સુરેન્દ્રનગર જિલ્લાના ખેડૂતો હાલ ઉનાળુ પાકને પિયત માટે પાણી છોડવા નર્મદા કેનાલનું પાણી આપવા માગ કરી રહ્યા છે. ત્યારે જિલ્લાઅધિક કલેક્ટરે જાહેરનામું બહાર પાડી નર્મદા બોટાદ શાખા નહેરમાંથી પાણી લેવા પર પ્રતિબંધ જાહેર કર્યો છે. પાણી લેનાર સામે દંડાત્મક કાર્યવાહી કરવાની સૂચના અપાઇ છે.હાલમાં ઉનાળુ સિઝનમાં પીવાના પાણીની અછત ઊભી થયેલ હોવાથી સરકારની સૂચના અનુસાર બોટાદ બ્રાન્ચ કેનાલમાં પાણી છોડવામાં આવ્યું છે.
પીવાના પાણીનો વેડફાટ ન થાય તથા પાણી ચોરી અટકાવવા માટે ધ્રાંગધ્રા શાખા નહેરની લાઇન દોરીમાં આવતા ગામોનું પાણી ચોરી ન થાય તે માટે સુરેન્દ્રનગર અધિક જિલ્લા મેજિસ્ટ્રેટે દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. જેમાં જણાવ્યા મુજબ આ કેનાલ પર પાણીના વહનમાં ખેડૂતો, કેટલાક ઇસમો દ્વારા પંપ દ્વારા પાણીનો ઉપયોગ કરાતો હોવાથી પીવાના પાણીનો જથ્થો નહેરના છેવાડાના વિસ્તારમાં આવેલ પમ્પિંગ સ્ટેશન ઉપર પહોંચી શકતો નથી.
આ સંજોગોમાં નિગમના સ્ટાફ દ્વારા તેમજ સ્થાનિક પોલીસ સહાય/મદદ દ્વારા મોનિટરિંગ અને કોમ્બિંગની કાર્યવાહી હાથ ધરે છે પણ ચોરી અટકાવી શકાતી નથી. આથી જિલ્લામાંથી પસાર થતી નર્મદા બોટાદ શાખા નહેર કૂલ-74,310 કિમી લાંબી નહેરમાંથી પાણી લેતા અટકાવવા વિતરણ વ્યવસ્થા જાળવવા વઢવાણ તાલુકાના ખેરાળી, માળોદ, ગુંદીયાળા, ટીંબા, કારીયાણી, વડોદ, અને વસ્તડી ગામ લીંબડી તાલુકાના બોરાણા ચુડા તાલુકાના ચુડા સહીત 9 ગામોમાંથી પસાર થતી નહેરમાંથી કોઇ પણ રીતે પાણી ચોરી કરવી નહીં કે કરાવવી નહીં.
જિલ્લાના ઉક્ત તાલુકાની નહેર જેમાં સરકારશ્રી દ્વારા પીવાના પાણીનો જથ્થો અનામત રાખેલ હોવાથી તેવા જળાશયમાંથી પાણી વાળી જળાશયમાંથી પાણી ખેતીમાં ઉપયોગ ન કરવા જણાવાયું છે. પરંતુ પીવાના પાણીની તાકીદની મુશ્કેલી કે અનિવાર્ય કારણોસર અથવા અન્ય ખાસ સંજોગોમાં સત્તા અધિકારી દ્વારા પાણી માટે મંજૂરી આપવામાં આવતી હોય તેવા જાહેર સેવકો અને ટેન્કરો કે પાણી પુરવઠાનું વિતરણ કરતાં કોઈપણ અધિકૃત વ્યક્તિને આ હુકમ લાગુ પડશે નહીં. આ જાહેરનામાનો કોઈ પણ ખંડનો ભંગ અથવા ઉલ્લંઘન કરનાર શિક્ષાને પાત્ર થશે.
સંબંધિત વિસ્તારમાં ફરજ બજાવતા હેડ કોન્સ્ટેબલથી નાયબ પોલીસ અધિક્ષક સુધીનો હોદ્દો ધરાવતા અધિકારીઓને આ જાહેરનામાનો ભંગ કરનાર સામે ફરિયાદ કરવા માટે અધિકૃત કરાયા છે. આ પ્રતિબંધ 60 દિવસ સુધી અમલમાં રહેશે.અત્રે ઉલ્લેખનીય છે કે એક બાજુ ઉનાળુ પાકને પિયત આપવા કેનાલના પાણી માટે ખેડૂતો માંગ કરી રહ્યા છે. ત્યારે અગાઉ ધ્રાંગધ્રા કેનાલમાંથી 19 ગામોને પણ પાણી લેવા પર પ્રતિબંધ જાહેર થયા બાદ વધુ એક કેનાલમાંથી પાણી લેવા મનાઇ ફરમાવાઇ છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.