પત્ર:પાટડીના ગામોમાં દલિત સમાજના હયાત સ્મશાનો નિમ કરવા અને સુવિધા પૂરી પાડવા દલિત અધિકાર મંચની માંગ

સુરેન્દ્રનગર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
પાટડીના ગામોમાં દલિત સમાજના હયાત સ્મશાનો નિમ કરવા અને સુવિધા પૂરી પાડવા દલિત અધિકાર મંચની માંગ - Divya Bhaskar
પાટડીના ગામોમાં દલિત સમાજના હયાત સ્મશાનો નિમ કરવા અને સુવિધા પૂરી પાડવા દલિત અધિકાર મંચની માંગ
  • પાટડી નાયબ કલેકટર દ્વારા તાલુકા વિકાસ અધિકારી અને મામલતદારને કાર્યવાહી કરવા પત્ર લખ્યો

પાટડીના ગામોમાં દલિત સમાજના હયાત સ્મશાનો નિમ કરવા અને સુવિધા પૂરી પાડવા દલિત અધિકાર મંચ દ્વારા માંગ કરવામાં આવી હતી. જેને ધ્યાનમાં લઇને પાટડી નાયબ કલેકટર દ્વારા તાલુકા વિકાસ અધિકારી અને મામલતદારને કાર્યવાહી કરવા પત્ર લખવામાં આવ્યો હતો.

પાટડી તાલુકાના અનેક ગામોમાં દલિત સમાજના લોકો દ્વારા સ્મશાન હેતુ માટે ઉપયોગમાં લેવામાં આવતી સ્મશાનની જમીનો સરકારી ચોપડે અનુ.જાતિના સ્મશાન તરીકે કાયદેસર નિમ કરવામાં આવી નથી. જેથી સ્મશાનમાં ઉપયોગમાં લેવાતી જમીનોના 7/12ની નકલોમાં પણ અનુ.જાતિના સ્મશાન તરીકે નામો દાખલ થયા નથી. હાલમાં આ ગંભીર સમસ્યાઓને લઈને સ્મશાનમાં આવવા જવાના રસ્તા તેમજ આજુ બાજુમાં ખેતર માલિકો દ્વારા દબાણ જેવી અનેક સમસ્યાઓ ઉદભવી રહી છે. જેને લઈને દલિત અધિકાર મંચના નેજા હેઠળ કિરીટ રાઠોડ, ખોડાભાઈ પરમાર, નવઘણભાઈ પરમાર દ્વારા નાયબ કલેકટર પાટડીના સીરેસ્તેદાર એ.ડી.વાઘેલાને લેખિતમાં આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.

દલિત અધિકાર મંચ દ્વારા કરવામાં આવેલી આ લેખીત રજુઆતમાં પાટડી તાલુકાના ગામોમાં અનુ.જાતિ સમાજ દ્વારા સ્મશાન તરીકે ઉપયોગમાં લેવામાં આવતી જમીનો નિમ કરવાની માંગ કરી છે. તેમજ હયાત સ્મશાનનોમાં જુદા જુદા વિકાસના કામો જેવા કે સ્મશાન છાપરી, સંરક્ષણ દીવાલ, બેસવાના બાકડા મુકવા, પાકો રસ્તો, બાવળો કટિંગ, વૃક્ષા રોપણ, જેવા વિવિધ કામો અંગે સુવિધા પૂરી પાડવા બાબતે નાયબ કલેકટરને રજુઆત કરવામાં આવી હતી. જેને લઈને નાયબ કલેકટર પાટડી દ્વારા આ બાબતે તાલુકા વિકાસ અધિકારી અને મામલતદારને દરેક ગામોમાં આ બાબતે જરૂરી કાર્યવાહી કરવા બાબતે લેખિતમાં જાણ કરવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...