અગરિયાઓનો સર્વે:રણના અગરિયાઓની હવે 7/12ની જેમ નોંધ થશે, અંદાજે 5000 અગરિયા પરીવારોને મળશે ડીઝીટલ સરનામું

સુરેન્દ્રનગર17 દિવસ પહેલા
  • કૉપી લિંક
રણના અગરિયાઓની હવે 7/12ની જેમ નોંધ થશે - Divya Bhaskar
રણના અગરિયાઓની હવે 7/12ની જેમ નોંધ થશે
  • પ્રથમ વખત રણના અગરિયાઓનો સર્વે હાથ ધરાયો
  • સદીઓથી અદ્રશ્ય અગરિયાઓ ડિજીટલ સર્વેથી દ્રશ્યમાન થશે
  • આ સમગ્ર વિસ્તાર અન-સર્વે લેન્ડ હોવાથી એક પણ ગામ પાસે વિસ્તારનું રેવન્યુ રેકર્ડ ઉપલબ્ધ નથી

કચ્છના નાના રણનો આજ દિન સુધી ક્યારેય સર્વે થયો નથી. ત્યારે આ બાબત સરકારના ધ્યાને આવતા હાલ સરકારે રણના અગરિયાઓનો સર્વે કરવાની કામગીરી હાથ ધરી છે. સરકાર દ્વારા આ રણને સર્વે નંબર 'ઝીરો' નામ અપાયું છે. હાલમાં રણમાં મીઠું પકવતા અગરિયાઓનો ડીઝીટલ સર્વેનું કામ ચાલતુ હોવાથી આગામી દિવસોમાં રણના અંદાજે 5000 અગરિયા પરીવારોની સંપૂર્ણ વિગત ઓનલાઇન મળવાની સાથે એમને ડીઝીટલ સરનામું મળશે. અગરિયાઓ હવેથી 7/12 ની જેમ તેમના પાટાની સ્થળ સ્થિતીની નકશા સાથેની વિગતો ડાઉનલોડ કરી ઉતારા તરીકે ઉપયોગમાં લઈ શકશે.

પ્રથમ વખત સરકારે સર્વે હાથ ધર્યો

અંદાજે પાંચ હજાર ચોરસ કિ.મી.નો વિસ્તાર ધરાવતું કચ્છનું નાનું રણ એ ગુજરાત અને દેશનો એકમાત્ર એવો પ્રદેશ છે, કે જેનો આજ દિન સુધી ક્યારેય સર્વે હાથ ધરાયો જ નથી. હમણાં સુધી આ વિસ્તારનો કોઇ સર્વે નંબર જ નહોતો. સરકારના ધ્યાન પર આ વાત આવતા, આ વિસ્તારનો એરીયલ સર્વે કરી આ વિસ્તારને આઝાદી પછી પ્રથમ વખત સરકારે સર્વે હાથ ધરી 'સર્વે નંબર ઝીરો' એવુ નામ આપ્યું હતું. આ સમગ્ર વિસ્તાર અન-સર્વે લેન્ડ હોવાની સાથે કોઇપણ રેવન્યુ વિલેજની હદ-હકુમતમાં આવતી ના હોવાથી ચારેય જિલ્લાના એક પણ ગામ પાસે આ વિસ્તારનું રેવન્યુ રેકર્ડ ઉપલબ્ધ નથી. જ્યારે સેન્ટ્રલ સોલ્ટ કમિશ્નરનાં રીપોર્ટમાં કચ્છના નાના રણમાં પકવવામાં આવતા મીઠાના કુલ ઉત્પાદનને 'સોલ્ટ પ્રોડક્શન બાય અન-રેકગ્નાઇઝ યુનીટ' તરીકે બતાવવામાં આવ્યું છે.

ડીઝીટલ સર્વેની કામગીરી હાલ પૂરજોશમાંરણમાં મીઠું પકવતા ગરીબ અને પછાત એવા હજારો અગરિયાઓના પાટે-પાટે જઈ અગરિયાઓનો ડીઝીટલ સર્વે હાથ ધરવામાં આવી રહ્યોં છે. જેમાં અગરિયા પરીવારની માહિતી, અગરિયા ભુલકાઓનું શિક્ષણ, મીઠાનું ઉત્પાદન, પાટાનું લોકેશન, અક્ષાંશ-રેખાંશમાં સ્થળ, ડીઝલ-ક્રુડ ખર્ચ, આખા પરીવારનો માસીક ખર્ચ અને આરોગ્ય પર કરેલી ખર્ચની વિગતવાર માહિતી એકઠી કરાઇ રહી છે. રણમાં મીઠું પકવ્યાં બાદ અગરિયા પરીવારો જ્યારે પોતાના માદરે વતન પરત ફરે ત્યારે એમના ગામમાં જઇ એમના ગામની અને તેમના રહેઠાણની વિગત અને સાથે ફરીથી અક્ષાંશ-રેખાંશમાં સરનામું લેવાની કામગીરી હાલમાં પૂરજોશમાં ચાલી રહી છે.

