સહાય વિતરણ:ચૂલા ફૂંકતી મહિલાઓના આરોગ્યની ચિંતા કરી પ્રધાનમંત્રીએ ઉજ્જ્વલા યોજના અમલીકૃત કરી

સુરેન્દ્રનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સુરેન્દ્રનગર જિલ્લાનાં 17 સ્થળોએ યોજાયો ‘ગરીબોની બેલી સરકાર’ કાર્યક્રમ : ગૃહ રાજ્યમંત્રી તેમજ કેન્દ્રીય રાજ્યમંત્રીના હસ્તે વિવિધ યોજનાના લાભાર્થીઓને સહાય વિતરણ કરાઇ

સમગ્ર રાજ્યમાં નગરપાલિકાઓ તેમજ તાલુકાઓ મળી અંદાજે 400થી પણ વધુ સ્થળોએ તા.17મી સપ્ટેમ્બર,2021ના રોજ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે “ગરીબોની બેલી સરકાર” થીમ હેઠળ રાજ્યભરમાં સેવાકીય કાર્યક્રમો યોજાયા હતા. જેના ભાગરૂપે સુરેન્દ્રનગર શહેરના પંડિત દીનદયાળ ટાઉનહોલ ખાતે ગૃહ રાજ્યમંત્રીની અધ્યક્ષતામાં અને કેન્દ્રી રાજયમંત્રીની ઉપસ્થિતિમાં લાભાર્થીઓને કીટ તેમજ પ્રમાણપત્ર આપવામાં આવ્યા હતા.

સુરેન્દ્રનગરમાં યોજાયેલા આ કાર્યક્રમમાં ગૃહ રાજ્યમંત્રી હર્ષકુમાર સંઘવીએ જણાવ્યું કે, સમગ્ર રાજ્યમાં શુક્રવારે વિવિધ સહાયલક્ષી લોકકલ્યાણની યોજનાઓ અને સેવાકીય લાભોના વિતરણ સાથે પ્રધાનમંત્રીના જન્મદિવસની ઉજવણી કરવામાં આવી રહી છે. ગુજરાતના સપૂત એવા પ્રધાનમંત્રી ગુજરાત સાથો સાથ દેશના ગરીબ લોકોના જીવન સ્તરને ઉપર લાવવા અનેકવિધ યોજનાઓના લાભ આપી ગરીબોના મુખ પર સ્મિત લાવવાનું કાર્ય કરી સાચા અર્થમાં દેશની સેવા કરી રહ્યા છે.

ચૂલા ફૂંકતી મહિલાઓના આરોગ્યની ચિંતા કરી પ્રધાનમંત્રીએ ઉજ્જવલા યોજના અમલીકૃત કરી. આ યોજનાના પ્રથમ ચરણમાં જ સુરેન્દ્રનગર જિલ્લાના 82,818 પરિવારોને ગેસકીટોનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ તકે કેન્દ્રીય રાજ્યમંત્રી ડૉ.મહેન્દ્ર મુંજપરાએ જણાવ્યું કે, દિલ્હીમાં બેસીને સુરેન્દ્રનગર અને ગુજરાતની ચિંતા કરતાં પ્રધાનમંત્રીના આ જન્મ દિવસ નિમિત્તે વિવિધ યોજનાના લાભાર્થીઓને લાભ અર્પણ કરી આ દિનને રાજ્યભરમાં સેવાદિન તરીકે ઉજવવામાં આવી રહ્યો છે.

જ્યારે કોરોના જેવી મહામારીને ખાળવા જિલ્લામાં મેગા વેકસીનેશન ડ્રાઇવનું આયોજન કરી માત્ર 2 જ દિવસમાં જિલ્લાના 1.25 લાખથી પણ વધુ લોકોને વેક્સિન આપવા માટેની ઝુંબેશ હાથ ધરાઇ છે. આ પ્રસંગે ઉજજવલા યોજના 2.0 અંતર્ગત જિલ્લામાં યોજાયેલા 17 કાર્યક્રમોના મળીને કુલ 340 જેટલા લાભાર્થીઓને ગેસકીટનું વિનામૂલ્યે વિતરણ કરવામાં આવ્યું હતું. અત્રે ઉલ્લેખનીય છે કે, આ યોજના હેઠળ લાભાર્થીઓને આપવામાં આવતી પ્રથમ ગેસ બોટલ વિના મૂલ્યે પૂરી પાડવામાં આવે છે.

આ પ્રસંગે ધારાસભ્ય ધનજીભાઇ પટેલ, જિલ્લા કલેકટર એ.કે.ઔરંગાબાદકર, જિલ્લા વિકાસ અધિકારી ડૉ.એન.કે.ગવ્હાણે, જગદીશભાઇ મકવાણા, વીરેન્દ્ર આચાર્ય, ચંદ્રશેખરભાઈ દવે, નિમુબેન બાંભાણી, અનિરૂદ્ધસિંહ પઢિયાર સહિતના અધિકારી-પદાધિકારી, લાભાર્થી અને લોકો ઉપસ્થિત રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...