા સારવાર ન આપવાને કારણે રોષની લાગણી ફેલાઇ છે.

આ અંગે ફરજ પરના તબીબે જણાવ્યું કે, રાજકોટની મુખ્ય કચેરીએથી જ અહીં તબીબોને ફરજ આપવામાં આવે છે. એસટી સહિતના વાહનોમાં અપડાઉન કરતા કોઇ દિવસ વહેલુ-મોડુ થતું હોય છે. દર્દીઓને વધુ સારવારની જરૂરિયાત હોય તો ઇએસઆઈ સાથે જોડાયેલી અમદાવાદની હોસ્પિટલોમાં મોકલવામાં આવે છે અને તેનો ખર્ચ પણ દર્દીઓને થતો નથી તેમજ આવવા-જવાનું ભાડુ પણ દર્દી તેમજ તેની સાથેના એક પરિવારજનને ઇએસઆઇ દ્વારા આપવામાં આવે છે.

ઇનચાર્જ તબીબ રાજકોટથી અપડાઉન કરતા હોવાથી કાયમ મોડા આવે છે
જીઆઇડીસીમાં ઇએસઆઇની હોસ્પિટલ આવેલી છે. જેમાં મુખ્ય તબીબની જગ્યા ખાલી હોવાથી રાજકોટના તબીબને ચાર્જ સોંપાયો છે. જે તબીબ રાજકોટથી બસમાં આવતા હોય હોસ્પિટલમાં આવતા મોડું થઇ જાય છે. આથી દર્દીઓને સારવાર માટે રાહ જોવી પડે છે.

2021ની ભરતીમાં તબીબ હાજર ન થતાં જગ્યા ખાલી
ગુજરાતમાં સમગ્ર ઇએસઆઇની સારવારની કચેરીઓમાં 2021માં કાયમી તબીબો માટે ભરતી કરવામાં આવી હતી. ત્યારે આ સમયે વઢવાણ જીઆઇડીસીમાં આવેલા બી-ડિવિઝન ઇએસઆઈની કચેરીમાં પણ કાયમી તબીબની નિમણૂક કરાઇ હતી. પરંતુ તે તબીબ હાજર ન થતા છેલ્લા બે વર્ષથી આ જગ્યા ખાલી રહી હોવાનું બહાર આવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...