તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

માલવણ-ખેરવા હાઇવે અકસ્માત:4 દિવસમાં 1550 કિ.મી. ગાડી ચલાવી, ઝોકું આવ્યું અને... અકસ્માત થતા 2 પરિવારના 7 સભ્ય જીવતા સળગી ગયા

પાટડી2 મહિનો પહેલા
  • અકસ્માતમાં ઘાયલ થયેલા કારમાં સવાર લોકો બહાર ન નીકળી શકતાં મોતને ભેટ્યા

પાટણ વારાહીના વાણંદ સમાજના સાળો-બનેવી સહિતના પરિવારજનો સારંગપુર, સોમનાથ, વિરપુર અને ચોટીલા સહિતના મંદિરોમાં દર્શન કરી કારમાં પરત વારાહી આવી રહ્યા હતા. ત્યારે પાટડી તાલુકાના ખેરવા અને માલવણ વચ્ચે વળાંકમાં ગોઝારો અકસ્માત સર્જાયો હતો. જેમાં ડમ્પર સાથે અથડાયા બાદ કારમાં આગ લાગતા બે પરિવારના 7 જણા જીવતા ભડથું થઇ ગયા હતા. ગાડી ચલાવનારે 4 દિવસમાં 1550 કિમી ડ્રાઈવીંગ કર્યું હતું પરિણામે તેને ઝોકું આવી જતાં આ અકસ્માત સર્જાયો હતો.

કાર ખાડામાં ઊતર્યા બાદ ભભૂકી હતી
મળતી વિગતો અનુસાર, બજાણા પોલીસ સ્ટેશનની હદમાં આજે સવારે સાડાપાંચ વાગ્યાના અરસામાં માલવણ-ખેરવા પર ઈકો કાર જીજે 24 એક્સ 1657 ઘરે પરત ફરતી વેળા ડમ્પર જીજે 33 ટી 5959 સાથે ટકરાતાં કાર ખાડામાં ઊતરી ગઈ હતી. ત્યાર બાદ કારમાં આગ ભભૂકી ઊઠી હતી અને કારમાંથી બેસેલા ડ્રાઈવર સહિતના તમામ 7 લોકો બળીને ભડથું થઈ ગયા હતા.

ચોટીલાથી પરત ફરી રહ્યો હતો પરિવાર
મૂળ પાટણના સાંતલપુર તાલુકાના કોરડા ગામના અને હાલ વારાહી ખાતે રહેતા 38 વર્ષના રમેશભાઇ મનસુખભાઇ નાયી, પત્ની 35 વર્ષના કૈલાશબેન, 12 વર્ષનો દીકરો સની અને 8 વર્ષની દીકરી શીતલ રાધનપુરના નાનાપુરા ગામે રહેતા સાળા 35 વર્ષના હરેશભાઇ ચતુરભાઇ નાયી, પત્ની 32 વર્ષના સેજલબેન અને 6 વર્ષનો પુત્ર હર્ષિલની સાથે સાળાના કાકાના દિકરા પ્રવિણભાઇ નાયીની ટેક્ષી પાસીંગ કાર લઇને બેસતા વર્ષના બીજા દિવસે સવારે દર્શન કરવા સારંગપુર, સોમનાથ, ઉંચા કોટડા, ખોડલધામ, વિરપુર અને સત્તાધાર થઇ ચોટીલા ચામુંડા માતાના દર્શન કરી પરત વારાહી ફરી રહ્યા હતા.

વળાંક પર જ અકસ્માત સર્જાયો
ત્યારે વહેલી સવારે 5.30 વાગ્યાના સુમારે પાટડી તાલુકાના ખેરવા અને માલવણ વચ્ચે વળાંકમાં માંતેલા સાંઢની માફક પુરઝડપે આવતા ડમ્પર અને કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં કારના આગળના ભાગનો પેચો બોલી ગયા બાદ કાર રોડ નીચે ઉતરી ગઇ હતી. અને બાદમાં ગાડીમાં આગ લાગી હતી.

હરેશે છેલ્લો ફોન માતા રાજીબેનને કરી કહ્યું કે તમે લોકો સૂઇ જાવ, અમે સવાર સુધીમાં ઘેર પહોંચી જઇશું
ખેરવા પાસે ચોંધાર આંસુએ રડતા મૃતક હરેશભાઇ નાયીના કાકાના દીકરા કનુભાઇએ જણાવ્યું કે, રાત્રે છેલ્લે હરેશે એની માતા રાજીબેન નાયીને ફોન કરીને કહ્યું હતું કે, અમે લોકો જમીને ચોટીલાથી નીકળ્યા છીએ. તમેં લોકો જમીને સૂઇ જજો અને સવાર સુધીમાં વારાહી પહોંચી જઇશુ. ને આજે વહેલી સવારે ગાડીમાં સાતેય જણા જીવતા ભડથું થયાના વાવડ મળતા અમે અહી ઘટના સ્થળે દોડી આવ્યા છીએ. હજી મૃતક હરેશની માતા રાજીબેનને તો આ ઘટનાની ખબર પણ નથી.

