આજથી શ્રાવણ:ધૂર્જટિ પિનાકપાણિ મૃત્યુંજય મહાદેવ

સુરેન્દ્રનગર21 દિવસ પહેલા
  • કૉપી લિંક
લખતરના તલસાણા ગામે મહાદેવને ફૂલોનો શણગાર અને દીપમાળની આરતી કરાય છે. - Divya Bhaskar
લખતરના તલસાણા ગામે મહાદેવને ફૂલોનો શણગાર અને દીપમાળની આરતી કરાય છે.
  • મંદિરોમાં પાર્થેશ્વર પૂજન, વિશેષ શણગાર, મહાઆરતી, પૂજન, અભિષેક થકી ભક્તો મહાદેવને રીઝવશે
  • નમસ્તે ભગવાન રૂદ્રે​​​​​​​ ભાસ્કરામિત તેજસે, નમો ભવા દેવાય રસાયામ્બુમયાત્મને

હિન્દુ ધર્મના શ્રાવણમાસનું અતિ મહત્ત્વ છે. આ માસ દરમિયાન ભક્તો મહાદેવને વિવિધ રીતે પ્રસન્ન કરવા પ્રયાસો કરે છે. આજથી ભક્તોના ભોળા દેવને પ્રિય એવા શ્રાવણ માસની શરૂઆત થવા જઇ રહી છે. ઝાલાવાડમાં શિવભક્તો શ્રાવણ માસમાં આખો ઉપવાસ અને ઘણા ભક્તો સોમવારના ઉપવાસ રાખી મહાદેવના પૂજન-અર્ચન કરશે.

જિલ્લામાં સૌથી જૂના મહાદેવ મંદિરો આવેલા હોવાથી ત્રિનેત્રેશ્વર મહાદેવ મંદિર થાન, ઝરિયા મહાદેવ ચોટીલા, ધોળેશ્વર મહાદેવ સુરેન્દ્રનગર, ક્ષેમશંકર મહાદેવ વઢવાણ સહિતના શિવાલયોમાં વહેલી સવારથી ભક્તો પૂજન કરવા પહોંચશે. જેમાં બિલિપત્ર, જળ, દૂધ સહિત દ્રવ્યોથી મહાદેવને અભિષેક તથા વિશેષ શણગાર કરી આરતી કરાશે. સોમવારના રોજ વિશેષ પૂજન. મહિના દરમિયાન પાર્થેશ્વર પૂજન સહિત મહાઆરતી તથા મોડી રાત્રી આરતી સહિતના ધાર્મિક કાર્યક્રમોથી શિવાલયો ગૂંજી ઉઠશે

ધોળીધજા ડેમે રોજ 500 દિવાની આરતી કરાશે
અંદાજે 70 વર્ષ પહેલા ધોળીધજા ડેમના ખોદકામ સમયે એક નાગે દર્શન દીધા હતા ત્યાર બાદ કામ અટકી પડ્યું હતું. જેથી શિવાલયનું નિર્માણ કરાયું અને ધોળીધજા ડેમના નામ પરથી મંદિરને ધોળેશ્વર મહાદેવ નામ અપાયું હતું. મંદિર ટ્રસ્ટી પ્રવિણસિંહ ઝાલાએ જણાવ્યું ધોળીધજા ડેમે શ્રાવણ માસ દરમિયાન વહેલી સવારે 5 કલાકની આરતીથી દિવસની શરૂઆત કરાય છે. મહાદેવને ફૂલો, બિલિપત્રોનો શણગાર અને દૂધાભિષેક, જળાભિષેક પૂજન કરાશે. જ્યારે રોજ 500 દિવાની રોજ બે સમય આરતી કરવામાં આવશે.

