ચૂંટણી બહિષ્કાર:ધ્રાંગધ્રા તાલુકાના જીવા ગામે ચૂંટણીનો સંપૂર્ણ બહિષ્કાર, પ્રાથમિક સુવિધાઓના અભાવને લઈને લેવાયો નિર્ણય

સુરેન્દ્રનગર5 મહિનો પહેલા
ધ્રાંગધ્રા તાલુકાના જીવા ગામે ચૂંટણીનો સંપૂર્ણ બહિષ્કાર
  • રોડ, રસ્તા, આરોગ્ય, ગટર અને પુલ જેવી પ્રાથમિક સુવિધાઓના પડતર પ્રશ્નોને લઈ નિર્ણય લેવાયો
  • ચૂંટણીનો બહિષ્કાર કરાયો, કોઈએ ઉમેદવારી પણ ન નોંધાવી

આજે ગુજરાતભરમાં ગ્રામ પંચાયતની ચૂંટણીઓ હતી, ત્યારે ધ્રાંગધ્રા તાલુકાના જીવા ગામે ચૂંટણીનો સંપૂર્ણ બહિષ્કાર કરવામાં આવતા ચકચાર મચી જવા પામી હતી. નોંધનીય છે કે ગ્રામજનો દ્વારા રોડ, રસ્તા, આરોગ્ય, ગટર અને પુલ જેવી પ્રાથમિક સુવિધાઓના પડતર પ્રશ્નોને લઈ નિર્ણય લેવામાં આવ્યો હતો.

આજે સમગ્ર રાજ્યમાં પંચાયતની ચૂંટણી શાંતિપૂર્વક રીતે સંપૂર્ણ થઈ હતી. ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાના ધાંગધ્રા તાલુકાના આશરે 3500થી વધુ વસ્તી અને 1850થી વધુ મતદાન ધરાવતા જીવા ગામના ગ્રામજનો દ્વારા આ ચૂંટણીનો બહિષ્કાર કરવામાં આવ્યો હતો. તેમજ કોઈએ ઉમેદવારી પણ નોંધાવી ન હતી. જેથી ગામમાં ચૂંટણી ન યોજાતા એકપણ મત પડવા પામ્યો નહોતો.

જ્યારે ગ્રામજનોના જણાવ્યા મુજબ જીવા ગામમાં વર્ષોથી અનેક વખત રજૂઆતો કરવા છતાં રોડ, રસ્તા, પુલ તેમજ દવાખાના જેવી પ્રાથમિક સુવિધાના અભાવ બાબતના પડતર પ્રશ્નોનો નિકાલ ન થવાને લીધે ગ્રામજનોએ ચૂંટણીનો બહિષ્કાર કર્યો હતો. તેમજ ગામમાં રસ્તો ખરાબ હાલતમાં હોવાથી સ્થાનિક ચૂંટણીનો બહિષ્કાર કર્યો હોવાનું બોર્ડ પણ લગાવવામાં આવ્યું હતું. હજુ પણ આગામી સમયમાં જો આ પડતર પ્રશ્નોનું યોગ્ય નિરાકરણ નહિ આવે તો આગામી તમામ ચૂંટણીનો બહિષ્કાર કરવાની પણ ગ્રામજનોએ ચીમકી ઉચ્ચારી હતી.

અન્ય સમાચારો પણ છે...