તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વિશ્વ રક્તદાતા દિન:જિલ્લામાં વાર્ષિક 6થી 7 હજાર યુનિટ રક્તની જરૂરિયાત સામે 5થી 6 હજાર યુનિટ રક્તદાન

સુરેન્દ્રનગર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
સુરેન્દ્રનગરના 73 વર્ષીય ગોવિંદભાઇ ભરવાડે 33 વર્ષમાં 63 વખત રક્તદાન કર્યું. - Divya Bhaskar
સુરેન્દ્રનગરના 73 વર્ષીય ગોવિંદભાઇ ભરવાડે 33 વર્ષમાં 63 વખત રક્તદાન કર્યું.

આજે વિશ્વ રક્તદાતા દિવસ કાર્લલેન્ડસ્ટેઇનર જેઓ એબીઓ રક્તસમૂહ પ્રણાલીના શોઘક છે. તેમને 1930માં નોબેલ પારિતોષિક એનાયત કરાયું હતું. તેમનો જન્મદિવસ 14 જૂન હોવાથી વિશ્વ આરોગ્ય સંસ્થાએ પહેલ કરી રક્તદાનનું મહત્વ સમજાવવા 2007થી તેમના જન્મદિને અને રક્તદાતાઓ પ્રત્યે આભાર વ્યક્ત કરવા વિશ્વ રક્તદાતા દિવસ તરીકે ઉજવણી કરવાનું શરૂ કર્યું હતું. સુરેન્દ્રનગર જિલ્લામાં વાર્ષિક 6000થી 7000 યુનિટ જેટલા રક્તની જરૂરિયાત હોય છે. જેની સામે હાલ 5થી 6 યુનિટ જેટલું જ રક્તદાન થાય છે. જ્યારે બાકી રહેતી રક્તની જરૂરિયાત લોકો સ્વૈચ્છિક રક્તદાન કરી પૂરી પાડતા હોય છે.

જિલ્લામાં ગાંધી હોસ્પિટલ, સી.યુ.શાહ મેડિકલ કોલેજ, ધ્રાંગધ્રા,ચોટીલા, પાટડી, લીંબડી, સાયલામાં બ્લડ સ્ટોરેજ યુનિટ આવેલા છે. આ અંગે સી.યુ.શાહ મેડીકલ કોલેજ ડીન ડો.રીનાબેન ગઢવી, તબીબી અધિક્ષક ડો.રૂપમ ગુપ્તા, પેથોલોજી ડિપાર્ટમેનટના ડો.તેજશભાઇ ચોક્સીએ જણાવ્યું કે લોકોએ કરેલું રક્તદાન મુખ્યત્વે થેલેસેમિયા, અકસ્માત, ઓપરેશન, નવજાત શિશુ, પ્રેગ્નેન્સી, એનિમિયા તેમજ કેન્સર જેવા દર્દીઓની સારવારમાં ઉપયોગમાં લેવામાં આવતું હોય છે. એક વ્યક્તિએ કરેલું રક્તદાન 3 લોકોના જીવ બચાવી શકે છે. મેડિકલ કોલેજમાં વઢવાણ રોટરી ક્લબના સહયોગથી 80થી વધુ થેલેસેમિયાના બાળકોને નિ:શુલ્ક રક્તની જરૂરિયાત પૂરી કરાય છે. જ્યારે જરૂરિયાત સમયે ધ્રાંગધ્રા આર્મી કેમ્પના બ્રિગેડિયર એન્ટોનિ તથા જવાનો તથા ડોક્ટરો તથા સ્ટાફ પણ રક્તદાન કરે છે.

18થી 60 વર્ષના કોઇ પણ તંદુરક્ત વ્યક્તિ જેનું વજન 45 કિલો, હિમોગ્લોબીન 12.5 ગ્રામથી વધુ હોય તે રક્તદાન કરી શકે. જેમાં પુરૂષ 3 મહિને અને મહિલા 4 મહિને રક્તદાન કરી શકે છે. જ્યારે ત્રણ માસમાં આ નવું લોહી બની જાય છે. હાલ 18થી 45 વર્ષના લોકોને કોરોના રસીકરણ પહેલા રક્તદાન કરવું જોઇએ જેથી કોઇનો જીવ બચાવી શકાય .

સુરેન્દ્રનગરના દાદાએ 33 વર્ષમાં 63 વખત રક્તદાન કર્યું
સુરેન્દ્રનગરના 73 વર્ષીય ગોવિંદભાઇ ભરવાડના પુત્રને વર્ષો પહેલા રક્તકણ ઘટી જતાં રક્ત ચડાવવાની જરૂરિયાત ઉભી થઇ હતી. ત્યારે તેમને પોતાનું રક્ત બાળકને ચઢાવવું પડ્યું હતું. આથી તેઓને રક્તની જરૂરિયાતવાળા લોકની મદદની પ્રેરણા મળી માટે તેઓએ સતત 33 વર્ષ દરમિયાન 63 વખત રક્તદાન કર્યું હતું. હાલ 73 વર્ષની ઉંમરે રકતદાન ન કરી શકતા હોવાથી સંસ્થાઓની મદદથી કેમ્પ યોજી લોકોને રક્તદાન કરવા પ્રેરે છે. કોરોના કાળ દરમિયાન કેમ્પ શક્ય ન બનતા સી.યુ.શાહ મેડિકલ કોલેજના વાહનની મદદથી શહેર તથા ગ્રામ્ય વિસ્તારમાંથી રક્તદાન કરવા લોકોને રૂબરૂ લાવી રક્તદાન કરાવ્યું હતું. > ગોવિંદભાઇ ભરવાડ

અન્ય સમાચારો પણ છે...