સદનસીબે જાનહાનિ ટળી:ખારાઘોડા રણમાં વરસાદથી મીઠાના પાટામાં નુકશાન, વીજળી પડતાં અગરિયાના ઝુપડા સળગી ઉડ્યા

સુરેન્દ્રનગર20 દિવસ પહેલા
  • કૉપી લિંક

હવામાન વિભાગ દ્વારા 4, 5 અને 6 માર્ચ એમ ત્રણ દિવસ વરસાદની આગાહી કરવામાં આવી હતી. જે અંતર્ગત કચ્છના નાના રણમાં વાતાવરણમાં જોરદાર પલ્ટો આવ્યા બાદ કમોસમી વરસાદ ખાબકતા અગરિયાઓના મીઠાના પાટામાં વ્યાપક નુકશાન પહોંચ્યુ હતુ. અને રણમાં પોતાના પરિવારજનો સાથે મીઠું પકવતા અગરિયા મનસુખભાઇ રામાભાઇ અજાણીનું ઝુપડું રણમાં જોરદાર સુસવાટા મારતા પવન અને વાવાઝોડાના લીધે 10થી 12 ફુટ ફંગોળાઇને પડ્યું હતુ. સદભાગ્યે અગરિયા પરિવાર પાટામાં મીઠું પકવવાનું કામ કરતા હોવાથી સદભાગ્યે જાનહાની ટળી હતી.

ત્યારે કચ્છના નાના રણમાં મીઠું પકવતા અગરિયાઓને એક બાજુ મીઠાની સીઝન ચાલુ છે. અને માલ પાકવા ઉપર હોય ત્યારે જ રણમાં કમોસમી વરસાદે અને વાવાઝોડાએ અગરિયાની ચિંતા વધારવાની સ‍ાથે એમના પર "પડ્યા ઉપર પાટુ મારવાના ઘા" સમાન નુકશાની ઉઠાવવાની નોબત આવી હતી. અને ભારે પવનના કારણે અગરિયાના રહેવા માટે ઝુપડા પણ ઉડી ગયા હતા. અને રણમાં અમુક વિસ્તારમાં તો ભારે વરસાદથી મીઠાનું ધોવાણ મોટા પાયે થયું હતુ.

જ્યારે ધ્રાંગધ્રા તાલુકાના રણકાંઠાના ગામો કુડા, કોપરણી, એંજાર વિસ્તારમાં કમોસમી વરસાદ સાથે વાવાઝોડું આવ્યું હતુ. જેમાં રણમાં આગરીયાઓના ઝુપડા પણ ઉડાડ્યા હતા. અને કુડા સીમ વિસ્તારમાં દીપકભાઈ ઠાકોરની વાડીએ ઓરડી ઉપર વિજળી પડતા મજૂરોનો આબાદ બચાવ થયો હતો. અને સદનશીબે કોઈ જાનાહાની થઈ નથી. કચ્છના નાના રણમાં પવનના સુસવાટા અને વાવાઝોડા સાથે ખાબકેલા કમોસમી માવઠાથી રણમાં મીઠું પકવતા હજારો અગરિયા પરિવારોનો જીવ પડીકે બંધાયો હતો.

અન્ય સમાચારો પણ છે...