વઢવાણ તાલુકાના રાજપર ગામે છેલ્લા 20થી વધુ વર્ષથી ગામના મુખ્ય રસ્તાઓ પર ફેલાયેલા ગટર-વરસાદના ગંદા પાણીનો પ્રશ્ન હલ ન થતો નથી. ત્યાં તળાવના બાજુમાં એકબાજુનો રસ્તો બિસ્માર બનતા લોકોને અકસ્માતનો ભય સતાવી રહ્યો છે.
વઢવાણ તાલુકાના રાજપર ગામે અંદાજે 3,000થી વધુ લોકો વસવાટ કરી રહ્યા છે. પરંતુ ગામમાં ભૂર્ગભ ગટર હોવા છતા ગટરના ગંદા તેમજ વરસાદી પાણીના કારણે ગ્રામજનોને ચાલવુ મુશ્કેલરૂપ બની ગયુ છે. ગામના મુખ્ય એવા 500 મીટરના રસ્તા પર જ આ સમસ્યા સર્જાતા બાળકોને તેમજ મહિલાઓને પાણી ભરવા જવુ પણ જોખમરૂપ બની ગયુ છે.
રસ્તા પર ગંદા પાણી, કાદવકીચડના કારણે બાળકો, વૃદ્ધો પણ પડી જવાના બનાવો બની રહ્યા છે. ત્યારે ગામના તળાવની પાળની બાજુમાં જ રસ્તો આવેલો છે કે જ્યાંથી મહિલાઓ સહિતના લોકો મોટી સંખ્યામાં અવરજવર કરી રહ્યા છે. પરંતુ આ રસ્તો એક બાજુ સાવ બિસ્માર હાલતમાં હોવાથી તેમજ તળાવની પાળ હોવાથી લોકોને અકસ્માતનો ભય રહે છે. આથી રસ્તો સમતળ કરીને યોગ્ય કાર્યવાહી સાથે પ્રાથમિક સુવિધાઓ આપવામાં આવે તેવી લોકમાંગ ઉઠી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.