તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આજથી શ્રીગણેશ:મંદિરોમાં દર્શન કરી શકાશે પણ આરતીનો લાભ નહીં મળે, ચોટીલામાં મર્યાદિત ટુકડીમાં જવા દેવાશે

સુરેન્દ્રનગર5 દિવસ પહેલા
  • કૉપી લિંક
ચોટીલા મંદિરે ચામુંડા માતાજીને સૌમ્ય સ્વરૂપના શણગાર કરવામાં આવ્યા હતા. - Divya Bhaskar
ચોટીલા મંદિરે ચામુંડા માતાજીને સૌમ્ય સ્વરૂપના શણગાર કરવામાં આવ્યા હતા.
  • સુરેન્દ્રનગરમાં રોજનું 24 લાખનું ટર્નઓવર ધરાવતું રાત્રિ ખાણીપીણીનું બજાર ધમધમશે

ઝાલાવાડના પ્રસિદ્ધ ધાર્મિક સ્થળો લોકડાઉનને કારણે ઘણા દિવસથી બંધ કરી દેવામાં આવ્યા હતા. પરંતુ હવે કોરોનાના કેસ ઓછા થતા આજથી મંદિરમાં ભાવિકોને દર્શન કરવાની છૂટ આપવામાં આવતા ચોટીલા,વડવાળાદેવ,ગણપતિ ફાટસર, જૈન દેરાસર સહિતના ધાર્મિક સ્થળોના સંચાલકો દ્વારા મંદિર, પરિસરની સફાઇ કરી દર્શન માટે આવતા ભકતોની વ્યવસ્થાની તૈયારીઓ શરૂ કરી દીધી હતી. દર્શનાર્થીઓ કોરોનાની ગાઇડલાઇનનું પાલન કરે તેની ખાસ તકેદારી રાખવામાં આવી છે.

મોટા ભાગના મંદિરોમાં દર્શન કરી ભાવિકે નિકળી જવાનું રહેશે. કારણ કે વધુ દર્શનાર્થીઓ ભેગા થાય તો કોરોના સંક્રમણની શક્યતાઓ વધી જાય તેમ છે. આ ઉપરાંત જ્યારે આરતી થાય ત્યારે વધુ માણસો ભેગા થતા હોય છે. આથી આરતીના સમયે મંદિરમાં કોઇ ભક્તને રહેવા દેવામાં નહીં આવે.

બીજી તરફ સુરેન્દ્રનગર શહેરમાં વધતા કોરોનાના કેસને કારણે રાત્રિના સમયે ધમધમતા ખાણીપીણીનો વ્યવસાય બંધ કરાવીને માત્ર પાર્સલની જ સુવિધા ચાલુ રાખવા માટે આદેશ આપવામાં આવ્યો હતો. જેને લઇને લાંબા સમયથી ખાણીપીણીની લારી કે દુકાનો ધરાવતા વેપારીઓ આર્થિક ભીંસમાં આવી ગયા હતા. સરકારે આપેલા આદેશ મુજબ આજથી શહેરમાં દરરોજ અંદાજે રૂ.24 લાખનું ટર્નઓવર ધરાવતી ખાપીપીણી માર્કેટ અને હોટેલો ધમધમતી થશે.

રાજ્યનું પ્રસિદ્ધ યાત્રાધામ ચોટીલા ચામુંડા માતાજી મંદિર શુક્રવારે દર્શનાર્થે ખૂલી રહ્યું છે અને 57 દિવસ સુધી કોવિડને કારણે બંધ રહ્યા બાદ આવતા યાત્રિકો અને માઈભક્તો માટે ગુરુવારનાં રોજ ડુંગર ટ્રસ્ટ દ્વારા તમામ તૈયારીઓ પૂર્ણ કરવામાં આવી હતી. જેમાં ગુરૂવારનાં દિવસે જ પગથિયા અને મંદિર પરિસર અને આસપાસની સાફ સફાઇ કરવામાં આવેલ છે. તેમજ ગર્ભગૃહની અંદર ભીડ ન થાય તેવી વ્યવસ્થા અને ડુંગર પગથિયાઓ ઉપર ગોળ રાઉન્ડ કરવાની કામગીરી આગલા દિવસે જ કરાઇ હતી. જ્યારે માતાજીને દૈદિપ્યમાન શણગાર મહંત પરિવારજનોએ ગુરુવારનાં સાંજે જ માંની પ્રતિમાને ચડાવી માતાજીના પ્રથમ સ્વરૂપના જાજરમાન સૌમ્યતા સ્વરૂપને તૈયાર કર્યું હતું.

આજથી માતાજીના સન્મુખ દર્શન માટે હજારો માઈભક્તો આતુર છે. જેમા શુક્રવારે સવારે સાત કલાકે નીચે તળેટી પગથિયાં ગેઈટને ખોલાશે. નીચે જ યાત્રિકોને સેનેટાઇઝ, માસ્ક અને મર્યાદિત સંખ્યામાં ટુકડીઓ પાડી ડિસ્ટન્સ જળવાય તે રીતે ઉપર જવા દેવાશે. સવાર-સાંજ બંને આરતી સમય હાલ દર્શનાર્થીઓ માટે બંધ રાખેલ છે. તમામ યાત્રિકો સાંજના 6 વાગ્યા સુધી જ દર્શન કરી શકશે. અતિથિગૃહ અને પ્રસાદ ભોજનાલય પણ બંધ રાખવામાં આવ્યું છે.