એ સમય દરમ્યાન શનિવારે વહેલી સવારે અકસ્માતમાં સાતેય સદસ્યોના મોત થયા હતા. જેને લઇ રાધનપુર,નાનાપુરા, વારાહી અને કોરડા ગામમાં ગમગીનીનો માહોલ સર્જાયો હતો અને સ્વજનો પરિવારો હીબકે ચડ્યા હતા.

કોરડા-વારાહીના રમેશભાઈ, પત્ની અને બાળકો
કોરડા-વારાહીના રમેશભાઈ, પત્ની અને બાળકો

બંને પરિવારો રાત્રે મોગલધામમાં હતા
બંને પરિવારો એ શુક્રવારે રાત્રે ઘરે ફોન કર્યો ત્યારે તેઓ ભગુડા મોગલધામમાં દર્શન કરી રહ્યા હોવાનું જણાવ્યું હતું,અને દર્શન કરીને ખુબ જ ખુશ હતા.અને વહેલી સવારે ઘરે પહોંચી જશે તેવું પણ જણાવ્યું હતું.

એકની એક બહેન મોતને ભેટી
નાનાપુરા ગામના હરેશભાઇના પરિવારમાં બે ભાઈ અને એક બહેન હતાં.હરેશભાઇ રાધનપુરમાં વિનય વિદ્યાલયમાં પટાવાળા તરીકે,જ્યારે બીજો ભાઈ મહેશ માતા સાથે નાનાપુરા ગામે રહી રાધનપુરમાં વાળંદનું કામ કરીને ગુજરાન ચલાવે છે.

નાનાપુરા-રાધનપુરના હરેશભાઇ,પત્ની અને પુત્ર
નાનાપુરા-રાધનપુરના હરેશભાઇ,પત્ની અને પુત્ર

3 દિવસમાં એક જ ડ્રાઇવરે 1550 કિમી ગાડી ચલાવી
ઇકોમાં સવાર 7માંથી ફક્ત હરેશભાઇને ગાડી ચલાવતા આવડતી હતી. એણે 3 દિવસમાં વારાહીથી સારંગપુર, સોમનાથ, ઉંચા કોટડા, સત્તાધાર, વીરપુર, ખોડલધામ અને ચોટીલા થઇ 1550 કિમી મુસાફરી કરી 150 કિમીનું અંતર બાકી હતું ને ઝોકું આવી જતાં કાળ ભરખી ગયો.

હરેશે છેલ્લો ફોન એની મમ્મી રાજીબેનને કર્યો તો કે તમે લોકો સુઇ જાવ અમે સવાર સુધીમાં ઘેર પહોંચી જઇશું, પણ તે પહોંચે તે પહેલાં મોતના સમાચાર મળ્યા
રાત્રે છેલ્લે હરેશે એની માતા રાજીબેન નાયીને ફોન કરીને કીધું હતું કે, અમે લોકો જમીને ચોટીલાથી નીકળ્યા છીએ. તમે લોકો જમીને સુઇ જજો અને સવ‍‍ાર સુધીમાં ઘરે પહોંચી જઇશું. ને આજે આ વાવડ મળ્યા. હજી મૃતક હરેશની માતા રાજીબેનને તો આ ઘટનાની ખબર પણ નથી. > કનુભાઇ નાઇ, મૃતક હરેશભાઇનો કાકાનો દીકરો ભાઇ

આગળ બેઠેલા રમેશભાઇએ દરવાજો ખોલવાનો પ્રયત્ન કર્યો, પરંતુ લાગેલી ભયાનક આગમાં તેજ સ્થિતિમાં સળગી ગયા...
અકસ્માતના સ્થળની ખોફનાક તસ્વીર જોતાં ઇકો ચલાવનારા હરેશ નાયી તો ગંભીર રીતે ઘવાયા હતા. બાદમાં આગ લાગતાં એમની બાજુમાં બેઠેલા રમેશભાઇ મનસુખભાઇ નાયીએ હાથ બહાર કાઢી દરવાજો ખોલવાનો પ્રયત્ન કર્યો. પરંતુ આગમાં તે જ હાલતમાં બળીને મોતને ભેટ્યા હતા.

સાંજે અવશેષોની અંતિમવિધિ કરાઈ
મોડીસાંજે મૃતકોના અવશેષો લાવીને તેમના વતન કોરડા અને નાનાપુરા ગામે લઇ જઇ અંતિમવિધિ કરવામાં આવી હતી. જ્યારે રાજકોટ ખાતે મોકલવામાં આવેલા અવશેષોનો એફએસએલ રિપોર્ટ બે દિવસમાં આવશે તેવું સમાજના પ્રમુખ રતિલાલ નાઈ અને મૃતક રમેશભાઈના કુટુબી ભાઈ ઈશ્વરભાઈએ જણાવ્યું હતું.

