રાજ્યમાં ઉનાળાની શરૂઆત થાય તેની પહેલા જ ચોમાસું શરૂ થયું હોય તેમ લાગી રહ્યું છે. ગઈકાલે અનેક જિલ્લામાં કમોસમી વરસાદ વરસ્યા બાદ આજે પણ માવઠું થયું છે. ત્યારે આગામી પાંચ દિવસ રાજ્યમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. વરસાદની સાથે 30થી 40 કિલોમીટરની ઝડપે પવન પણ ફૂંકાઈ શકે છે. સુરેન્દ્રનગરના પાટડીમાં વહેલી સવારે કરા પડ્યા હતા. જ્યારે વલસાડ, પાટણ, બનાસકાંઠા અને ભુજના કેટલાક વિસ્તારોમાં વરસાદ વરસ્યો છે.
ખેડૂતોના પાકને મોટું નુકસાન થાય તેવી ભીતિ
હવામાન વિભાગે વરસાદની આગાહી કરી છે. તે મુજબ અનેક પંથકમાં વરસાદ વરસી રહ્યો છે. ત્યારે હજુ પણ આગામી પાંચ દિવસ દક્ષિણ ગુજરાતના નર્મદા, તાપી અને ડાંગ જિલ્લામાં તેમજ સૌરાષ્ટ્રમાં અમરેલી, ભાવનગર, જૂનાગઢ, ગીર સોમનાથ પંથકમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. વરસાદને પગલે ખેડૂતોના પાકને મોટું નુકસાન થાય તેવી ભીતિ સેવાઈ રહી છે.
પાટડીમાં કરા સાથે વરસાદ
સુરેન્દ્રનગર જિલ્લામા આજે વહેલી સવારે અચાનક વાતાવરણમા પલટો આવ્યો હતો. ત્યારે કેટલાંક વિસ્તારોમાં ધીમીધારે વરસાદ પણ વરસ્યો હતો. પાટડીમાં વહેલી સવારે વાતાવરણમાં પલટો આવ્યાં બાદ કેટલાંક વિસ્તારોમાં કરા સાથે વરસાદ ખાબક્યો હતો. સમગ્ર ગુજરાત રાજ્યમા હવામાન વિભાગે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી હતી.
ધરમપુર અને કપરાડામાં વરસાદ
વલસાડ જિલ્લાના ધરમપુર અને કપરાડાના અંતરિયાળ વિસ્તારમાં હવામાન વિભાગની આગાહીને લઈને કમોસમી વરસાદ વરસ્યો હતો. જેને પગલે કેરી અને રવિ પાકમાં નુકસાનની ભીતિ સેવાઈ રહી છે. જેથી ખેડૂતોમાં ચીંતાનો માહોલ જોવા મળી રહ્યો છે.
પાટણમાં મધરાત્રે માવઠું
પાટણમાં પણ મધરાત્રે ગાજવીજ સાથે વરસાદ વરસ્યો હતો. રાત્રે વીજળીના કડાકા સાથે વરસાદ પડતાં ખેડૂતોના જીવ તાળવે ચોટ્યા છે. ઘઉં, જીરૂ, ચણા, કપાસ, રાજગરો, રાયડોના પાકમાં નુકસાન થવાનો ડર ખેડૂતોને સતાવી રહ્યો છે. ઉનાળામાં કમોસમી વરસાદને કારણે આર્થીક નુકસાનની ભીતિને પગલે ખેડૂતો ચિંતાતુર બન્યા છે.
અનેક પંથકમાં છુટો છવાયો વરસાદ
બનાસકાંઠા જિલ્લામાં હવામાન વિભાગની આગાહીના પગલે વાતાવરણમાં પલટો આવ્યો હતો. જેથી અનેક પંથકમાં છુટો છવાયો વરસાદ વરસ્યો હતો. અમીરગઢ, ઈકબાલગઢ, ધાનેરા, ડીસા, દિયોદર, કાંકરેજ અને લાખણી સહીતના પંથકમાં માવઠું થયું હતું. સતત બે દિવસથી કમોસમી વરસાદ વરસી રહ્યો છે.
રાજ્યમાં ગઈકાલે પણ અનેક જગ્યાએ વરસાદ વરસ્યો હતો. ખાસ કરીને અમરેલી અને સાંળગપુરમાં ચોમાસા જેવો માહોલ જોવા મળ્યો હતો. અમરેલી, ભાવનગર અને સુરેન્દ્રનગર સહિત સૌરાષ્ટ્રમાં ગઈકાલે પણ વરસાદ વરસ્યો હતો. અમરેલી જિલ્લામાં તો ધોધમાર વરસાદ પડતાં શેરીઓમાં નદીઓ જેવા દૃશ્યો સર્જાયા હતા. રાત્રે નવ વાગ્યા પછી અમદાવાદમાં પણ જોરદાર વીજળી થઈ હતી અને ગડગડાટીનો અવાજ સંભળાયા હતા. દરમિયાન કચ્છના રાપરમાં વીજળી પડવાથી યુવાનનું મોત પણ થયું હતું.
રાપર તાલુકાના જાટાવાડા ગામે વીજળી પડતાં યુવાનનું મોત
ગુજરાતમાં હવામાન વિભાગની આગાહી મુજબ વરસાદી ઝાપટાં વરસ્યાં છે સાથે કચ્છ પંથકમાં પણ ગાજવીજ સાથે માવઠાં વરસ્યા છે. દરમિયાન રાપર તાલુકાના જાટાવાડા ગામ નજીક આવેલા કારીધાર વાંઢ વિસ્તારમાં ખેતરેથી ઘરે આવવાની તૈયારી કરતા ખેત મજૂર કિશોર રઘુભાઈ કોળી (ઉ. વ. 26) પર વીજળી પડતાં તેની હાલત ગંભીર થઈ ગઈ હતી. તેને સારવાર માટે રાપર સરકારી હોસ્પિટલમાં ખસેડાયો હતો જ્યાં ડોક્ટરે તેને મૃત જાહેર કર્યો હતો. મૃતક યુવાનને ત્રણ વર્ષની અને દોઢ વર્ષની દીકરી છે.
કમોસમી વરસાદની આગાહીને લઈને સાબરકાંઠા જિલ્લામાં વાતાવરણમાં પલટો આવ્યો છે. જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં વિવિધ વિસ્તારોમાં રાત્રી અને વહેલી સવારે દરમિયાન કમોસમી વરસાદના છાંટા પડ્યા છે. બીજી તરફ હોળી સામે છે અને ઘઉંનો ઉભો પાક તૈયાર છે. કાપણી ચાલે છે, વાતવરણ અને વરસાદના છાંટાએ ખેડૂતોના જીવ તાળવે ચોંટાડી દીધા છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.