હળવદ નગરપાલિકા દ્વારા રોસ્ટર પદ્ધતિથી ભરતી કરવામાં આવેલા સફાઈ કામદાર કર્મચારીઓ પાસેથી મૂળભૂત હેતુ મુજબની સફાઈ કામગીરી જ કરાવવામાં આવતી નથી. જેને લઈ આજે સમસ્ત વાલ્મીકી સફાઈ કામદારો દ્વારા રોસ્ટર મુજબ ભરતી થયેલા સફાઈ કામદારો પાસે પણ સફાઇની કામગીરી કરાવવાની માંગ કરી હતી. સમસ્ત વાલ્મીકી સફાઈ કામદારોએ ચીફ ઓફિસરને આ અંગે લેખિતમાં રજૂઆત કરી હતી. તેમજ જો માંગ નહી સ્વીકારવામાં આવે તો આવતીકાલથી ગાંધી ચિંધ્યા માર્ગે પ્રતિક ઉપવાસ તથા આંદોલન છેડવાની ચીમકી ઉચ્ચારી છે.
સમસ્ત વાલ્મિકી સફાઈ કામદારો દ્વારા હળવદ પાલિકાના ચીફ ઓફિસરને કરાયેલી રજૂઆતમાં જણાવ્યું છે કે, ગત તારીખ 22/4 ના રોજ હળવદ નગરપાલિકા કચેરીમાં રોસ્ટર મુજબની ભરતી થયેલા સફાઈ કામદારો પાસે મૂળભૂત હેતુ મુજબ શહેરમાં સફાઈ કામગીરી કરવા માટે રજૂઆત કરવામાં આવી હતી તેમ છતાં પણ આજદિન સુધી કોઈપણ પ્રકારની એવી કામગીરી કરવામાં આવી નથી. જેને લઇ વાલ્મિકી સમાજના સફાઇ કામદારોને સામાજિક અસ્પૃશ્યતાને પ્રોત્સાહન અપાઈ રહ્યાનો આક્ષેપ કર્યો છે.
ઉલ્લેખનીય છે કે, વાલ્મીકી સમાજ સફાઈ કામદારો દ્વારા સફાઈ કામદારોને નામે ભરતી કરેલા ઉમેદવારોના ફોટા સાથેના પોસ્ટરો પણ શહેર ભરમાં લગાવ્યા છે અને અસ્પૃશ્યતા અને ભેદભાવ મામલે સરકાર તેમજ સ્થાનિક નાગરિકો સમક્ષ ન્યાય માટેની આ લડત અંગે નવો રસ્તો અપનાવતા શહેરમાં તરેહ તરેહની ચર્ચાઓ ઉઠી છે.
બીજી તરફ સમસ્ત વાલ્મીકી સફાઈ કામદારો આવતીકાલથી તારીખ 5/5/2022થી રોસ્ટર પદ્ધતિથી ભરતી થયેલા સફાઈ કામદારો પાસેથી નિયમ મુજબ સફાઈ કામ કરાવવાની માંગ સાથે હળવદ નગરપાલિકા કચેરી સામે પ્રતિક ઉપવાસ પર બેસી વિરોધ કરી ગાંધી ચીંધ્યા માર્ગે આંદોલન શરૂ કરવાની જાહેરાત કરી હતી. તેમજ માંગણી ન સંતોષાય તો આંદોલનને ઉગ્ર બનાવવાનું જાહેર કર્યું છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.