તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સમસ્યા:પાટડીના સુરેલ ગામમાં ભર ઉનાળે 20 દિ'થી 5000ની વસ્તીને પીવાના પાણીનો પોકાર

સુરેન્દ્રનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પાટડીના સુરેલ ગામમાં ભર ઉનાળે 20 દિ'થી 5000ની વસ્તીને પીવાના પાણીનો પોકાર - Divya Bhaskar
પાટડીના સુરેલ ગામમાં ભર ઉનાળે 20 દિ'થી 5000ની વસ્તીને પીવાના પાણીનો પોકાર
  • ગામના બંને બોરની મોટર બળી જતાં ગ્રામજનોનો પીવાના પાણી માટે રઝળપાટ

પાટડી તાલુકાના સુરેલ ગામની બંને બોરની મોટર બળી જતા ગામમાં ભર ઉનાળે છેલ્લા 20 દિ'થી પીવાના પાણીનો પોકાર શરૂ થયો છે. ગામની મહિલાઓને પીવાના પાણીની એક એક બુંદ માટે ખરા બપોરે રઝળપાટ કરવાની નોબત આવી છે. આ અંગે પંચાયતમાં અને પાણી પુરવઠા વિભાગને અનેકો રજૂઆત કરવા છતાં પીવાના પાણી માટે તંત્રના પેટનું પાણી પણ હલતુ નથી.

પાટડી તાલુકાના સુરેલ ગામની વસ્તી અંદાજે 5000 લોકોની છે. અહીંના મોટા ભાગના લોકો ખેત મજૂરી થકી પેટીયું રળે છે. સુરેલ ગામમાં પાછલા 20 દિવસની બોરની મોટર બળી જતાં ગામમાં પીવાના પાણીની સમસ્યા અતિ વિકટ બનવા પામી છે. સુરેલ ગામમાં આવેલા બે બોરમાંથી એક બોર તો ઘણા સમયથી બંધ છે. જ્યારે બીજા બોરમાં ખુબ ઓછુ પાણી આવતું હોવાથી ગામની મહિલાઓ છેલ્લા 20 દિ'થી ભર ઉનાળે પીવાના પાણીની એક એક બુંદ માટે વલખાં મારતી નજરે પડે છે. હાલમાં ગામની મહિલાઓ સુરેલથી રોઝવાના રોડ વચ્ચે આવેલા બોરમાંથી પીવાના પાણી મેળવી રહી છે.

આ અંગે સુરેલ ગામના રસિકભાઇ સોમેશ્વરાએ આક્રોશ સાથે જણાવ્યું કે, ગામમાં છેલ્લા ચાર વર્ષથી પીવાના પાણીનો ટાંકો બિન ઉપયોગી છે. તેને પાડીને બીજો ટાંકો આજ દિન સુધી બનાવવાની કાર્યવાહી કરાઇ નથી. વધુમાં સુરેલ ગામમાં પીવાના પાણીના બે સમ્પ આવેલા છે. જેમાં 3 લાખ લિટરનો સમ્પ પણ ઘણા વર્ષોથી ધૂળ ખાય છે. પંચાયતના અણધડ વહિવટના લીધે વારંવાર બોરની મોટર બળી જાય છે. પાણીની પાઇપલાઇનો પણ તૂટી જવાના બનાવો બને છે.

એમણે વધુમાં જણાવ્યું કે, મોટર બળી જાય અેટલે તેનુ બીલ વધારે બનાવડાવી ભાગ પાડી પંચાયતની સિલકને નુકશાન થાય છે. હાલ પંચાયત પાસે સિલક નથી ત્યારે પંચાયતના સભ્યો અને સરપચે લોકફાળો આપીને પાણી પુરુ પાડવુ જોઇએ. અને વધુમાં નર્મદાનું પાણી સંપમાં ઠલવાય તેવી કાર્યવાહી થાય તો પીવાના પાણીનો પશ્ન કાયમ ઉકેલાઇ જાય એમ છે. આ અંગે પંચાયતમાં અને પાણી પુરવઠા વિભાગમાં અનેકો રજૂઆત કરવા છતાં પીવાના પાણીના પ્રશ્ને તંત્રના પેટનું પાણી પણ હલતું નથી. આથી તંત્ર દ્વારા સુરેલ ગામમાં તાકીદે પીવાના પાણીના વિકટ પ્રશ્નનો નિવેડો લાવવામાં નહીં આવે તો નાછુટકે ગ્રામજનો ગાંધી ચીધ્યાં માર્ગે આંદોલન કરવાની ફરજ પડશે.

અન્ય સમાચારો પણ છે...