સદીઓથી અદ્રશ્ય અગરિયાઓ ડિજીટલ સર્વેથી દ્રશ્યમાન થશે

આ સર્વેની વિગતો આગામી દિવસોમાં એક વેબસાઇટ પર અપલોડ કરવામાં આવશે. જેથી અગરિયાઓ ક્યાં ગામોમાંથી રણમાં કઇ જગ્યાએ મીઠું પકવવા જઇ રહ્યાં છે એ સંપૂર્ણ માહિતી સમગ્ર દુનીયા જોઇ શકશે. સર્વે નંબર ઝીરોમાં સદીઓથી હોવા છતાં અદ્રશ્ય રહેલા અગરિયાઓ ડીઝીટલ સર્વે થકી દ્રશ્યમાન થશે. આ ડેટાબેઝનો ઉપયોગ સરકાર પણ કરી શકશે. અગરિયાઓ 7/12ની જેમ તેમના પાટાની સ્થળ-સ્થિતીની નકશા સાથેની વિગતો ડાઉનલોડ કરી ઉતારા તરીકે ઉપયોગમાં લઇ શકશે.

રણના સર્વે નંબર ઝીરોમાં ઇન્ટરનેટ પહોચ્યું

જે વિેસ્તારમાં સંવાદનું કોઇ માધ્યમ જ ન હોય અને અરીસો નાખીને એકબીજાને સંદેશો આપવાનો થતો હોય એવા પ્રદેશમાં હવે ઇન્ટરનેટ પહોચ્યું છે. જેના થકી અગરિયાઓ ઓનલાઇન થયા છે.

રણમાં વાઇફાઇની ટેકનોલોજી લાવનારા ડિઝીટલ એમ્પાવરમેન્ટ ફાઉન્ડેશનના ડાયરેક્ટર ઓસામા બંઝરે જણાવ્યું કે, રણમાં રહેતા અગરિયાઓ હવે દુનિયા માટે દ્રશ્યમાન થશે અને ટૂંક સમયમાં રણના નકશા પર અક્ષાંશ રેખાંશ થકી આપણે તેમને જોઇ શકીશુ.

આ અંગે અગરિયા હિત રક્ષક મંચના ટ્રસ્ટી હરિણેશ પંડ્યા અને પંક્તિબેન જોગે જણાવ્યું કે, ટેબ્લેટ દ્વારા રણશાળામાં ભણતા બાળકોનું ભણતર થોડુ મજાનું બનશે. મોબાઇલ વાનમાં ઓનલાઇન સુવિધા છે. તેનાથી રણમાં મીઠું પકવતા અગરિયાઓને વિવિધ યોજનાઓ સાથે જોડવાનું સરળ બનશે. તેમને ઘરબેઠા ઝેરોક્ષ, અરજી લખવાની અને પ્રિન્ટ કરવાની સુવિધા પણ પાટા બેઠા મળશે. આગામી દિવસોમાં રાશન અંગેની કૂપન કાઢવાની સુવિધા પણ રણબેઠા મળશે અને હવેથી રણમાં મીઠું પકવતા અગરિયાઓને ડીઝીટલ સરનામું મળશે અને અગરિયા સમુદાયમાં રોજગારીની તકો વધશે.

રણકાંઠાના છેવાડાના ભુલકાઓ ડીઝીટલ પ્રોગ્રામ થકી દુનિયા સાથે જોડાયા

સમગ્ર રણને વાઇફાઇ કર્યા બાદ અગરિયા ભુલકાઓને ડીઝીટલ સેવાથી જોડ્યાના સફળ પ્રોગ્રામ બાદ ઓફ સીઝનમાં રણકાંઠાના સૌથી છેવાડે આવેલા વિસનગરના પ્રાથમિક શાળાના ભુલકાઓને પણ ડીઝીટલ પ્રોગ્રામ થકી દુનિયા સાથે જોડવામાં આવ્યાં હતા.

અગરિયા હિતરક્ષક મંચ દ્વારા સમગ્ર રણને વાઇફાઇ ઝોનમાં લઇ અગરિયા ભુલકાઓને ડીઝીટલ પ્રોગ્રામ થકી દુનિયા સાથે જોડવામાં આવ્યાં હતા. રણકાંઠાના સૌથી છેવાડે આવેલા વિસનગર પ્રાથમિક શાળાના ધોરણ 6, 7 અને 8ના વિદ્યાર્થીઓને ડીઝીટલ પ્રોગ્રામ થકી એમના હાથમાં લેપટોપ, ટેબ્લેટ સાથે એલઇડી ટીવી સાથે ટ્રેનીંગ આપી દુનિયા સાથે જોડવામાં આવ્યાં છે. રણમાં મીઠું પકવતા અગરિયાઓના ભુલકાઓ બાદ રણકાંઠાના સૌથી છેવાડાના ગામડાઓના ભુલકાઓને પણ ડીઝીટલ પ્રોગ્રામ થકી દુનિયા સાથે જોડવાના પ્રોગ્રામને પણ પ્રચંડ સફળતા પ્રાપ્ત થતા આગામી દિવસોમાં રણકાંઠાના અન્ય ગામડાઓેને પણ ડીઝીટલ પ્રોગ્રામ થકી દુનિયા સાથે જોડાશે.

અન્ય સમાચારો પણ છે...