સુરેન્દ્રનગર એસટી બસ સ્ટેશન, કંટ્રોલપોઇન્ટ તેમજ પીક સ્ટેન્ડની 200 મીટર ત્રિજ્યાના નિયમને ખાનગીવાહન ચાલકો ઘોળીને પી જતા હોવાનો ઘાટ સર્જાતા તંત્રને ખોટનો ખાડો સહન કરવાનો વારો આવ્યો છે. આ ઉપરાંત બસ સ્ટેશનમાં મુસાફરોના જાનમાલને લઇને તંત્ર દ્વારા કાયમી માટે 2 પોલીસકર્મીને મૂકવા જિલ્લા પોલીસવડાને લેખિતમાં રજૂઆત કરાઈ છતાં પરિણામ શૂન્ય રહેતા દિવસે દિવસે ખાનગીવાહનોને હાલ આ સ્થળ ખૂલ્લુ મેદાન બની ગયુ છે.
સુરેન્દ્રનગર એસટી બસ સ્ટેશનમાંથી 160થી વધુ બસો દોડાવવાની સાથે મોટી સંખ્યામાં તેનો મુસાફરો લાભ લઇ રહ્યાં છે. બીજી તરફ એસટી બસ સ્ટેશનના 200 મીટર ત્રિજ્યાની હદમાં કોઇપણ ખાનગીવાહનોના પ્રવેશ પર પ્રતિબંધ છે. જેમાં સુરેન્દ્રનગર બસ સ્ટેશન, પતરાવાળી એનટીએમ હાઇસ્કૂલ પાસે, રતનપર, મૂળી બસ સ્ટેશન, લખતર બસસ્ટેશન સહિત પીકઅપ સ્ટેન્ડોનો સમાવેશ થાય છે.
પરંતુ આ બસ સ્ટેશનના આજુબાજુ જ નિયમોનો ભંગ થતો હોવાથી તંત્રને ખોટના ખાડાનો સામનો કરવો પડી રહ્યો છે. સુરેન્દ્રનગર એસટી ડેપો દ્વારા બસ સ્ટેશનમાં બે પોલીસ કર્મીઓ કાયમી માટે ફાળવવામાં આવે તે માટે વારંવાર તંત્રને લેખિતમાં રજૂઆત કરાઈ છે.
જ્યારે આ અંગે ટ્રાફિક પીએસઆઈ એન.એચ.સોલંકીએ જણાવ્યું કે, એસટી ડેપો બહાર જ 1 ટ્રાફિક જવાન અને 1 ટ્રાફિક બ્રિગેડને ફરજ પર રાખવામાં આવે છે. અને અહી નિયમોનો ભંગ કરતા વાહનો સામે દંડ સહિતની કાર્યવાહી કરવામાં આવે છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.