સજા:થાનના ખાખરાથળની સગર્ભાના મોત કેસમાં કોર્ટે ડિલીવરી કરાવનારી મહિલાને 3 વર્ષની કેદની સજા ફટકારી

સુરેન્દ્રનગર19 દિવસ પહેલા
  • કૉપી લિંક
થાનના ખાખરાથળની સગર્ભાના મોત કેસમાં કોર્ટે ડિલીવરી કરાવનારી મહિલાને 3 વર્ષની કેદની સજા ફટકારી - Divya Bhaskar
થાનના ખાખરાથળની સગર્ભાના મોત કેસમાં કોર્ટે ડિલીવરી કરાવનારી મહિલાને 3 વર્ષની કેદની સજા ફટકારી
  • મહિલાએ સગર્ભાની ડિલિવરી દરમિયાન બેદરકારી દાખવતા સર્ગભાનું મોત થયું હતું
  • ડિલિવરી દરમિયાન આપેલી દવા, ઇન્જેક્શનો, ચડાવેલા બાટલા સહિતના પુરાવાનો નાશ પણ કર્યો હતો

સુરેન્દ્રનગરમાં થાનગઢના સરકારી દવાખાના સામે રહેતા નીતાબેન ભરતભાઇ ઝીંઝુવાડિયા તા.4-3-2018ના રોજ રાત્રી દરમિયાન ખાખરાથળમાં રહેતી સગર્ભાની ડિલિવરી કરાવી હતી. તે દરમિયાન સગર્ભાને ઇન્જેક્શનો અને બાટલા ચઢાવ્યા હતા. જેમાં સર્ગભાનું મોત થયું હતું. ત્યારે બેદરકારી છૂપાવવા નીતાબેને ડિલિવરી દરમિયાન આપેલી દવા, ઇન્જેક્શનો ચડાવેલા બાટલા સહિતના પુરાવાનો નાશ કર્યો હતો. આ બનાવની ફરિયાદ થતા નીતાબેનની ધરપકડ કરાઈ હતી. જેમાં કોર્ટે ડિલીવરી કરાવનારી મહિલાને 3 વર્ષની કેદની સજા ફટકારી હતી.

આ કેસ સુરેન્દ્રનગર કોર્ટમાં ચાલી ગયો હતો. જેમાં વકીલ પી.જી.રાવલે દલીલ કરી હતી કે, આરોગ્ય અધિકારીએ ફરિયાદ કરી હતી. જેના પુરાવામાં જણાવ્યું છે કે, લાખુબેનને સુવાવડ 5-3-18ના રોજ ઘરે થઇ હતી. સર્ગભાની ડિલિવરી નીતાબેને કરી હતી જે બાદ વધુ બ્લિડિંગ થતા સર્ગભાનું મૃત્યુ થયુ હતું. જિલ્લા આરોગ્ય અધિકારીની મૃતકના સાસુ રાજુબેનની પૂછપરછમાં સુવાવડ માટે થાનથી નીતાબેનને બોલાવ્યા હોવાનું જણાવ્યું હતું. તેમણે સગર્ભાને બાટલા અને ઇન્જેક્શન આપ્યા હતા અને સવારે મૃત બાળક જન્મ્યું હતું.

રક્તસ્ત્રાવ થતા નીતાબેને ઇન્જેક્શન આપી પરત જતા રહ્યા હતા. સર્ગભાની તબિયત બગડતા રાજકોટ રિફર કરાયા પરંતુ તેમનું મૃત્યુ થયુ હતું. આ સારવાર કરનારા નીતાબેન પાસે કોઇ તબીબી ડિગ્રી ન હોવા છતાં સુવાવડ કરી અંતે તેમની બેદરકારીથી સર્ગભાનું મૃત્યુ થયુ હતું. જ્યારે પુરાવામાં પણ નીતાબેન ડીલિવરી માટે આવ્યાનું સ્પષ્ટ જણાવે છે.

બંન્ને પક્ષોની દલીલ 19 લોકોના મૌખીક પુરાવા, 8 દસ્તાવેજી પુરાવા ધ્યાને લઇ સત્ર ન્યાયાધિશ એસ.વી. પિન્ટોએ નીતાબેનને તકસીરવાર ઠરાવી 3 વર્ષની સાદી કેદની સજા, 10 હજારનો દંડ કર્યો હતો. જો તે ન ભરે તો દંડના બદલામાં વધુ 3 માસની સાદી કેદનો હુકમ કરાયો હતો. કલમ 201 મુજબ 1 વર્ષની સાદી કેદની સજા તથા રૂ.3 હજાર દંડ કરાયો હતો. જો તે ન ભરે તો વધુ 1 માસની સાદી કેદની સજા ફટકરી. મેડિકલ પ્રેક્ટીશનર એક્ટ મુજબ રૂ.500 દંડ કરાયો હતો. આરોપીએ જેટલો સમય કસ્ટડીમાં ગાળ્યો તેને સજામાંથી મજરે આપવા હુકમ કરાયો હતો.

અન્ય સમાચારો પણ છે...