હુમલાનો બનાવ હત્યામાં પલટાયો:ચૂડાના ચોકી ગામે સામાન્ય બાબતે પાડોશીએ વદ્ધ પર સળિયાના ઘાં ઝીંક્યા, સારવાર દરમિયાન મોત

સુરેન્દ્રનગર6 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • વૃદ્ધને માથાના ભાગે સળીયાનો ઘા ઝીંકી દેતા ગંભીર હાલતમાં હોસ્પિટલમાં ખસેડ્યા હતા

સુરેન્દ્રનગર જિલ્લાના ચુડા તાલુકાના ચોકી ગામે વરસાદી પાણીના નિકાલ જેવી સામાન્ય બાબતે બે પાડોશી વચ્ચે થયેલી બોલાચાલીમાં ઉશ્કેરાયેલા શખ્સે વૃદ્ધને સળિયાના ઘા ઝીંકી દીધા હતા. જેથી વૃદ્ધને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતા.જ્યા સારવાર દરમિયાન વૃદ્ધનું મોત થતાં બનાવ હત્યામાં પલટાયો છે.
પાડોશી સાથે બોલાચાલી થઈ હતી
સુરેન્દ્રનગર જિલ્લામાં ગુનાખોરીનું પ્રમાણ સતત વધી રહ્યું છે. ત્યારે ચુડા તાલુકાના ચોકી ગામમાં રહેતા 80 વર્ષના વૃદ્ધ સુરાભાઇ ધાડવી ઘર પાસે વરસાદી પાણીના નિકાલ માટે રસ્તા પર માટી નાખી રહ્યા હતા. જે બાબતે તેમના પાડોશમાં જ રહેતા બાલકદાસ ઉર્ફે મુન્નો નાગરદાસ નિમ્બાર્ક સાથે બોલાચાલી થઈ હતી.
ગંભીર ઈજા પહોંચતા 8 દિવસની સારવાર બાદ મોત
આ બોલાચાલીમાં ઝઘડો ઉગ્ર બનતા ઉશ્કેરાયેલા બાલકદાસ નિમ્બાર્કે સુરાભાઇને માથાના ભાગે સળીયાનો ઘા ઝીંકી દેતા સુરાભાઇને ગંભીર ઇજાઓ થતાં ઢળી પડ્યા હતા. પરિવારજનો અને ગ્રામજનો તાત્કાલિક સુરાભાઇને સારવાર માટે લીંબડી સરકારી હોસ્પિટલ લઇ ગયા હતા. પરંતુ માથાના ભાગમાં સળિયાનો ઘા વાગતા હેમરેજ થઇ જતાં 8 દિવસ બાદ સુરાભાઇનું મોત થયું હતું. જેથી આ બનાવ હત્યામાં પલટાયો હતો. ચુડા પોલીસને ઘટના અંગે જાણ થતાં પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી હત્યા અંગે ગુનો નોંધી આરોપીને ઝડપી લઇ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
જિલ્લામાં એક માસમાં 11 મો હત્યાનો બનાવ
​​​​​​​
પાણીના નિકાલ જેવી સામાન્ય બાબતમાં નાના એવા ગામમાં હત્યાનો બનાવ બનતા ચોકી ગામ સહિત સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઇ છે. જિલ્લામાં એક માસમાં 11મો હત્યાનો બનાવ બન્યો છે, ત્યારે સુરેન્દ્રનગર જિલ્લામાં ગુનાખોરીનું પ્રમાણ સતત વધી રહ્યુ હોવાનું જોવા મળી રહ્યુ છે.

અન્ય સમાચારો પણ છે...