સુરેન્દ્રનગર જિલ્લામાં જિલ્લા કક્ષાની 26મી જાન્યુઆરીની ઉજવણી સંદર્ભે જિલ્લા કલેક્ટર કે.સી.સંપટના અધ્યક્ષસ્થાને કલેકટર કચેરીમાં બેઠક યોજાઇ હતી.જેમાં જિલ્લા કક્ષાની ઉજવણીના આયોજન અંગે વિગતવાર ચર્ચા કરવામાં આવી હતી. આ વર્ષે સુરેન્દ્રનગર જિલ્લા કક્ષાની 26મી જાન્યુઆરી- પ્રજાસત્તા ક પર્વની ઉજવણી પાટડીની સુરજમલજી હાઇસ્કુલ ખાતે કરવા નિર્ણય કરાયો હતો.
જ્યારે પર્વની શાનદાર ઉજવણી કરવા માટે દરેક વિભાગોને પોતાના વિભાગની લાગુ પડતી કામગીરી સુપેરે નિભાવી રાષ્ટ્રીય પર્વની ઉજવણીમાં સહભાગી થવા જણાવ્યું હતું. તેમજ વિવિધ વિભાગો દ્વારા સ્ટોલ તૈયાર કરવા તેમજ ટેબ્લો પ્રદર્શન ગોઠવવા અંગે પણ સંબંધિત અધિકારીઓને સુચના અપાઇ હતી.
જ્યારે સાંસ્કૃતિક કૃતિઓની પ્રસ્તુતિ, પરેડ નિરીક્ષણ, વિવિધ વિભાગોના સ્ટોલ અને ટેબ્લો પ્રદર્શન, સ્ટેજ વ્યવસ્થા, બેઠક વ્યવસ્થા, આમંત્રણ પત્રિકા, પૂર્વ સંધ્યાએ રોશની સહિતના વિવિધ મુદ્દાઓ વિશે ચર્ચા- વિચારણા કરાઇ હતી.આ બેઠકમાં જિલ્લા પોલીસ અધિક્ષક હરેશ દુધાત, નિવાસી અધિક કલેકટર દર્શનાબેન ભગલાણી, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક આર.એમ. રાયજાદા, પાટડી પ્રાંત અધિકારી ભાવનાબા ઝાલા સહિત જિલ્લાના વિવિધ વિભાગના અધિકારી, કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.