આકર્ષણનું કેન્દ્ર:પાટડી જમાદારવાસ ગણેશ ઉત્સવમાં ડુપ્લિકેટ મોદી આકર્ષણનું કેન્દ્ર બન્યા

સુરેન્દ્રનગર22 દિવસ પહેલા
  • આ ડુપ્લિકેટ મોદી સાથે હાથ મિલાવવા લોકોની પડાપડી

પાટડી જમાદારવાસમાં સિદ્ધિ વિનાયક મંદિરે યોજાઇ રહેલા ગણપતિ ઉત્સવમાં રોજ રાત્રે નવ વાગ્યાની આરતીમાં શ્રદ્ધાળુઓનું ઘોડાપુર ઉમટે છે. ત્યારે પાટડી જમાદારવાસ ગણેશ ઉત્સવમાં ડુપ્લિકેટ મોદી આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા. આ ડુપ્લિકેટ મોદી સાથે હાથ મિલાવવા લોકોની પડાપડી કરતા નજરે પડ્યાં હતા.

આરતીમાં હજારો શ્રદ્ધાળુઓ આસ્થાભેર દર્શનાર્થે ઉમટે છે
પાટડીમાં જમાદારવાસ ગણપતિ યુવક મંડળ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ 10 દિવસના ભવ્ય ગણપતિ ઉત્સવનું સુંદર આયોજન હાથ ધરવામાં આવ્યું છે. જેમાં રોજ રાત્રે નવ વાગ્યે યોજાતી આરતીમાં હજારો શ્રધ્ધાળુઓ આસ્થાભેર દર્શનાર્થે ઉમટે છે. જ્યારે જમાદારવાસ ગણપતિ યુવક મંડળ દ્વારા શિવલીંગ સહિતની વિવિધ ઝાંખીઓ પણ બનાવવામાં આવી છે.

દેશભક્તિના ગીતો પર સાંસ્કૃતિક કાર્યક્રમો કરાય છે
પાટડી જમાદારવાસના ગણપતિ ઉત્સવમાં રોજ રાત્રે આરતી બાદ વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમોનું પણ સુંદર આયોજન હાથ ધરવામાં આવે છે. જેમાં નાના નાના બાળકો દ્વારા દેશભક્તિના ગીતો ઉપર વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો કરવામાં આવે છે. અને આ કાર્યક્રમો નિહાળવા મહિલાઓ સહિત પાટડી નગરજનો હેકડેઠેઠ સંખ્યામાં ઉમટે છે.

ગણેશ ઉત્સવમાં ડુપ્લિકેટ મોદી આકર્ષણનું કેન્દ્ર બન્યા
પાટડી જમાદારવાસ ગણેશ ઉત્સવમાં ડુપ્લિકેટ મોદી આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા. આ ડુપ્લિકેટ મોદી સાથે હાથ મિલાવવા લોકોની પડાપડી કરતા નજરે પડ્યાં હતા. ખંતિલ ભટ્ટ દ્વારા મોદીના ગેટઅપમાં બોડીગાર્ડ સાથેની ધમાકેદાર એન્ટ્રીને લોકોએ તાળીઓના ગડગડાટથી વધાવી લીધી હતી. આ પ્રસંગે પૂર્વ જિલ્લા ભાજપ પ્રમુખ દિલીપભાઇ પટેલ, પાટડી નગરપાલિકા પ્રમુખ મૌલેશભાઇ પરીખ, કારોબારી ચેરમેન ચેતનભાઇ શેઠ અને પાટડી પીએસઆઇ ડી.જે.ઝાલા, પ્રફુલભાઇ દવે અને નવઘણભાઇ રબારી સહિતના આગેવાનોએ હાજર રહી આરતી અને પ્રસાદનો લાભ લીધો હતો. આ સમગ્ર કાર્યક્રમનું આયોજન જમાદારવાસ યુવક મંડળના રાજુભાઇ શર્મા, મોન્ટુભાઇ ઠક્કર અને પ્રકાશભાઇ પ્રજાપતિ સહિતના યુવાનોએ ભારે જહેમત ઉઠાવી હતી.

અન્ય સમાચારો પણ છે...