લમ્પી વાયરસના કેસમાં વધારો:સુરેન્દ્રનગર જિલ્લામાં પશુઓમાં લમ્પી વાયરસને પગલે કેન્દ્રની પશુપાલન ટીમના અધિકારીઓના ધ્રાંગધ્રામાં ધામા, પશુપાલકોને જરૂરી સૂચનો કર્યા

સુરેન્દ્રનગર16 દિવસ પહેલા
  • કેન્દ્રની પશુપાલન ટીમે ધ્રાંગધ્રાના કોંઢ અને રતનપર ગામની મુલાકાત કરી

સુરેન્દ્રનગર જિલ્લામાં પશુઓમાં લમ્પી વાયરસના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. જેથી કેન્દ્રની પશુપાલન ટીમના અધિકારીઓએ ધ્રાંગધ્રામાં ધામા નાખ્યાં હતા. કેન્દ્રની પશુપાલન ટીમે ધ્રાંગધ્રાના કોંઢ ઉપરાંત રતનપર ગામની પણ મુલાકાત કરી હતી અને આ લમ્પી રોગચાળાને વધતો અટકાવવા પશુપાલકોને જરૂરી સૂચનો કર્યા હતા.

લમ્પી વાયરસ જોવા મળતા તંત્ર દોડતું થયું હતું
ગુજરાતમાં પશુઓમાં લમ્પી વાયરસે દેખા દીધી છે અને વિવિધ વિસ્તારોમાં લમ્પી વાયરસને લઈને પશુપાલકો પણ ચિંતિત છે. તાજેતરમાં જ સુરેન્દ્રનગર જિલ્લાના કોંઢ ગામે અનેક ગાયોમાં લમ્પી વાયરસ જોવા મળતા તંત્ર દોડતું થયું હતું. વિવિધ પ્રકારની તકેદારી લેવાઈ હતી. ત્યારે આજે ધ્રાંગધ્રા તાલુકાના કોંઢ ગામે કેન્દ્રના પશુપાલન વિભાગના બે અધિકારીઓ સહીતની ટીમે કોંઢ ગામની મુલાકાત લીધી હતી.

પશુપાલન વિભાગને પણ જરૂરી સૂચના આપીજિલ્લાના લમ્પી વાયરસનો ભોગ બનેલા પશુઓના માલિકો સાથે કેન્દ્રની ટીમે મુલાકાત કરી પશુઓની સારવાર માટે માર્ગદર્શન આપ્યું હતું. તેમજ લમ્પી વાયરસ વધુ ફેલાતો અટકાવવા અસરગ્રસ્ત પશુઓને અલગ બાંધવા અને સ્થાનિક પશુપાલન વિભાગને તાત્કાલિક પશુઓને સ્પ્રે છંટકાવ, રસીકરણ ઝડપી કરવા સૂચના આપી હતી. કેન્દ્રની ટીમે ધ્રાંગધ્રાના કોંઢ ઉપરાંત રતનપર ગામની પણ મુલાકાત કરી હતી.

લમ્પી વાઈરસના લક્ષણો
ગાયને થતા લમ્પી વાઈરસના લક્ષણોની વાત કરીએ તો, ગાયને માખી, મચ્છર કરડવાથી લમ્પી વાયરસ થાય છે. સૌ પ્રથમ વખત તાવ આવવો, ચામડીમાં ગાંઠો થવી, પગમાં સોજા થાય, નાકમાંથી પાણી અને અને વધારે ઇન્ફેક્શન લાગ્યું હોય તો લોહી પણ નીકળે છે. તદઉપરાંત ગાય બીમાર થતાં ખોરાક ઘટી જાય છે.

રોગ ન ફેલાય એ માટે સાવચેતીના પગલા જરૂરી
સાવચેતીનાં પગલારુપે ખાસ કરીને જે પશુમાં લક્ષણો જોવા મળે એ પશુઓને બીજા પશુથી અલગ બાંધવા, પશુઓનાં રહેઠાણો સ્વચ્છ રાખવા, તેમાં જુ, ઇતરડી, ચાંચડ, મચ્છર વિરોધી દવાનો છંટકાવ કરવો. અસરગ્રસ્ત પશુ પર લીમડાનાં ઉકાળેલા પાણીનો છંટકાવ કરવો જેવા ઉપાયોથી આ વાયરસ કાબુમાં આવી શકે છે.

દૂધના ઉત્પાદનમાં 5200 લી. જેટલો ઘટાડો
લમ્પી નામના રોગને કારણે પશુના આરોગ્યની સાથે દૂધના ઉત્પાદનમાં પણ મોટો ઘટાડો થતો હોવાનું જોવા મળી રહ્યું છે. એકલા કોંઢ ગામની દૂધ મંડળીમાં જ દરરોજની દૂધની આવકમાં 400 લીટર જેટલો ઘટાડો નોંધાયો છે. ઉપરાંત અન્ય અસરગ્રસ્ત ગામોમાં મળીને કુલ અંદાજે 5200 લીટર દૂધની આવક ઘટી ગઇ છે.

20 ગામમાં 403 પશુને આઇસોલેટ કરાયા
જિલ્લાના જે 20 ગામમાં પશુમાં આ રોગ જોવા મળ્યો છે તે ગામોમાં પશુ ડોક્ટરોની ટીમ કામે લાગી છે. જેમાં આજ સુધી હજુ નવા ગામમાં આ રોગ જોવા નથી મળ્યો તેની રાહત છે. પરંતુ જે પશુ લમ્પીની લપેટમાં આવ્યા છે તે 403 પશુને રસી આપીને આઇસોલેટ કરવામાં આવ્યા છે.

પશુમાં લક્ષણ જણાય એટલે તુરંતુ પશુપાલક જાણ કરે તે ખૂબ જરૂરી
પશુમાં આ રોગના લક્ષણો જણાય એટલે પશુપાલકતુરંત અમારી ટીમને જાણ કરે તે ખૂબ જરૂરી છે. કારણ કે છેલ્લાં સમયે જાણ કરવામાં આવતી હોવાને કારણે પશુની હાલત વધુ ખરાબ થઇ જાય છે. છતાં આ રોગને કારણે પશુના મોતનુ પ્રમાણ માત્ર એક ટકા જ છે. સમયસરની સારવારથી મોતનું પ્રમાણ પણ ઘટાડી શકીએ છીએ. - પી.પી.કણઝરિયા,

અરસગ્રસ્ત પશુના દૂધના રિપોર્ટ થયા નથી, ઉકાળીને ઉપયોગમાં લેવું હિતાવહ
જે પશુને આ લમ્પી નામનો રોગ થયો છે તેની અસર દૂધ ઉપર કેવી પડે છે તેની હજુ સુધી કોઇ તપાસ કે રિપોર્ટ કરવામાં આવ્યા નથી. સામાન્ય રીતે પશુ ડોક્ટરો બીમાર અને દૂબળા પશુને ન દોહવા જોઇએ. તેમ છતાં જો દોહીને દૂધ મેળવવામાં આવે તો તે દૂધને સારી રીતે ઉકાળીને ઉપયોગમાં લેવું જોઇએ.
જિલ્લા પશુપાલક અધિકારી

અન્ય સમાચારો પણ છે...