ક્ષેમશંકર મહાદેવ સોમવાર, અમાસે વિશેષ પૂજન
વઢવાણ ક્ષેમશંકર મહાદેવ મંદિરે શ્રાવણ માસમાં દર્શનનું મહત્વ છે. ટ્રસ્ટી જયંતભાઇએ જણાવ્યું અહીં શ્રાવણ દરમિયાન રોજ વિવિધ શણગાર, પૂજન, ભજન, પાર્થેશ્વર પૂજન સહિત ધાર્મિક કાર્યક્રમ થાય છે. દર સોમવારે અને અમાસે વિષેશ પૂજન કરાશે. રાત્રે 12 કલાકે થતી આરતીનું વિષે મહત્ત્વ છે.

તલસાણાની સીમમાં સ્વયંભૂ પ્રગટ્યા હતા મહાદેવ
લખતરના તલસાણા ગામની સીમમાં આશરે ત્રણેક હજાર વર્ષ પહેલાં સ્વયંભૂ પ્રગટેલા તલસાણિયા મહાદેવ તરીકે પ્રખ્યાત છે. પૂર્વ ઉપપ્રમુખ, બગસ્થળિયા દવે પરિવાર યોગેશ દવેએ જણાવ્યું કે ગામનો માલધારી ગાયો ચરાવવા જતો ત્યારે એક ગાય પાછળ રહેતી અને દોહવા બેસે ત્યારે દૂધ ન આવતા માલધારીને શંકા જતા તેની પાછળ રહી તપાસ કરતા ગાય હાલના મંદિરના સ્થાને ઊભી રહેતા ત્યાં બધું દૂધ તેની જાતે જ પડી જતું. આમ આ જગ્યાએ મંદિરની સ્થાપના કરાઈ. શ્રાવણ દરમિયાન સંધ્યા આરતી બાદ ફરાળની વ્યવસ્થા કરાય છે.

શરણેશ્વર મહાદેવ રોજ રૂદ્રાભિષેક સહિતના કાર્યક્રમ
હળવદમાં ઠેરઠેર શિવમંદિરો આવેલા હોવાથી છોટા કાશી તરીકે પણ ઓળ ખાય છે. અહીં આવેલું પૌરાણિક શરણેશ્વર મહાદેવ મંદિર આસ્થાનું સ્થાન છે. શ્રાવણ દરમિયાન અહીં રોજ રુદ્રાભિષેક, રાત્રે શિવમહિમ્નસ્ત્રોત, મહાઆરતી, દર સોમવારે ભંડારો સહિત ધાર્મિક કાર્યક્રમ યોજાશે.

સ્વયંભૂ ઉંટેશ્વર મહાદેવ મંદિરે મોટી ઉધરસ મટે છે
લખતરના સદાદની સીમમાં ઊંટેશ્વર મહાદેવનું મંદિર આવેલું છે. કોઈને ભારે ઉધરસ હોય તો ઉંટેશ્વર મહાદેવને ગોળ અને બાજરીનો લોટ ધરવાની બાધા (ટેક) રાખે તો તે મટી જાય તેવી લોકવાયકા છે. સ્થાનિક ભગીરથસિંહ રાણાએ જણાવ્યુ લખતર ભૂત પરિવારનાં મોરારભા નામનાં વ્યક્તિ ખેતર ખેડતા હતા તે સમયે તેમના હળ સાથે એક પથરો વારંવાર અથડાતો હતો. ત્યારબાદ રાત્રીનાં સમયે સપનું આવતાં મહાદેવે કહ્યું કે એ શિવલિંગ છે પથ્થર નથી. આથી શિવલિંગની સ્થાપના કરી મંદિરનું નિર્માણ કરાયુ હતું.

મિનિ સોમનાથ તરીકે ઓળખાતા વૈદ્યનાથ મહાદેવ
હળવદમાં આવેલું વૈદ્યનાથ મહાદેવ મંદિર મિનિ સોમનાથ તરીકે ઓળખાય છે. અહીં દરરોજ મહારૂદ્રાભિષેક, અલગ અલગ દ્રવ્યોથી અભિષેક કરવામાં આવશે. શ્રાવણ મહિનામાં અહીં દર્શનનું મહાત્મ્ય હોવાથી બહારથી રોકાવા આવતા ભક્તોની પણ વ્યવસ્થા કરવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...