તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રજૂઆત:હળવદના બ્રાહ્મણી ડેમમાંથી નીકળતી કેનાલની સરખી રીતે સફાઈ કરવાની માંગ

સુરેન્દ્રનગર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
હળવદના બ્રાહ્મણી ડેમમાંથી નીકળતી કેનાલની સરખી રીતે સફાઈ કરવાની માંગ - Divya Bhaskar
હળવદના બ્રાહ્મણી ડેમમાંથી નીકળતી કેનાલની સરખી રીતે સફાઈ કરવાની માંગ
  • કોન્ટ્રાક્ટરો ચાલુ કેનાલની માત્ર ઉપરથી જ સફાઈ કરતા હોઇ કેનાલના તળિયે માટી યથાવત
  • માળીયા કેનાલમાં પાણી પહોંચાડવા હળવદ કેનાલ કાંઠાના બાર ગામના ફીડર બંધ

હળવદ તાલુકાના બ્રાહ્મણી ડેમમાંથી નીકળતી કેનાલ સતત ચાલતી હોવાના કારણે તેમાં પાણીની સાથે સાથે માટી પણ આવતી હોય છે. અને એ માટી કેનાલના તટ પર બેસી જાય છે. જેથી કેનાલનું લેવલ ખોરવાઇ જાય છે. અને છેવાડે પાણી પહોંચવામાં મુશ્કેલી થાય છે. સાથે કેનાલનું લેવલ ઉંચુ થય જાય છે.

માટી તો કેનાલના તળિયામાં જ રહે છે

આ અંગે હાર્દિક મલાસણા નામના જાગૃત નાગરિકે જણાવ્યું કે કેનાલની સફાઈ માટે સરકાર દ્વારા લાખો રૂપિયાનો ખર્ચો કરીને તેને સાફ કરવામાં આવે છે. પણ સરકાર અને પબ્લિકના રૂપિયાના ધુમાડા કરતા કોન્ટ્રાકટર દ્વારા ચાલુ કેનાલમાંથી સાફ કરવામાં આવે છે. જેથી એ લોકો ઉપર ઉપરથી કચરો લે છે અને જલદીથી કામ પૂરું કરી નાખે છે. સરકારને ખાલી બતાવવામાં આવે છે કે સાફ સફાઈ કરવામાં આવે છે. પરંતુ વાત માટી બહાર કાઢવાની છે એ માટી તો કેનાલના તળિયામાં જ રહે છે.

ચેકિંગના નામે ખેડૂતોને હેરાન ન કરવામાં આવે : નયન પટેલ

હળવદમાંથી પસાર થતી માળીયા બ્રાંચની નર્મદા કેનાલમાં હાલ પાણી ઉપાડવાની પંથકના ખેડૂતોને મનાઈ કરવામાં આવી છે. જેને લઈ હળવદ ભાજપના નયનભાઈ પટેલે રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીને લેખિત રજૂઆત કરી જણાવ્યું છે કે વર્તમાન સમયમાં ગુજરાત રાજ્ય પર પાણીની કોઇ કટોકટી પણ નથી. તેમજ ખેડૂતો દ્વારા પાણી બગાડ પણ થતો નથી. તેથી આપને નમ્ર વિનંતી કે ખેડૂતોને માળીયા બ્રાન્ચ કેનાલમાંથી પાણી સીંચાઈ માટે પાણી આપવામાં આવે અને ચેકિંગના નામે ખેડૂતોને હેરાનગતિ કરવામાં ના આવે.

માળીયા કેનાલમાં પાણી પહોંચાડવા હળવદ કેનાલ કાંઠાના બાર ગામના ફીડર બંધ

નર્મદા યોજના અંતર્ગત છેવાડાની માળીયા કેનાલમાં પાણી ન પહોંચતું હોવાથી ખેડૂતોના પ્રશ્ને રાજકારણ ગરમાયુ છે. ત્યારે હળવદ પંથકના બારેક ગામોના ખેતીવાડી ફીડર બંધ કરી નર્મદાના પાણી માળીયા સુધી પહોંચતા કરવા કાર્યવાહી કરાતા હળવદ પંથકના ખેડૂતોમાં દેકારો બોલી ગયો છે. જો કે પીજીવીસીએલ દ્વારા ફીડર બંધ નથી કરાયા પરંતુ રીશેડ્યુલ કરાયાનું જણાવાયું છે.

