કોરોનાની રફતાર:જિલ્લા ભાજપ પ્રમુખ, મહામંત્રી કોરોનાની ઝપેટેઃ ગુરુવારે નવા 14 દર્દી નોંધાયા

સુરેન્દ્રનગરએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • 5 દિવસ પહેલા સી.આર.પાટીલના સ્વાગતમાં બંને નેતા હાજર રહ્યા હતા, સંપર્કમાં આવેલા નેતા અને કાર્યકરોમાં ફફડાટ
  • પ્રદેશ પ્રમુખની રેલી દરમિયાન બંનેની નજીકમાં રહેલા કાર્યકરોને સેલ્ફ કોરન્ટાઇન થવાના મેસેજ સોશિયલ મિડીયામાં વહેતા થયાં
  • થાનમાં 7, સુરેન્દ્રનગર અને પાટડીમાં 3-3 તેમજ લખતરમાં 1 કેસ નોંધાયો

જિલ્લા ભાજપ સંગઠ્ઠનના પ્રમુખ દીલીપભાઇ પટેલ અને મહામંત્રી જગદીશભાઇ મકવાણા કોરોનાની ઝપટમાં આવી જતા જિલ્લા ભાજપના કાર્યકરોમાં ફફડાટ ફેલાયો છે. શનીવારના રોજ જિલ્લાની મુલાકાતે આવેલા પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલની રેલીમાં જિલ્લા ભાજપની ટીમ સાથે બન્ને નેતાઓ હાજર રહ્યા હતા. ત્યારે જિલ્લા ભાજપ સંગઠ્ઠનના અગ્ર હરોળના બે હોદ્દેદારો કોરોના સંક્રમીત થતા તેમના સંક્રમણમાં આવેલા નેતા અને કાર્યકરોમાં ફફડાટ ફેલાયો છે. સોશીયલ મીડીયામાં જે નેતા અને કાર્યકરો આ બન્ને હોદ્દેદારોની નજીકમાં રહ્યા હોય તેઓને સેલ્ફ કોરન્ટાઇન થવાના મેસેજ પણ વહેતા થયા છે. ગુરૂવારે સુરેન્દ્રનગર જિલ્લામાં 14 કેસ નોંધાયા છે.

પંથકમાં કુલ 3 કેસ, જિલ્લા ભાજપ પ્રમુખ અમદાવાદ સારવારમાં
પાટડીમાં રહેતા અને સુરેન્દ્રનગર જિલ્લા ભાજપ પ્રમુખ દીલીપભાઇ પટેલ કોરોના સંક્રમીત થતા તેમને સારવાર માટે અમદાવાદની ખાનગી હોસ્પિટલમાં લઇ જવાયા હોવાનું જાણવા મળે છે. આ ઉપરાંત પાટડીના આદરીયાણા અને ઝાડીયાણામાં પણ કોરોનાના 1-1 કેસ નોંધાયા છે.

મહામંત્રીના કોરોના કેસ અંગે તંત્ર પાસે માહિતી જ નથી
રતનપરની ઇન્દ્રપ્રસ્થ સોસાયટીમાં રહેતા જિલ્લા ભાજપ મહામંત્રી જગદીશભાઇ મકવાણાને કોરોના હોવાનું બહાર આવ્યુ છે. જોકે, આ અંગે આરોગ્ય વિભાગ પાસે સત્તાવાર માહિતી નથી. ઉપરાંત શહેરના લક્ષ્મીપરા અને તાલુકાના ખારવા ગામે પણ કોરોનાનો એક-એક કેસ સામે આવ્યો છે.

લખતરમાં ધીમે ધીમે કેસ બહાર આવતા સેનિટાઇઝેશન કરાયું
લખતર શહેરમાં કોરોના વાઇરસના કેસ ધીમે ધીમે બહાર આવી રહ્યા છે. ત્યારે ગુરૂવારે લખતર શહેરની નવીફળી વિસ્તારમાં 60 વર્ષના પુરુષનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હોવાની બિનસત્તાવાર રીતે માહિતી મળી હતી. લખતર ગ્રામ પંચાયતનાં સેનેટરી ઇન્સ્પેકટર સ્નેહદીપ થોરિયાએ સેનિટાઈઝેશન કરાવ્યું હતું.

એક જ પરિવારના 5 સહિત કુલ 7 લોકો સંક્રમિત, આરોગ્ય તંત્રમાં દોડધામ
થાન હરીનગરમાં રહેતા એક જ પરિવારના 5 વ્યક્તિ સહીત કુલ 7 કોરોના પોઝિટીવ કેસ નોંધાયા હતા. જેમાં હરીનગરમાં રહેતા 60 વર્ષીય વૃધ્ધા, 40 વર્ષીય યુવાન, 35 વર્ષીય મહિલા અને 14 તેમજ 12 વર્ષના બે બાળકો સહીત એક જ પરિવારમાં 5 વ્યક્તિઓને કોરોના પોઝિટીવ આવ્યો હતો. આ ઉપરાંત ફુલવાડી વિસ્તારમાં રહેતા 40 વર્ષીય મહિલા અને જુના દલીતવાસમાં રહેતા 35 વર્ષીય મહિલા પણ કોરોના સંક્રમીત થતાં થાન શહેરમાં એક જ દિવસમાં 7 કોરોના પોઝિટીવ કેસ નોંધાયા હતા.

અન્ય સમાચારો પણ છે...