અંતે ગુનો નોંધાયો:હળવદની ગોઝારી દુર્ઘટનામાં 12 લોકોના મોતના મામલે કારખાનેદાર સહિત આઠ વિરુદ્ધ ગુનો નોંધાયો

મોરબીએક મહિનો પહેલા
  • કૉપી લિંક
હળવદની ગોઝારી દુર્ઘટનામાં 12 લોકોના મોતના મામલે કારખાનેદાર સહિત આઠ વિરુદ્ધ ગુનો નોંધાયો - Divya Bhaskar
હળવદની ગોઝારી દુર્ઘટનામાં 12 લોકોના મોતના મામલે કારખાનેદાર સહિત આઠ વિરુદ્ધ ગુનો નોંધાયો
  • બીમ કોલમ વગર ઉંચી દીવાલ ચણી શ્રમિકોના જીવ જોખમમાં મુક્યા હોવાનો ફરિયાદમાં ઉલ્લેખ
  • બાળ શ્રમિકોને કામે રાખવા બાબતે પણ પોલીસ ફરિયાદ

હળવદ જીઆઈડીસીમાં મીઠાના કારખાનામાં દીવાલ પડતા 12-12 શ્રમિકોના મૃત્યુ મામલે અંતે હળવદ પોલીસ મથકમાં કારખાનાના ભાગીદારો, મહેતાજી, સુપરવાઈઝર સહિતના આઠ સામે તેમજ તપાસમાં ખુલ્લે તે ઈસમો વિરુદ્ધ ગુનો દાખલ થયો છે. આ દુર્ઘટનામાં પિતા અને બહેન ગુમાવનારા અને ઘટનાને નજરે જોનારા શ્રમિકની ફરિયાદને આધારે પોલીસે ગુનો નોંધી તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.

હળવદ જીઆઈડીસીમાં આવેલી સાગર કેમ એન્ડ ફુડ સોલ્ટ ફેકટરીમાં ગત તા.18ના રોજ બપોરના સમયે દીવાલ ધસી પડતા 12 શ્રમિકોના કમકમાટીભર્યો મોતના મામલે આ ઘટનાને નજરે નિહાળનારા અને પિતા તેમજ બેન ગુમાવનારા મૂળ કચ્છના રાપર તાલુકાના સવાઈ ગામના અને હાલ હળવદ ખાતે રહેતા રાજેશ ઉર્ફે લખુ રમેશભાઈ પીરાણાની ફરિયાદને આધારે પોલીસે કારખાનાના ભાગીદાર અફઝલ અલારખાભાઇ ઘોણીયા, રાજેશ મહેંદ્રકુમાર જૈન, કિશન લાલારામ ચૌધરી, દેવો ઉર્ફે વારીસ અલારખાભાઇ ઘોણીયા, આત્મા કિશનરામ ચૌધરી, સુપરવાઇઝર એકાઉન્ટન્ટ સંજય ચુનીલાલ ખત્રી, મનોજ રેવાભાઇ સનુરા, આસીફ નુરાભાઇ તથા તપાસમાં જે ખુલ્લે તે વ્યક્તિઓ વિરુદ્ધ ગુનો નોંધ્યો છે.

આ અંગે વધુમાં ફરિયાદમાં જણાવાયું છે કે, સાગર કેમ એન્ડ ફુડ સોલ્ટના કારખાનાના ભાગીદારો દ્વારા પાયા ભર્યા વગર તથા બીમ કોલમ ભર્યા વગરની લાંબી તથા ઉંચી દીવાલ બનાવી પોતે તમામ જાણતા હોય કે દીવાલ નબળી છે, છતાં દીવાલની લગોલગ મીઠુ ભરેલી બોરીઓ દીવાલની ઉંચાઇ કરતા વધારે ઉંચાઇ સુધી બોરીઓની થપ્પીઓ કરાવી વધુ બોરીઓ તેજ થપ્પામાં નખાવવાનુ ચાલુ રાખતા હતા.

જેથી દીવાલ ધસી પડતા રમેશ મેઘાભાઇ કોળી, દીલીપ રમેશભાઇ કોળી, શ્યામ રમેશભાઇ કોળી, દક્ષાબેન રમેશભાઇ કોળી, શીતલબેન દીલીપભાઇ કોળી, દીપક દીલીપભાઇ કોળી (ઉ.3), ડાયા નાગજીભાઇ ભરવાડ, રાજીબેન ડાયાભાઇ ભરવાડ, દેવીબેન ડાયાભાઇ ભરવાડ, રમેશ નરશીભાઇ પીરાણા, કાજલબેન રમેશભાઇ પીરાણા અને રાજેશ જેરામભાઇ મકવાણાને માથાના તથા શરીરના ભાગે ઇજા થતા મૃત્યુ થયેલા અને તેમજ સંજય રમેશભાઇ કોળી તથા આશાબેન ડાયાભાઇ ભરવાડને શરીર ઉપર ગંભીર ઇજા થયેલી હોવાનું ફરિયાદમાં જણાવાયું છે.

આ ગંભીર બનાવ મામલે પોલીસે રાજેશ રમેશભાઈ પીરાણાની ફરિયાદને આધારે કારખાનાના માલિક, સંચાલકો, સુપરવાઇઝર તથા તપાસમાં ખુલ્લે તે તમામ વિરુદ્ધ જાણી જોઈને માનવ જીંદગી જોખમાઇ તે રીતે બેદરકારી, નિષ્કાળજી રાખવા ઉપરાંત બાળ શ્રમિકોને કામે રાખવા મામલે આઈપીસી કલમ 304, 308, 114 તથા બાળ અને તરુણ કામદાર પ્રતિબંધની કલમ 33 તેમજ 14 મુજબ ગુનો દાખલ કરી તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.

અન્ય સમાચારો પણ છે...