21મી સદીમાં પણ શિક્ષણ માટે સંઘર્ષ:સુરેન્દ્રનગરના કાશીપુરા ગામના બાળકો રોજ 4 કિ.મી ચાલીને સ્કુલ પહોંચે છે, 'ભાર વગરના ભણતર'ના સ્લોગન નિરર્થક નીવડ્યા

સુરેન્દ્રનગર3 મહિનો પહેલા
  • ST બસના અભાવે વિદ્યાર્થીઓને પારાવાર મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે
  • અંતરિયાળ રસ્તો હોવાથી વિદ્યાર્થિનીઓ ભયના ઓથાર હેઠળ સ્કુલે જાય છે

'ભાર વગરનું ભણતર' અને 'દીકરી પઢાવો, દેશ બચાવો' જેવા સ્લોગન ગુજરાતમાં નિરર્થક નીવડ્યા છે. સુરેન્દ્રનગર જિલ્લાના સાયલા તાલુકાના કાશીપુરા ગામમાં માત્ર એક પ્રાથમિક શાળા છે. વિદ્યાર્થીઓને હાઈસ્કૂલ માટે છેક સાયલા જવું પડે છે. સાયલાના કાશીપુરાથી સાયલા જવા-આવવા માટે કોઈ વાહન વ્યવસ્થા વર્ષોથી નથી. જેથી ચાર કિલોમીટક ચાલીને ભણવા જવા માટે વિદ્યાર્થીઓ મજબૂર થયા છે. સાયલા તાલુકાના કાશીપુરા ગામની વિધાર્થિનીઓએ સાંસદ અને સ્થાનિક ધારાસભ્ય તેમજ કેબિનેટ મંત્રી કિરીટસિંહ રાણાને અનેકવાર રજૂઆત કરી છે, પણ ન તો કોઈ ધ્યાન આપનારું છે કે ન તો કોઈને વિદ્યાર્થીઓની આ પીડા દેખાઈ રહી છે.

ગ્રામજનોમાં રોષ
વિદ્યાર્થીઓની આ સ્થિતિ જોઇને કાશીપુરા ગામના સરપંચે વહેલી તકે વિધાર્થીઓ માટે વાહન-વ્યવસ્થા કરવાની માંગ કરી છે. સાયલા તાલુકાના કાશીપુરા ગામના 60થી વધુ વિધાર્થીઓ કે, જેઓ હાઈસ્કૂલના અભ્યાસ માટે સાયલા જાય છે. જેમાં સાયલા જવા માટે ચાર કિ.મી. જેટલું અંતર પગપાળા કાપીને ભણવા જવા મજબૂર બન્યા છે. અંતરિયાળ આ રસ્તા પર વધુ અવરજવર ન હોવાથી સ્કૂલે જતી બાળાઓ સતત ભયનો ઓથાર નીચે ભણવા જાય છે.

અનેક રજૂઆતો કરી પણ માત્ર દિલાસા જ મળ્યા
વર્ષોથી ગામમાં હાઈસ્કૂલ ન હોવાથી 50 જેટલી બાળાઓ સતત ભય સાથે ભણતર કરી રહી છે. રસ્તામાં આવારા તત્વો વિધાર્થીનીઓને હેરાન પરેશાન પણ કરે છે. આ અંગે સાયલા પોલીસને ફરિયાદ પણ કરી છે. તે ઉપરાંત અહીંના સરપંચે સાસંદ અને કેન્દ્રિય મંત્રી મહેન્દ્ર મુંજપરા અને ધારાસભ્ય અને રાજ્યના કેબીનેટ મંત્રી કિરીટસિંહ રાણાને પણ રૂબરૂ મળી આપવીતી જણાવી છે. પણ આ વ્યથા સાંભળનારું કોઈ નથી, માત્ર આશ્વાસન જ મળે છે પરિણામ નહીં. આ કારણે આ ગામની ઘણી દીકરીઓએ ભણતર પણ મૂકી દીધું છે. ત્યારે આ સમસ્યાનું વહેલી તકે નિવારણ આવે તેવી ગામ લોકો માંગ કરી રહ્યાં છે.

અન્ય સમાચારો પણ છે...