હળવદ શહેરમાં ઉનાળાના પ્રારંભે જ પાણીની સમસ્યા વિકરાળ બનતા અનેક વિસ્તારોમાં ટેન્કર મારફતે પાણી વિતરણ કરવાનું નગરપાલિકા દ્વારા નક્કી કરી રોજમદાર કર્મચારીને વિધિવત ફરજ સોંપવા છતાં કર્મચારી દ્વારા સતાવાર હુકમનો અનાદર કરાતા ચીફ ઓફિસર દ્વારા આકરું પગલું લઈ કર્મચારીને તાત્કાલિક અસરથી છુટા કરવા આદેશ કરતા નગરપાલિકાના અન્ય કર્મચારીઓમાં ફફડાટ મચી જવા પામ્યો છે.
હળવદ શહેરમાં ઉનાળાના પ્રારંભમાં જ પાણીની કટોકટી સર્જાવા પામી છે અને અનેક વિસ્તારોમાં પાણી ન મળતા નગરપાલિકા ચીફ ઓફિસર પાંચાભાઈ માળી અને કમિટી દ્વારા આવા વિસ્તારમાં ટેન્કર મારફત પાણી વિતરણ કરવાનું નક્કી કરી પાલિકાના રોજમદાર કર્મચારી ગૌરાંગ એન.રાવલને પાણી વિતરણની જવાબદારી સોંપી હતી. રોજમદાર ગૌરાંગ રાવલ દ્વારા ચીફ ઓફિસરના આદેશની અવગણના કરી ફરજ અંગેનો ઓર્ડર લેવાની ના પાડી ટેલીફોનિક સંપર્ક કરવા છતાં ફરજ ન સંભળતા હોવાનું જણાવ્યુ હતું.
વધુમાં આ રોજમદાર કર્મચારી ગૌરાંગ રાવલે પોતે નોકરી કરવા ન માંગતા હોવાનું પણ સ્પષ્ટ પણે જણાવી દેતા હળવદ નગરપાલિકાના ચીફ ઓફિસર પાંચાભાઈ માળી દ્વારા તાત્કાલિક અસરથી રોજમદાર કર્મચારી તરીકે છુટા કરવા હુકમ કર્યો છે. ચીફ ઓફિસરના આકરા પગલાંને લઈ હળવદ પાલિકાના અન્ય આળસુ અને કામચોર કર્મચારીઓમાં હાલ ફફડાટ મચી જવા પામ્યો છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.