જિલ્લા કોંગ્રેસ સમિતિની કારોબારી બેઠક:મોરબી સિરામિક ઉદ્યોગમાં વપરાતા ગેસનો ભાવવધારો પાછો ખેંચવા કોંગ્રેસની માંગ, વિસ્તૃત કારોબારી બેઠકમાં પસાર કરાયા ઠરાવો

મોરબી23 દિવસ પહેલા
  • કૉપી લિંક
મોરબી સિરામિક ઉદ્યોગમાં વપરાતા ગેસનો ભાવવધારો પાછો ખેંચવા કોંગ્રેસની માંગ - Divya Bhaskar
મોરબી સિરામિક ઉદ્યોગમાં વપરાતા ગેસનો ભાવવધારો પાછો ખેંચવા કોંગ્રેસની માંગ
  • બેઠકમાં કાયદો-વ્યવસ્થા, ખરાબ રસ્તા, મોંઘવારી, પાણી આપવા, બેરોજગારી સહિતના મુદ્દે ઠરાવો પસાર કરાયા

મોરબી જિલ્લા કોંગ્રેસ સમિતિની આજે શનિવારના રોજ વિસ્તૃત કારોબારી બેઠક યોજાઈ હતી. જેમાં જિલ્લા કોંગ્રેસ પ્રમુખ જયંતિ પટેલ સહિતના અગ્રણીઓ તેમજ કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. આ કારોબારી બેઠકમાં સિરામિક ઉધોગમાં વપરાતા ગેસમાં ભાવમાં થયેલો વધારો પરત ખેંચવા, કાયદો વ્યવસ્થા, ખરાબ રસ્તા, મોંઘવારી, રવિ પાક માટે પાણી આપવા, બેરોજગારી સહિતના મુદ્દે ઠરાવો પસાર કરાયા હતા.

મોરબી જિલ્લા કોંગ્રેસ સમિતિની વિસ્તૃત કારોબારીમાં વિવિધ મુદ્દે ઠરાવો કરવામાં આવ્યા હતા. જેમાં મોરબી જિલ્લામાં દિન-પ્રતિદિન કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ કથળતી જાય છે અને અસામાજિક તત્વોએ માઝા મૂકી છે. હાલ મોરબી જિલ્લાની ટ્રાફિક સમસ્યા માથાના દુખાવારૂપ છે અને પરિસ્થિતી વિકટ થતી જાય છે, ત્યારે સરકારે આ બાબતે કડક કાર્યવાહી કરી કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ સુધારવા માટે કાર્યવાહી કરવી જોઈએ એવી માંગ ઉભી થવા પામી હતી. હાલ મોરબી જિલ્લામાં અકસ્માતનું પ્રમાણ દિન-પ્રતિદિન વધતું જાય છે અને માનવીની મહામૂલ્ય જીંદગી રગદોળાઈ જાય છે. ત્યારે રોડ રસ્તા પર અડીંગો જમાવી વાહનો પડ્યા રહે છે તેને દૂર કરવા અને રોડ રસ્તા પર અકસ્માત ટાળવા તમામ પ્રકારના કડક પગલા લેવામાં આવે તેવો ઠરાવ કરવામાં આવ્યો હતો.

ઉપરાંત બેઠકમાં ચર્ચા થઈ હતી કે સિરામિક ઉદ્યોગમાં વપરાતાં ગેસનો ભાવ અવારનવાર વધારવામાં આવી રહ્યો છે, જેના કારણે સિરામિક ઉદ્યોગ મૃતપાય હાલતમાં ધકેલાઇ ગયો છે, ગેસ કંપની દ્વારા વારંવાર ભાવ વધારો કરી ઉદ્યોગોને ભાંગી નાખવાનું સરકાર દ્વારા ષડયંત્ર રચવામાં આવી રહ્યું હોય તેવું લાગી રહ્યું છે. આ ઉદ્યોગથી મોરબી શહેર તેમજ મોરબી જિલ્લાના આજુબાજુના ગામોના હજારો લોકો આ ઉદ્યોગને કારણે ડાયરેક્ટ કે ઈનડાયરેક્ટ રીતે રોજીરોટી મેળવી રહ્યા છે. હાલ આ ઉદ્યોગ ચીનની સામે સ્પર્ધા કરી રહ્યો છે, ત્યારે આ ઉદ્યોગને ચીનની સામે સ્પર્ધામાં પુરે પુરી રીતે ટકી શકે તે માટે થઈને ગેસ કંપની દ્વારા થયેલા ભાવ વધારો પરત ખેંચવો જોઈએ અને ગેસ કંપની દ્વારા નોટીસ આપ્યા વગર ગેસના ભાવમાં કોઈ પણ પ્રકારનો વધારો કરવો જોઈએ નહીં અને આ ઉદ્યોગને જીવંત રાખવા માટે હાલમાં થયેલા ભાવ વધારો સરકારની દરમિયાનગીરી કરી તત્કાલિક પરત લેવો જોઈએ વગેરે બાબતો અંગે ઠરાવ કરવામાં આવ્યો હતો.

વધુમાં ચર્ચાઓ થઈ હતી કે દેશ અને ગુજરાતમાં મોંઘવારીએ માઝા મૂકી છે. ગેસ, પેટ્રોલ, ડીઝલ, શાકભાજી, તેલ તેમજ જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓના ભાવ દિન-પ્રતિદિન વધતા જઈ રહ્યા છે. જેના કારણે નાના મધ્યમવર્ગ કુટુંબનું અને ગૃહિણીઓનું બજેટ ખોરવાઇ જાય છે. મોંઘવારીના કારણે આપઘાતનું પણ પ્રમાણ દિન-પ્રતિદિન વધતું જાય છે. માટે સરકારે તાત્કાલિક ધોરણે વધતી મોંઘવારીને અટકાવવા માટે સખત પગલાં લેવા જોઈએ અને વધતી જતી મોંઘવારીને અંકુશમાં લેવા માટે સરકારમાં રજૂઆત કરવાનો પણ ઠરાવ કરાયો હતો.

આ સિવાય મોરબી જિલ્લામાં શિયાળુ પાકનું વાવેતર ખેડૂત બરોબર રીતે લઈ શકે તે માટે શિયાળુ પાકના વાવતેર માટે કેનાલ દ્વારા તાત્કાલિક અસરથી પાણી છોડવામાં આવે અને જે કેનાલ તૂટી ગઇ છે તે કેનાલનું સમારકામ કરવામાં આવે. હાલ ખેડૂતોને સિંચાઇના પાણીની તાતી જરૂર હોય તો તત્કાલિક ખેડૂતોને પુરતું પાણી મળી રહે તે માટે સરકાર દ્વારા લાગતા વળગતા વિભાગને સૂચના આપી ખેડૂતોના હિતમાં નિર્ણય કરવામાં આવે અને હાલ જે કેનાલમાં ગાબડાં પડી ગયા છે તે ગાબડાં તાત્કાલિક રીપેર કરવામાં આવે જેથી ખેડૂતોને સિંચાઈ માટે પૂરતા પ્રમાણમાં પાણી મળી રહે અને પાકને પાણી ન મળવાના કારણે નુકશાન થતું બચાવી શકાય વગેરે બાબતે સરકારને રજુઆત કરવાનો ઠરાવ કરાયો હતો.

અન્ય સમાચારો પણ છે...