સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણ માર્કેટીંગયાર્ડમાં કેન્દ્ર સરકાર દ્વારા ટેકાના ભાવે ચણા અને રાયડાની ખરીદીનો પ્રારંભ થયો છે.જેમાં 3 હજાર જેટલા ખેડૂતોએ રજીસ્ટ્રેશન કરાવ્યુ હોવાથી ક્રમશ: ખરીદી કરવામાં આવનારી છે. વઢવાણ તાલુકાના ખેડૂતોને કપાસના ભાવ તળીયે પહોંચતા ચણા અને રાયડાના ભાવ બાબતે આશા બંધાઇ છે.
સુરેન્દ્રનગર જિલ્લામાં ચોમાસુ પાકને પોષણક્ષમ ભાવ ન મળતા ખેડૂતો દેવાના ડુંગર તળે દબાયા છે. જેમાં કપાસના ભાવ તળીયે બેસી જતા ખેડૂતોમાં રોષ ફેલાયો છે. ત્યારે કેન્દ્ર સરકારે રવિ પાકોને ટેકાના ભાવે ખરીદી કરવાનો નિર્ણય કર્યો છે. જેમાં નાફેડ અને ગુજકોમાસોલ દ્વારા ખરીદી માટે કેન્દ્રો જાહેર કરાયા છે.
જે અંતર્ગત વઢવાણ માર્કેટીંગ યાર્ડમાં ચણાની ખરીદીનો પ્રારંભ કરાયો છે. આ તકે ચેરમેન રામજીભાઇ ગોહીલ, સેક્રેટરી દેવેન્દ્રસિંહ ચુડાસમાના માર્ગદર્શન હેઠળ ખેડૂતો પાસેથી ખરીદી કરવામાં આવનારી છે. જેમાં ચણા પ્રતિ ક્વિન્ટલ રૂ.5375 અને રાયડો 5450ના ભાવે ખરીદી કરાશે.
આ અંગે સેક્રેટરી દેવેન્દ્રસિંહ ચુડાસમાએ જણાવ્યુ કે, વઢવાણ તાલુકાના 3 હજાર ખેડૂતોએ ઓનલાઇન રજીસ્ટ્રેશન કરાવ્યુ છે. એક ખેડૂત પાસેથી વધુમાં વધુ 125 મણ ખરીદી કરાશે. વઢવાણમાં હાલ ચણાની ખરીદી શરૂ થઇ છે. જેમાં એક મણે રૂ.1067 ખેડૂતોને ચુકવવામાં આવે છે. વઢવાણ માર્કેટિંગ યાર્ડમાં ટેકાના ભાવે ચણા અને રાયડાની ખરીદીનો પ્રારંભ કરાતા વઢવાણ પંથકના ખેડૂતોમાં ખુશીની લહેર દોડી જવા પામી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.