અનુસૂચિત જાતિ સમાજનું સંમેલન:દસાડા વિધાનસભાની ચૂંટણીમાં સ્થાનિક ઉમેદવારને ટિકિટ આપવાની માગ

સુરેન્દ્રનગર2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • વિધાનસભાના તમામ પ્રજાજનો સ્થાનિક ઉમેદવારની તરફેણ કરે તે દિશામાં આગામી સમયમાં મોટું સંમેલન બોલાવવા આહવાન

ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પડઘમ વચ્ચે ત્યારે દસાડા વિધાનસભાની ચુંટણીમાં સ્થાનિક ઉમેદવારને ટિકિટ આપવા માંગ સાથે અનુસુચિત જાતિ સમાજનું સંમેલન યોજાયું હતુ. જેમાં આ વિધાનસભામાં સ્થાનિક ઉમેદવારને ટિકિટ નહીં આપવામાં આવે તો અનુસુચિત જાતિના કેટલાક આગેવાનો અન્ય પક્ષમાંથી અથવા તો અપક્ષમાંથી ઉમેદવારી કરવાની તૈયારીઓ કરી રહ્યાં હોવાનું પણ જાણવા મળી રહ્યું છે. અનુસુચિત જાતિ સિવાયના અન્ય સમાજના લોકો પણ પક્ષ દ્વારા સ્થાનિક ઉમેદવારને ટિકિટ આપવામાં આવે તેવું ઈચ્છી રહ્યાં છે.

દસાડા (અ.જા.)વિધાનસભા 1975થી અનુસૂચિત જાતિના ઉમેદવાર માટે અનામત બેઠક છે. આ બેઠક 47 વર્ષથી અનામત હોવા છતાં રોટેશન મુજબ આ બેઠકમા સ્થાનિક ઉમેદવારને પ્રતિનિધિત્વ મળે તેવા બંધારણનો મૂળભૂત ઉદ્દેશ ફળીભૂત થતો નથી. દરેક ચૂંટણીમા રાજકીય પક્ષો બહારના આયાતી ઉમેદવારને ટિકિટ આપે છે. જેના કારણે આવા બહારના આયાતી પ્રતિનિધિઓ ધારાસભ્યો થવાના કારણે આ વિસ્તારના સ્થાનિક પ્રશ્નોમાં ઉદાસીનતા દાખવવામાં આવે છે.

લોકોની મૂળભૂત અને પાયાગત સમસ્યાને ઉજાગર કરવામાં બહારના આયાતી ધારાસભ્યો આજદિન સુધી ન્યાય આપી શક્યા નથી. જેથી મતવિસ્તારના લોકો દર પાંચ વર્ષે નવા પ્રતિનિધિ પંસદ કરે છે. જેથી આ વિસ્તારના અગરિયાના પ્રશ્નો, મજૂરો તેમજ ખેડૂતોના નર્મદા કેનાલના પ્રશ્નો તેમજ વિવિધ ક્ષેત્રે વિકાસની બાબતમાં દસાડા મતવિસ્તાર બિન વિકસિત અને આજેય પછાત રહ્યો છે. ગુજરાત સરકાર સત્તાધારી પાર્ટીના વિરોધ પક્ષના ધારાસભ્ય 2002થી 2007 તેમજ 2017થી 2022 હોવાના કારણે પણ આ વિસ્તારમાં જોઈએ તેવો વિકાસ થયો નથી.

જેથી આ વિસ્તારના પાયાના પ્રશ્નોને વાચા આપી શકે તે માટે આ વિસ્તારના સ્થાનિક ઉમેદવારને પાર્ટી ટિકિટ આપે તેવી વ્યાપક માંગ સમગ્ર વિધાનસભાના પ્રજાજનોમાંથી ઉઠી રહી છે. જેમાં મંગળવારે દસાડા વિધાનસભા ક્ષેત્રના અનુસૂચિત જાતિ સમાજની એક બેઠક કાંકરાવાડી ગામે સમાજના આગેવાન જગદીશભાઈ પરમારના નિવાસ સ્થાને ઝાડીયાણા ગામના સામાજિક આગેવાન અને પાટડી તાલુકા પંચાયતના પૂર્વ સામાજિક ન્યાય સમિતિના ચેરમેન મણાભાઈ વિરાભાઇ પરમારના પ્રમુખ સ્થાને મળી હતી.

જેમાં રાજકીય પક્ષો સ્થાનિક ઉમેદવારને ટિકિટ આપે અને સ્થાનિક ઉમેદવારની તરફી સમાજનું વધારેમાં વધારે મતદાન કરવા સમગ્ર સમાજને હાંકલ કરવામાં આવી હતી. આ બેઠકમાં સમગ્ર વિધાનસભામાંથી મોટી સંખ્યામાં અનુસૂચિત જાતિના આગેવાનો ઉપસ્થીત રહી સ્થાનિક ઉમેદવારને સમર્થન આપવા તેમજ વિધાનસભાના તમામ પ્રજાજનો સ્થાનિક ઉમેદવારની તરફેણ કરે તે દિશામાં આગામી સમયમાં મોટું સંમેલન બોલાવવા હાકલ કરવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...