વ્યાજખોરોનો ત્રાસ:હળવદના પરિવારના આઠ સભ્યોએ કંટાળી રાજ્યપાલ સમક્ષ ઈચ્છામૃત્યુની માગ કરી

સુરેન્દ્રનગર23 દિવસ પહેલા
  • કૉપી લિંક

એક તરફ ગુજરાત સરકારના ગૃહ વિભાગ દ્વારા રાજ્યભરમાં ચામડાતોડ વ્યાજ વસુલતા વ્યાજખોરોને ઝબ્બે કરવા ઝુંબેશ શરૂ કરી છે. ત્યારે હળવદ તાલુકાના નાના એવા માલણીયાદ ગામે વ્યાજખોરોની ચુંગાલમા ફસાયેલા આધેડે 15 દિવસ પૂર્વે ટ્રેકટર નીચે ઝંપલાવી આપઘાત કરી લીધા બાદ પોલીસે કોઈ જ પગલાં ન ભરતા કંટાળેલા આઠ સભ્યોના પરિવારે બાળકો સહિત ઈચ્છામૃત્યુની રાજ્યપાલ સમક્ષ અરજી કરી માંગ કરતા ખળભળાટ મચી ગયો છે. રાજ્યપાલને કરવામાં આવેલી અરજીમાં હળવદ પોલીસ વિરુદ્ધ પણ આક્ષેપો કરાયા છે.

હળવદ તાલુકાના નવા માલણીયાદ ગામે રહેતા ગોપાલભાઈ જયંતિભાઈ પરમારે ગુજરાતના રાજ્યપાલને કરેલી લેખિત અરજીમાં જણાવ્યું છે કે, અમો નવા માલણીયાદ મુકામે રહીએ છીએ અને મજૂરી કામ કરીએ છીએ. અમારા પિતા જયંતિભાઈ જીવણભાઈ પરમાર કરજમાં ડૂબી જતાં અને લેણદારોની ધમકી અને દબાણમાં આવીને તેઓએ ગત તા.21-12-2022ના રોજ આત્મહત્યા કરી હતી. તેઓએ મૃત્યુ સમયે સુસાઇડ નોટમાં તમામ માફિયાઓના નામ લખેલા છે. જેઓ મારા પિતાને ધાક ધમકી આપતા અને મારી નાખવાની વારંવાર ધમકી આપતા હતા. જેઓના ત્રાસથી કંટાળીને મારા પિતાએ આ પગલું ભરેલું હોય અમોએ અમારા પિતાની છત્રછાયા ગુમાવી દીધી છે.

વધુમાં તેઓએ જણાવ્યું છે કે, અમારા પિતાએ માફિયા લોકોનું દેવું ચૂકતે કરવા માટે ખેતર, મકાન તથા સોનું પણ વેચી નાખ્યું હતુ. પરંતુ આ બધુ વેચી દેવા છતાં તેઓનો કરજો ચૂકતે કરી શકેલા નથી. કેમ કે, આ માફિયા લોકોના ઊંચા વ્યાજદર હોય અમો તેમનું દેવું ચૂકવી શકીએ તેમ નથી. હવે તેઓનું દેવું ચૂકવવા અમારી પાસે કોઈ મિલ્કત બાકી રહી નથી, અમારી પાસે જેટલી મિલ્કત હતી, તે બધી જ અમારા પિતાએ વેચીને તેઓને રૂપિયા આપી દીધા છે. હવે અમારી પાસે કોઈ જ મિલ્કત કે રોકડ રૂપિયા નથી. અને અમોએ અમારા પિતાને પણ ગુમાવી દીધા છે. જે અમારા કુટુંબના મોભી અને ઘરના કર્તાહર્તા હતા. તેમની છત્રછાયા ગુમાવી દીધી છે. હવે આ માફિયા લોકો અમારી પાસે રૂપિયા માંગે છે. અમો આ માથાભારે માફિયા લોકોના ત્રાસથી કંટાળી ગયેલા છીએ અને અમારે હવે જીવવાનું હરામ થઈ ગયું છે.

રજુઆતમાં જણાવાયું છે કે, હળવદ પોલીસ સ્ટેશન ખાતે જ્યારે અમારા પિતાના મોત માટે જવાબદાર અને માથાભારે ઇસમો સામે ફરિયાદ કરવા ગયેલા તો પોલીસ સ્ટેશનમાં અમારી એફ.આઈ.આર. સ્વીકારેલી ન હતી. અમોએ અનેક વાર રજુઆત કરવા છતાં પોલીસ સ્ટેશનમાં અમારી ફરિયાદની આજ દિન સુધી નોંધ કરી નથી. અને અમોને સરખો જવાબ આપતા નથી. જેથી અમોએ એવું નક્કી કરેલુ છે કે, અમારા કુટુંબના બધા સભ્યો (1) લીલાબેન જયંતિભાઈ પરમાર (માતા) ઉં.53 (2) ગોપાલભાઈ જયંતિભાઈ પરમાર (પુત્ર) ઉ.31 (3)હિતેશભાઇ જયંતિભાઈ પરમાર (પુત્ર) ઉ.29 (4)પ્રશાંત ગોપાલભાઈ પરમાર (પૌત્ર) ઉ.11 (5) યશ ગોપાલભાઈ (પૌત્ર) ઉં. 7 (6) જૈનિશ હિતેશભાઈ પરમાર (પૌત્ર) ઉ.4 (7) અસ્મિતાબેન ગોપાલભાઈ પરમાર (પુત્રવધુ) ઉ.30 અને (8) સરોજબેન હિતેશભાઇ પરમાર (પુત્રવધુ) ઉ.28 એકી સાથે એક જ સમયે અને એક જ સ્થળે આત્મવિલોપન (ઈચ્છા-મૃત્યુ) કરવાનું નક્કી કર્યું છે. તો આપ સાહેબને વિનંતી કે, અમોને એક સાથે ઇચ્છા-મૃત્યુ કરવા અંગેની મંજૂરી આપશો. જેથી અમો આ માથાભારે ઇસમોથી છૂટકારો મેળવી શકીએ અને અમારું જીવન ટૂંકાવી શકીએ.બસ આટલી જ અમારી અરજ છે.

આમ, હળવદ પંથકમાં ફાટીને ધુમાડે ગયેલા વ્યાજખોરોના પાપે એક પરિવારે ઘરના મોભી ગુમાવ્યા બાદ પોલીસ નિષ્ક્રિય રહેતા એક આખા પરિવારે ઈચ્છામૃત્યુની માંગ કરતા હાલમાં ખળભળાટ મચી ગયો છે.

અન્ય સમાચારો પણ છે...