વડવાળા મંદિરમાં સેનિટાઈઝ બાદ પ્રવેશ
વિશ્વભરમાં વસતા માલધારીઓના આસ્થાના કેન્દ્ર સમાન સુરેન્દ્રનગર વડવાળા દેવ મંદિર આજથી ભાવિ ભક્તોના દર્શનાર્થે ખૂલ્લું મુકાશે. મંદિર મહંત કનીરામદાસજી બાપુ, મુકુંદરામ બાપુએ ભક્તોને મંદિરે સોશઇયલ ડિસ્ટન્સ રાખવા, માસ્ક પહેરી રાખવા અપીલ કરી હતી. મંદિરમાં પ્રવેશ પહેલા લોકોને હાથ સેનેટાઇઝ કર્યા બાદ પ્રવેશ અપાશે. જ્યારે સવારે અને સાંજે આરતીમાં કોઇને પ્રવેશ નહીં અપાય.

ગણપતિ ફાટસર મંદિરમાં દર્શન કરી પ્રસાદી ઘરે લઇ જવાની રહેશે
ગણપતિ ફાટસર મંદિર અનેક લોકોના આસ્થાનું કેન્દ્ર છે.ત્યારે સરકારી નિયમ મુંજબ મંદિર શ્રધ્ધાળુઓને આવકારતા પહેલા સફાઇ કરવામાં આવી હતી. જ્યારે મહંત રામાશ્રય બાપુએ જણાવ્યુ કે મંદિર પરીસરમાં પ્રવેશ પહેલા હાથ સેનેટાઇઝ, બેસી પહેલા જેમ પાઠ નહીં કરવા દેવાય, ભક્તોએ પ્રસાદી દાદાને ધરાવી દર્શન કરી ઘેર લઇ જવાની રહેશે. જયારે મંદિર પરીસર વિશાળ હોવાથી સોશીયલ ડિસ્ટન્સનું પણ પાલન કરાવવામાં આવશે.

વાસુપૂજ્ય દેરાસરમાં પાઠ નહીં થાય
સુરેન્દ્રનગરના જૈન શ્રાવકોનું આસ્થાસ્થાન વાસુપુજ્ય દેરાસર હાલ સરકારે આપેલી છૂટ મુજબ સવારે 5થી 12 અને સાંજે 5થી 7 સુધી ખૂલ્લુ રખાશે.જેમાં દર્શનાર્થીઓએ માસ્ક, હાથ સેનેટાઇઝ અને સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરવાનું રહેશે. થોડી થોડી સંખ્યામાંજ લોકોને પ્રવેશ અપાશે. જ્યારે સેવાપૂજા કરવા દેવાશે, પરંતુ દેરાસરમાં બેસી મંત્ર પાઠ વગેરે નહીં કરી શકાય.

ઉમિયા માતાજી મંદિર સેનિટાઇઝ કરાયું
સુરેન્દ્રનગરમાં પાટીદાર સમાજના આસ્થાના કેન્દ્ર સમાન ઉમિયા માતાજી મંદિર 80 ફૂટ રોડ કોરોનાને લીધે સરકારી નિયમ મુજબ બંધ રખાયું હતું. હાલ મંદિર ખોલવા નિયમમાં છૂટછાટ મળતાં ભક્તોને આવકારવા તૈયારી હાથ ધરાઇ હતી. આ અંગે મંદિર ટ્રસ્ટ પ્રમુખ આર.જી.પટેલે જણાવ્યુ કે મંદિરને રોજ સેનેટાઇઝ કરાશે. જ્યારે સોશિયલ ડિસ્ટન્સ જળવાય માટે મંદિર પરિસરમાં વ્યવસ્થા કરાઈ.

પાટડીનાં ખ્યાતનામ મંદિરો ધમધમશે
પાટડી અને ધામાનું ઐતિહાસિક શક્તિમાતા મંદિર, પીપળી રામદેવપીરનું મંદિર અને ઝીંઝુવાડા રણમાં આવેલુ ઐતિહાસિક વાછડાદાદા મંદિર, સ્વામિનારાયણ સંપ્રદાયનું વર્ણીન્દ્રધામ મંદિર આજથી દર્શનાર્થીઓ અને માટે કોરોનાની સરકારી ગાઇડલાઇન મુજબ ખૂલ્લુ મૂકવામાં આવશે. જેમાં મંદિરે દર્શન કરવા આવતા શ્રદ્ધાળુઓએ માસ્ક અને સેનેટાઇઝરના ફરજિયાત ઉપયોગ સાથે સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરવાની સૂચના પણ આ તમામ મંદિર સત્તાવાળાઓ દ્વારા બહાર પાડવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...