શહેરમાં જિલ્લાનું સૌથી મોટું એસટી બસ સ્ટેશન આવેલું છે. અને કરોડોના ખર્ચે નવું બની રહ્યુ છે પરંતુ મુખ્ય દ્વાર સહિતના સ્થળે અંધારાં રહેતાં રાત્રિના સમયે મુસાફરી માટે આવતા લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડતો હોવાની રાવ ઊઠી છે.
શહેરના લોકો તેમજ અન્ય જિલ્લાના મુસાફરો માટે નવું અસટી બસ સ્ટેશન બની રહ્યું છે. અને લોકોને ક્યારે તેનો લાભ મળશે સહિતના સવાલો ઊઠ્યા છે. બીજી તરફ હંગામી બસ સ્ટેશનના સહારે લોકો મુસાફરી કરી રહ્યા છે. હાલમાં 2 ગેટમાંથી એક જ ગેટ ચાલુ હોવાથી બસો તેમજ ખાનગી વાહનોની દિવસ-રાત અવરજવર રહે છે.
પરંતુ બસ સ્ટેશનના આ મુખ્ય પ્રવેશદ્વાર સમાન ગેટ સહિતનાં સ્થળોએ લાઈટોના અભાવે અંધારાં રહેતાં મુસાફરોને હાલાકી તેમજ અકસ્માતનો ભય સતાવી રહ્યો છે. આ અંગે મનસુખભાઈ મકવાણા, અરવિંદભાઈ પરમાર વગેરેએ જણાવ્યું કે દિવસે પણ આ સ્ટેશનમાં મુસાફરોનાં ખિસ્સાં કપાવવા સહિતના બનાવો બનતા રહે છે.
ત્યારે રાત્રિના સમયે બસ સ્ટેશનના કેટલા ભાગોમાં અંધારૂં રહેતાં શિયાળાના સમયે મહિલાઓ, વૃદ્ધો તેમજ બાળકો સહિતના મુસાફરોને મુશ્કેલીઓ પડી રહી છે. આથી રાત્રિના સમયે કોઈ અકસ્માત કે અઘટિત બનાવ ન બને તે પહેલા લાઈટોની સુવિધા કરવામા આવે તેવી લોકમાંગ ઊઠી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.