મારે ખેતરે કામ હતું ને હું ના ગયો
બેસતા વર્ષે મારા કાકાનો દિકરો હરેશે મારી પાસે આવીને કીધું કે, હું અને મારા બનેવીનો પરિવાર ફરવા જઇએ છીએ તો તુ તારી કાર લઇને અમારી સાથે ચાલ...પણ મેં કીધું કે, મારે ખેતરમાં કામ છે હું નહીં આવી શકુ પણ તમેં મારી કાર લઇ જાવ. ગઇ રાત્રે જ ખોડલ ધામથી હરેશનો ફોન આવ્યો હતો કે અમે સવારે વારાહી પહોંચી જલશું.> પ્રવિણ નાયી, ઇકોગાડીના માલિક

અકસ્માત બાદ લીક થયેલા પેટ્રોલને કારણે આગ લાગી શકે
મોટા ભાગના આગ લાગવાના બનાવનો અભ્યાસ કરીએ તો જયારે પણ ફુલ સ્પીડમાં જતી કોઇ પણ કારનો અકસ્માત થાય છે. ત્યારે કારમાં રહેલુ પેટ્રોલની ટેંક તુટવાથી કે અન્ય કોઇ કારણોથી પેટ્રોલ બહાર આવી જાય છે. પેટ્રોલ અતી જલદ હોય છે.આથી સામાન્ય સ્પાર્ક થતા આગ લાગી શકે છે. આ કેસમાં પણ એવુ બન્યુ હશે. આગ ગેસની ટેંક સુધી પહોચી હોય અને વિકરાળ સ્વરૂપ લીધુ હોય તેવુ લાગી રહયુ છે. > સલુભાઇ ગેરેજવાળા,એક્ષપર્ટ

દરવાજો ખુલે તેમ ન હોય એકે વ્યક્તિ બહાર ન નીકળી શકયા
અકસ્માત જોતા આગળનો ભાગતો એકદમ ભીસાઇ ગયો છે. આથી આગળના લોકોને તો બહાર નિકળવાનો કોઇ ચાન્સ મળે તેમ જ નથી દેખાતુ. પાછળનો દરવાજો પણ ડેમેજ થતા તે ખુલે તેમ ન હોવાને કારણે પાછળ બેઠેલા લોકો પણ બહાર ન નીકળી શકયા હોય તેમ લાગી રહયુ છે. > વી.એન.જાડેજા, પીએસઆઇ- બજાણા પોલીસ સ્ટેશન

અકસ્માત બાદ આગમાં ભડથું થનારા કમનસીબનાં નામો

  1. રમેશભાઈ મનસુખભાઈ નાયી(ઉં.વ. 38) ગામ- કોરડા, તાલુકો- વારાહી, જિલ્લો- પાટણ.
  2. કૈલાશબેન રમેશભાઈ નાયી (ઉં.વ. 35) ગામ- કોરડા, તાલુકો- વારાહી, જિલ્લો- પાટણ.
  3. સનીભાઈ રમેશભાઈ નાયી (ઉં.વ. 12) ગામ- કોરડા, તાલુકો- વારાહી, જિલ્લો- પાટણ.
  4. શીતલબેન રમેશભાઈ નાયી (ઉં.વ. 8) ગામ- કોરડા, તાલુકો- વારાહી, જિલ્લો- પાટણ.
  5. હરેશભાઈ ચતુરભાઈ નાયી (ઉં.વ. 35) ગામ- નાનાપુરા, તાલુકો- રાધનપુર, જિલ્લો- પાટણ.
  6. સેજલબેન હરેશભાઈ નાયી (ઉં.વ. 32) ગામ- નાનાપુરા, તાલુકો- રાધનપુર, જિલ્લો- પાટણ.
  7. હર્ષિલભાઈ હરેશભાઈ નાયી (ઉં.વ. 6) ગામ- નાનાપુરા, તાલુકો- રાધનપુર, જિલ્લો- પાટણ

(તસવીર અને અહેવાલ: મનીષ પારીક, પાટડી)

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- જે કામ માટે તમે છેલ્લાં થોડા સમયથી કોશિશ કરી રહ્યા હતાં, તે કાર્ય માટે કોઇ યોગ્ય સંપર્ક મળી જશે. વાતચીતની મદદથી તમે કોઇ મામલાનું સમાધાન શોધી લેશો. કોઇ જરૂરિયાતમંદ મિત્રની મદદ કરવાથી તમને આત્...

વધુ વાંચો

Open Divya Bhaskar in...
  • Divya Bhaskar App
  • BrowserBrowser