સુરેન્દ્રનગર જિલ્લાના એસટી ડેપો તેમજ પીકઅપ સ્ટેન્ડ પરથી મુસાફરો ભરીને દોડતા ખાનગી વાહનો સામે એસટી અને ટ્રાફિક તંત્રે કાર્યવાહી કરી હતી. જેમાં મંગળ-બુધમાં લીંબડી-ધ્રાંગધ્રામાંથી કુલ 12 વાહન ડિટેઇન કરી અંદાજે રૂ. 1.44 લાખનો દંડ કરાયો હતો.સલામતી સવારી ખોટના ખાડા સાથે દોડી રહી છે. તેમાંય હવે એસટી સ્ટેશનો તેમજ પીકઅપ સ્ટેન્ડો પરથી ખાનગી વાહનોમાં મુસાફરો ભરીને લઇ જતા ચાલકોના કારણે દિવસે દિવસે એસટીને ખોટનો ખાડો વધી રહ્યો છે. ત્યારે આવા ચાલકો સામે એસટી અને સુરેન્દ્રનગર ટ્રાફિક તંત્ર દ્વારા સંયુક્ત ચેકિંગ હાથ ધર્યું હતું.
જેમાં પોલીસવડા હરેશ દૂધાતના માર્ગદર્શન હેઠળ સુરેન્દ્રનગર ટ્રાફિક પીએસઆઇ એન.એચ. સોલંકી, એસટીના કર્મચારી સાગરભાઇ, એએસઆઈ પ્રવિણાબેન, હેડ કોન્સ્ટેબલ બીપીનકુમાર, વિજયસિંહ, વરજાંગભાઈ, પોલીસ કોન્સ્ટેબલ સરદારસિંહ, રાજેશભાઈ, ટીઆરબીના રોહિતભાઈ નવનીતભાઈ, રામસિંહ સહિતા સ્ટાફે કામગીરી કરીને ખાનગી વાહનોમાં મર્યાદા કરતા વધુ લોકોને ભરીને દોડતા તેમજ ટ્રાફિક સહિતના નિયમોનું ઉલ્લઘન કરતા ચાલકો ઝપટે ચડી ગયા હતા. અને મંગળવારે લીંબડી વિસ્તારના માર્ગો પરથી 5 વાહનને ડિટેઇન કરીને રૂ. 60,000નો દંડ કરાયો હતો.
જ્યારે બુધવારે ધ્રાંગધ્રા વિસ્તારના માર્ગો પર કાર્યવાહી કરાતા 7 વાહનો ડિટેઇન કરી રૂ. 84,000નો દંડ કરાયો હતો. આમ બે દિવસમાં કુલ 12 વાહનો ડિટેઇન કરી અંદાજે રૂ. 1,44,000નો દંડ કરાતા ખાનગી વાહન ચાલકોમાં ફફડાટ ફેલાયો હતો.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.