ક્યારે મળશે સાધનો?:સુરેન્દ્રનગરમાં કૂટીર ઉદ્યોગ કેન્દ્રએ છેલ્લા બે વર્ષથી ધંધાકીય સાધનોની કીટ ન આપતા અરજદારો પરેશાન

સુરેન્દ્રનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • બે વર્ષમાં કુલ 1824 અરજદારોએ અરજી કરી પરંતુ એક પણનો નિકાલ ન થયો
  • સરકાર દ્વારા નવો ધંધો શરૂ કરવા માગતા લોકોને સાધનસામગ્રીની કીટ પૂરી પાડવામાં આવે છે

કોરોના મહામારી બાદ સુરેન્દ્રનગર જિલ્લા ઉપરાંત અનેક નાના જિલ્લાઓમાં બેરોજગારીનું પ્રમાણ વધ્યું છે. કોરોના મહામારીના પગલે સરકાર દ્વારા નાના ઉદ્યોગકારો તેમજ મધ્યમ ઉદ્યોગકારોને સરકારી સહાય આપવામાં આવતી હતી તે પણ બંધ કરવામાં આવી હોવાનું સૂત્રો પાસેથી જાણવા મળી રહ્યું છે.

એક સમયે સરકાર દ્વારા અલગ-અલગ પ્રોજેક્ટ અંતર્ગત કુટીર ઉદ્યોગ વિભાગ મારફત જિલ્લામાં નાના ધંધા રોજગારને તેમજ નવો ધંધો વિકસાવવામાં આવતા હોય તેવા લોકોને સાધનસામગ્રી અને કીટો પૂરી પાડવામાં આવતી હતી. જોકે, કોરોના મહામારી બાદ સરકાર દ્વારા આપવામાં આવતી આ કિટ સુરેન્દ્રનગર જિલ્લાના અરજી કરનારા એક પણ અરજદારને મળી ન હોવાનું જાણવા મળી રહ્યુ છે.જિલ્લામાં આવેલા કુટીર ઉદ્યોગ કેન્દ્રમાં બે વર્ષથી સરકાર દ્વારા કોઈપણ જાતની ધંધાકીય સાધન માટેની કીટ ફાળવવામાં આવી નથી. જેને લઈને હાલમાં અરજદારો પરેશાન બન્યા છે.

જિલ્લામાં બેરોજગારીનું પ્રમાણ પણ આ કીટ ફાળવવામાં ન આવતા વધ્યું છે. કારણ કે કિટ આપતા હોય તેવા સંજોગોમાં આ કીટમાં આપવામાં આવતી સામગ્રીનો ઉપયોગ કરી નાના-મોટા ધંધા-રોજગાર કરી ગરીબો આવક મેળવતા હતા. બે વર્ષમાં કુટીર ઉદ્યોગ કેન્દ્ર ખાતે નાના-મોટા ધંધા સ્થાપિત કરવા અને તેની સામગ્રી મેળવવા માટે 1824 લોકોએ અરજી કરી છે. પરંતુ આ અરજીનો કોઈ પણ પ્રકારનો નિકાલ આવ્યો નથી. કારણ કે, સરકાર દ્વારા કોઈપણ જાતની આ મામલે સહાય ચુકવવામાં આવી રહી નથી.

સરકાર દ્વારા કુટિર ઉદ્યોગો શરૂ કરી અને નાના ધંધા ખોલી બેરોજગારી અટકે તેવા પ્રયાસો ઘણા વર્ષો પહેલાં શરૂ કરવામાં આવ્યાં હતા. જેમાં 27 પ્રકારનાં ધંધા માટે તેમને સાધનસામગ્રી ધંધાકીય મળી રહી છે. જેમાં વાળંદની દુકાન કડીયાકામ, સેન્ટીંગ કામ' પ્લમ્બર, બ્યુટી પાર્લર, ફ્લોર મિલ, મસાલા મિલ, પંચર કીટ, હેર કટીંગ, લારી ગલ્લાઓ કરવા હોય તો તેના સંસાધનો સરકાર દ્વારા પૂરા પાડવામાં આવી રહ્યા હતા. જેથી બેરોજગારી ઘટે તેવા પ્રયાસો કુટીર ઉદ્યોગ માટે હાથ ધરવામાં આવી રહ્યા હતા.

આ મામલે મુખ્ય અધિકારી ગોહિલ સાથે કરવામાં આવતા તેમણે જણાવ્યું હતું કે, સુરેન્દ્રનગર જિલ્લામાં કુટીર ઉદ્યોગ આવેલો છે. તેમાં ગરીબ કલ્યાણ મેળાઓ સુશાસન કાર્યક્રમ અને અન્ય સરકારી કાર્યક્રમોમાં કિટનું વિતરણ કરવામાં આવતું હોય છે. પરંતુ કોરોના જેવી વૈશ્વિક મહામારીના કારણે સરકાર દ્વારા છેલ્લા બે વર્ષમાં એક પણ વખત કિટ મોકલવામાં આવી નથી. ધંધાકીય સાધનો પણ મોકલવામાં આવ્યાં નથી. તેને લઈને હવે અરજદારોને આ મામલે વસ્તુ પૂરી પાડી શક્યા નથી.

આ મામલે અરજદારો સાથે વાતચીત કરવામાં આવતા અરજદારોએ જણાવ્યું હતું કે, ચૂંટણી આવશે એટલે સરકાર દ્વારા મત લેવા અને મત મેળવવા માટે લોકોને પ્રોત્સાહિત કરવા કુટીર ઉદ્યોગનો સહારો લેવામાં આવશે. વિવિધ કાર્યક્રમો અંતર્ગત અને ગરીબ કલ્યાણ મેળાઓ કરી અને ગરીબ લોકોને છેતરવાનું કામ સરકાર દ્વારા કરવામાં આવશે અને મત લઈ ફરી એક વખત સરકાર બનશે ત્યારબાદ કુટીર ઉદ્યોગની પેટ ઉપર પાટુ મારવામાં આવશે. છેલ્લા બે વર્ષમાં એક પણ અરજીનો નિકાલ કુટીર ઉદ્યોગ કેન્દ્રમાં થયો નથી. જેને લઈને હાલમાં કામગીરી ઉપર પણ અનેક પ્રકારના સવાલો ઉભા થયા છે.

સુરેન્દ્રનગર શહેરી વિસ્તારમાં આવેલા કુટીર ઉદ્યોગ કેન્દ્રમાંથી નાના-મોટા ધંધાર્થીઓ પોતાનો ધંધો વિસ્તારવા માટે અને વસ્તુ સામગ્રી ધંધાકીય મેળવવા માટે અરજીઓ કરતા હોય છે. તેવા સંજોગોમાં બે વર્ષથી સુરેન્દ્રનગર જિલ્લાના કુટીર ઉદ્યોગમાં 1824 લોકોએ ધંધાકીય સાધનો મેળવવા માટે અરજી કરી છે. પરંતુ સરકાર દ્વારા આ મામલે ધંધાકીય સાધનોની કીટો બે વર્ષથી મોકલવામાં આવી નથી. જેમાં 2020ના વર્ષમાં 1398 અને 2019માં કરેલી અરજીની 227 લોકોને વસ્તુઓ મળી નથી.

અન્ય સમાચારો પણ છે...