ઉધોગ પર સંકટ:મોરબીમાં કોલસાની અછતને લીધે નળીયા ઉધોગ પર સંકટના વાદળો ઘેરાયા

સુરેન્દ્રનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
મોરબીમાં કોલસાની અછતને લીધે નળીયા ઉધોગ પર સંકટના વાદળો ઘેરાયા - Divya Bhaskar
મોરબીમાં કોલસાની અછતને લીધે નળીયા ઉધોગ પર સંકટના વાદળો ઘેરાયા
  • મોરબીમાં નળીયાની ફેક્ટરીઓ કોલસાના વાંકે બંધ, 350માંથી 30 જેટલી જ ફેક્ટરીઓ બચી

મોરબીની એક સમયે શાન ગણાતો નળીયા ઉધોગ છેલ્લા બે દાયકાથી ઉત્તરોત્તર પતન માર્ગે ધકેલાઈ રહ્યો છે. હાલ 350માંથી 30 જેટલી જ નળિયાની ફેક્ટરીઓ બચી છે. એ પણ અસ્તિત્વ ટકાવવા માટે ઝઝૂમી રહી છે. કારણ કે હાલ કોલસાની અછતને લીધે આ ઉધોગ પર સંકટના વાદળો ઘેરાયા છે. મુખ્ય ઈંધણ સમાન કોલસો ન મળતા નળિયા ઉધોગની 30 ફેક્ટરીઓ ચોમાસાના ચાર મહિના પછી ચાલુ જ થઈ નથી. આવીને આવી ગંભીર પરિસ્થિતિ યથાવથ રહી તો નળિયા ઉધોગને ટૂંકાગાળામાં નામશેષ થતા વાર નહીં લાગે.

મોરબીમાં એક સમયે નળિયા ઉધોગનો સુવર્ણ સમય હતો. તે સમયે સીરામીક ઉધોગનું અસ્તિત્વ જ ન હતું અને લોકો પણ ઇમારતવાળા મકાનોને બદલે બેઠાઘાટના નળિયાવાળા મકાનો જ બનાવતા હતા. આથી ઘર આંગણે તો ઠીક બહારના રાજ્યો તેમજ ઇવન વિદેશમાં પણ મોરબીના નળીયાની ખુબ ડીમાન્ડ રહેતી હતી. આથી તે સમયે મોરબીમાં 350થી વધુ નળિયાની ફેકટરીઓ હતી.પણ 1991પછી સીરામીક ઉધોગનો ઉદય થતા અને લોકોમાં પણ ઇમારતવાળા મકાનોની ઘેલછાને કારણે નળિયા ઉધોગના વળતા પાણી શરૂ થયા છે. આજે પરિસ્થિતિ એવી આવી છે કે, મોરબીમાં 250માંથી 30 જેટલી જ નળિયાની ફેકટરીઓ છે.

છેલ્લા બે દાયકામાં નળીયા ઉધોગને વારંવાર મરણોતલ ફાટકા પડ્યા છે. જેમાં હાલ દેશભરમાં ચાલી રહેલી કોલસાની અછતે આ ઉધોગને મુશ્કેલી મૂકી દીધો છે. નળીયા ઉધોગમાં મુખ્ય ઈંધણ કોલસો છે. જો કોલસો ન હોય તો આ ઉધોગ ચાલી જ ન શકે.આથી હાલ કોલસો ન મળવાથી નળીયા ઉધોગ હજુ બંધ છે. ખાસ કરીને ચોમાસામાં આ ઉધોગ ચાર મહિના બંધ રહે છે અને નવરાત્રી આસપાસ ભઠ્ઠી સહિતના રીપેરીંગ કામ બાદ ચાલુ થઈ જતો હોય છે.પણ આ વખતે કોલસો ન મળતા હજુ સુધી આ ઉધોગ ચાલુ જ થયો નથી અને 30-30 ફેકટરીઓ બંધ છે. જો કે વાવાઝોડાને કારણે નળિયાની મસમોટી ડીમાન્ડ નીકળી હતી. પરંતુ કોલસાના અભાવે ઉત્પાદન થઈ શક્યું નથી.

નળીયા ઉધોગમાં વપરાતો લિગ્નાઇટ કોલસો કચ્છમાંથી આવે છે. અગાઉ કચ્છમાંથી 3200થી 3300 ટન જેવો કોલસો આવે છે અને એનો ભાવ 4 હજાર જેવો થઈ ગયો છે. આ મોંઘા ભાવ ચૂકવવા છતાં કોલસો મળતો નથી. નળીયાની એક ફેકટરીમાં 200 ટન આસપાસ કોલસો જોઈએ એટલે 30 ફેકટરીમાં 6 થી 7 હજાર ટન કોલસાની દર મહિને જરૂરિયાત રહે છે. હાલ નળીયાની જબરી ડિમાન્ડ છે.પણ કોલસો ન હોવાથી ઉત્પાદન થઈ શકતું નથી. બજારમાં જે અન્ય કોલસો મળે છે તે ખૂબ ઉંચા ભાવે એટલે કે 7હજારથી વધુના ભાવે મળે છે. આથી આ કોલસો કોઈ કાળે પરવડે એમ નથી. તેમ નળિયાના ઉધોગકાર હસમુખભાઈ પ્રજાપતિએ જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...