14 સબમર્સીબલ પમ્પ ધરાવતા ખેડૂતો સામે ફરિયાદ

માળીયા બ્રાન્ચ કેનાલનો લાભ મેળવતા ખેડૂતોએ આગોતરું વાવેતર કર્યા બાદ કેનાલમાં પાણી ન પહોંચતું હોવાથી ખેડૂતોમાં રોષ વ્યાપી ગયો છે. અને આ મામલે રાજકીય આગેવાનો અને હોદ્દેદારો પણ મેદાને આવતા પોલીસ અને નર્મદા વિભાગ એક્શન મોડમાં આવી ગઈકાલે નર્મદા કેનાલ હળવદ વિસ્તારમાં પાણી ચોરી અટકાવવા 14 સબમર્સીબલ પમ્પ ધરાવતા ખેડૂતો સામે ફરિયાદ પણ નોંધી આજે પણ ચેકીંગ ચાલુ રાખવામાં આવ્યું હોવાનું જાણવા મળે છે.

ખેડૂતો પણ વીજળી વગર મૂંઝવણમાં મુકાયા

બીજી તરફ નર્મદા કેનાલમાંથી ઝડપભેર માળીયા સુધી પાણી પહોંચે તે માટે હળવદ તાલુકાના એજાર, ઈશનપુર, નવા અમરાપર, જુના અમરાપર, અજીતગઢ, ઈંગોરાળા, માનગઢ, ખોડ, જોગડ, ટીકર, નવા ઘાટીલા, રણમલપુર સહિત બાર જેટલા ગામમાં ખેતીવાડી વીજ ફીડર બંધ કરી દેવામાં આવ્યા હોવાની ફરિયાદ ખેડૂતો દ્વારા કરવામાં આવી છે. અને ખાસ કરીને નર્મદા કેનાલનો લાભ ન લેતા ખેડૂતો પણ વીજળી વગર મૂંઝવણમાં મુકાયા છે.

નર્મદાનો લાભ લેતા ખેડૂતોને પણ વીજ પુરવઠાથી વંચિત રહેવું પડ્યું

દરમિયાન આ મામલે મોરબી પીજીવીસીએલના અધિક્ષક ઈજનેર વી.એલ.ડોબરિયાનો સંપર્ક સાધતા તેમને જણાવ્યું હતું કે હળવદ ગ્રામ્ય વિસ્તારમાં વીજ ફીડર બંધ નથી કરાયા પરંતુ માત્ર રીશેડ્યુલ કરાયા છે. નોંધનીય છે કે ગઈકાલે મોરબીના ભાજપના આગેવાને સોશિયલ મીડિયામાં મેસેજ ફરતો કરી માળીયાને પાણી મળે તે માટે વીજતંત્ર દ્વારા કેનાલકાંઠા વિસ્તારમાં પાવર કટ કર્યો હોવાના મેસેજ કર્યા બાદ આજે જોગાનુજોગ વીજતંત્રએ કામગીરી કરતા હળવદ પંથકમાં નર્મદાનો લાભ લેતા ખેડૂતોને પણ વીજ પુરવઠાથી વંચિત રહેવું પડ્યું છે.

12 જેટલા ગામોમાં 32થી 36 કલાક માટે વીજ પુરવઠો બંધ

રણ કાંઠાના 12 જેટલા ગામોમાં 32થી 36 કલાક માટે વીજ પુરવઠો બંધ કરવામાં આવ્યો છે. સાથે જ હળવદ ભાજપના આગેવાનો દ્વારા હળવદના ખેડૂતોને પાણી મળી રહે તે માટે રાજ્ય સરકારમાં રજૂઆત કરવામાં આવી છે. હાલ પીજીવીસીએલની ટીમ અને સરદાર સરોવર નર્મદા નિગમના અધિકારીઓ માળીયા બ્રાન્ચની કેનાલ પર બિનઅધિકૃત રીતે ચાલતી ઇલેક્ટ્રિક મોટર અને ડીઝલ એન્જિન હટાવવાની કામગીરી પણ કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે.

અન્ય સમાચારો પણ છે...