નિધન:દ્વારકા બદલી કરાયેલા ASIનું હૃદયરોગના હુમલાથી નિધન, તણાવમાં હોવાની ચર્ચા

સુરેન્દ્રનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ગ્રેડ પેના આંદોલન સમયે સોગંદનામા મુદ્દે ચર્ચામાં આવ્યા હતા, સસ્પેન્ડ કરાયા હતા

સુરેન્દ્રનગરની એલઆઇબી શાખાના એએસઆઇનું હૃદયરોગના હુમલાથી નિધન થયું છે. પોલીસ કર્મચારીઓના પ્રશ્નોને વાચા આપવાનું કામ કરતા એએસઆઇ શૈલેષકુમાર રાવલની અચાનક અને અણધારી વિદાયથી પરિવારજનો શોકમાં ડૂબી ગયા છે જ્યારે પોલીસબેડામાં ચર્ચાએ જોર પકડ્યું છે. પોલીસ કર્મચારીઓના ગ્રેડ પેના આંદોલન સમયે તેઓ ચર્ચામાં આવ્યા હતા અને તેમને સસ્પેન્ડ કરીને દેવભૂમિ દ્વારકા ખાતે બદલી કરી દેવાઈ હતી. બદલીના ઓર્ડર વખતે પણ સુરેન્દ્રનગર પોલીસમાં અકારણ બદલી કરાયાની ચર્ચાએ વેગ પકડ્યો હતો. નિવૃત્તિના દોઢ વર્ષ પહેલાં અને બદલીના અંદાજે દોઢ મહિના પછી રાવલનું અવસાન થતાં પોલીસબેડામાં કચવાટ અને ગણગણાટ શરૂ થયો છે.

એએસઆઇ શૈલેષકુમાર રાવલના અંતિમ સંસ્કારમાં પોલીસ પરિવાર સાથે મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા અને અંતિમ વિદાય આપી હતી. પોલીસ કર્મચારીઓમાં ચાલતી ચર્ચા પ્રમાણે ગ્રેડ પે મુદ્દે ચાલી રહેલા આંદોલનમાં તેમણે કોન્સ્ટેબલથી માંડીને એએસઆઇ સહિતના પ્રશ્નો માટે તેમણે ઉપર સુધી લડત ચલાવી હતી. ગ્રેડ પેના સોગંદનામા મુદ્દે ચર્ચામાં આવ્યા બાદ તેમને સસ્પેન્ડ કરાયા હતા. ત્યાર પછી 5 સપ્ટેમ્બરે દેવભૂમિ દ્વારકા ખાતે તેમની બદલી કરાઈ હતી. પોલીસમાં ચાલતી ચર્ચા પ્રમાણે સજાના ભાગરૂપે તેમની જિલ્લા બહાર બદલી કરાઈ હતી. જોકે, તેઓ રજા પર ઊતરી ગયા હતા. નોકરીનાં દોઢ વર્ષ બાકી હતાં ત્યારે આ રીતે બદલી કરાતાં તેઓ વ્યથિત હોવાની વાત પણ બેડામાં ચર્ચાઈ રહી હતી.

જે-તે વખતે તેમની બદલી અટકાવવા રજૂઆતો પણ કરાઈ હતી અને વિવાદ પણ થયો હતો. આ મુદ્દે પોલીસ કર્મચારીઓએ ‘બદલી શા માટે કરવામાં આવી’ તે અંગે સોશિયલ મીડિયામાં સ્ટેટસ મૂકી વિરોધ પણ દર્શાવ્યો હતો. સાથે જ પોલીસ લાઇન પરિવારે જિલ્લા પોલીસ વડા કચેરીએ હલ્લાબોલ કરી રજૂઆત પણ કરી હતી. દરમિયાન તેમના આકસ્મિક અવસાનથી પોલીસ લાઇન પરિવારમાં પણ શોકનો માહોલ છવાયો હતો.

અન્ય સમાચારો પણ છે...