ધ્રાંગધ્રાથી મોરબી આવવા માટે રૂપિયા 1800માં સ્પેશિયલ ઇકો ગાડી બાંધી હળવદ નજીક ઇકો ચાલકને માઝા મેંગો પીણામાં ઘેની પદાર્થ પીવડાવી બે શખ્સોએ બેભાન કર્યો હતો. તેમજ રૂપિયા 10 હજાર રોકડા, મોબાઈલ ફોન, ડોક્યુમેન્ટ તફડાવી જવાની સાથે ઇકો ગાડી લઈ નાસી છૂટતાં સર્વસ્વ ગુમાવી દેનારો ઇકો ચાલક બે દિવસથી હળવદ પોલીસ મથકના ધક્કા ખાઈ રહ્યો છે. જો કે હજુ સુધી આ મામલે ફરિયાદ નોંધાઈ નથી.
આ ચોંકાવનારા બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ સુરેન્દ્રનગર ટીબી હોસ્પિટલ સામે રહેતા લાલાભાઇ પ્રતાપભાઈ ખોખલીયા નામના ઇકો ગાડીના ચાલક બે દિવસ પૂર્વે ધ્રાંગધ્રા હતા. ત્યારે સાંજના સમયે બે અજાણ્યા ઈસમોએ મોરબી જવા માટે ઇકો કાર ભાડે કરવાનું કહેતાં લાલાભાઇ પ્રતાપભાઈ ખોખલીયા રૂપિયા 1800 ભાડુ બાંધી મોરબી આવવા રવાના થયા હતા.
દરમિયાન ઇકો કાર હળવદ-મોરબી ચોકડીએ પહોંચતા જ ઈકોમાં બેઠેલા બંન્ને શખ્સોએ નજીકની હોટલે ગાડી ઉભી રાખવાનું કહી ચા-પાણી, ઠંડુ લઈ આવું તેમ કહી કાર થોભાવી હતી. ઉપરાંત થોડીવારમાં જ બંન્ને શખ્સ માઝા મેંગો પીણું અને નાસ્તો લાવ્યા હતા અને ઇકો ચાલકને માઝા મૅન્ગોનો ગ્લાસ ભરીને આપ્યો હતો. આ ઠંડુ પીણું પીધા બાદ ગાડી થોડે આગળ હવામાં ઊભી રાખવા બંન્ને એ કહેતા લાલાભાઇને ગાડી ચલાવ્યા બાદ શું થયું એ કંઈ ખબર જ પડી નહોતી.
જો કે બેભાન બનેલા લાલાભાઇ આખી રાત્રી નિર્જન સ્થળે પડ્યા રહ્યા બાદ છેક બીજા દિવસે ભાનમાં આવ્યા હતા. જેમને ઇકો ગાડી, તેમનો મોબાઈલ ફોન, પાકીટમાં રહેલા રૂપિયા 10 હજાર રોકડા અને અન્ય જરૂરી કાગળો પણ બંન્ને ગઠિયા લઈને જતા રહ્યા હોવાની જાણ થઇ હતી. જેથી છેલ્લા બે દિવસથી સુરેન્દ્રનગરના લાલાભાઇ પ્રતાપભાઈ ખોખલીયા હળવદ પોલીસ મથકના ધક્કા ખાઈ રહ્યા છે. જો કે, હજુ સુધી આ મામલે ફરિયાદ નોંધાઈ નથી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.