ACBની સફળ ટ્રેપ:મોરબી પ્રાંત કલેક્ટર કચેરીનો ક્લાર્ક અને તેનો મિત્ર રૂ. 75 હજારની લાંચ લેતા રંગેહાથ ઝડપાયા

મોરબીએક મહિનો પહેલા
  • કૉપી લિંક
મોરબી પ્રાંત કલેક્ટર કચેરીનો ક્લાર્ક અને તેનો મિત્ર રૂ. 75 હજારની લાંચ લેતા રંગેહાથ ઝડપાયા - Divya Bhaskar
મોરબી પ્રાંત કલેક્ટર કચેરીનો ક્લાર્ક અને તેનો મિત્ર રૂ. 75 હજારની લાંચ લેતા રંગેહાથ ઝડપાયા
  • ટીમ્બડી પાટિયા નજીક અમદાવાદ એસીબીએ છટકું ગોઠવ્યું હતું.
  • વચેટીયાને અને ક્લાર્કને 75 હજારની લાંચ લેતા ઝડપી લીધા

મોરબીના મહેસુલી તંત્રમાં વ્યાપેલો ભ્રષ્ટાચાર આજે ખુલ્લીને બહાર આવ્યો છે. અમદાવાદ એસીબી ટીમ દ્વારા ટીમ્બડી પાટિયા નજીક છટકું ગોઠવી મોરબી પ્રાંત અધિકારીની કચેરીના ક્લાર્ક અને તેના મિત્રને રૂપિયા 75 હજારની લાંચ સ્વિકારતા ઝડપી લેતા ભ્રષ્ટ મહેસુલી કર્મચારીઓમાં ફફડાટ વ્યાપી ગયો છે. મોરબી પ્રાંત અધિકારી કચેરીના ક્લાર્ક તરીકે ફરજ બજાવતા નિર્મલ જીલુભાઈ ખુંગલાએ ફડસર ગામના એક દાવામાં જમીનમાંથી રસ્તો નીકળતો હોય તેના અપીલ કેસમાં અરજદારને રૂપિયા એક લાખ આપો તો તમારા તરફી ચુકાદો આવશે અન્યથા પ્રતિવાદી તરફે ચુકાદો આવશે. તેવી દાટી મારી એક લાખની લાંચ માંગી હતી. જેને પગલે અરજદારે 1064માં એસીબીને ફરિયાદ કરતા અમદાવાદ એસીબી પીઆઇ કે.વાય.વ્યાસ અને ફિલ્ડ વી.એસ.વાઘેલા સહિતની ટીમે છટકું ગોઠવ્યુ હતું.

એસીબીના માર્ગદર્શન મુજબ અરજદારે લાંચિયા નિર્મલ ખૂંગલાને લાંચના નાણાં લેવા ટીમ્બડી પાટીયે બોલાવતા નિર્મલ અને તેનો મિત્ર ધર્મેન્દ્ર નામનો ઈસમ કાર લઈને ટીમ્બડી પાટીયે લાંચ સ્વીકારવા પહોંચ્યા હતા. જ્યા કારમાં બેઠા બેઠા કારકુન વતી રૂ 75 હજારની લાંચ સ્વિકારતા ધર્મેન્દ્ર નામનો શખ્સ અને કારમાં બેઠેલા નિર્મલ ખૂંગલાને પણ ઝડપી લઈ મોરબી એસીબી ઓફીસ ખાતે લાવ્યા હતા.

ઉલ્લેખનીય છે કે, મોરબી કલેક્ટર કચેરીથી લઈ રેવન્યુ વિભાગમાં બેફામ ભ્રષ્ટાચાર આચરવામાં આવતો હોવાની વ્યાપક ફરિયાદ ઉઠી છે. ત્યારે પ્રાંત કચેરીના ક્લાર્કના કાળા કરતૂત બહાર આવતા વહીવટી બાબુઓમાં સન્નાટો પ્રસરી જવા પામ્યો છે. હાલ એસીબી ટીમે નિર્મળ ખૂંગલા અને વચેટિયા વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે.

અન્ય સમાચારો પણ છે...