તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

હાલાકી:જિલ્લામાં સસ્તા અનાજની દુકાનોએ તેલ, ખાંડનો જથ્થો ન પહોંચતાં હાલાકી

સુરેન્દ્રનગર19 દિવસ પહેલા
  • કૉપી લિંક
સર્વર બંધ હોવાથી લોકોને ધરમ ધક્કા થયા હતા. - Divya Bhaskar
સર્વર બંધ હોવાથી લોકોને ધરમ ધક્કા થયા હતા.
  • તહેવારોના સમયે ખાંડ ન મળતા ગરીબોની જન્માષ્ટમી, ગણેશોત્સવની ઉજવણીમાં મીઠાશ વગરની રહેશે

સુરેન્દ્રનગર જિલ્લામાં એનએફએસએ કાર્ડ ધારકોને મળતા રાશન વિતરણની કામગીરીનું સર્વર છેલ્લા 6 દિવસથી બંધ હોવાથી દુકાને આવતા લોકોને ધરમધક્કા થઇ રહ્યા છે. જિલ્લાના અમુક તાલુકાઓમાં તેલ અને તમામ તાલુકાઓમાં ખાંડનો જથ્થો ન પહોંચતા લોકોને હાલાકી થઇ રહી છે. આમ તહેવારોના ટાણે ગરીબોની થાળીમાં ખાંડના અભાવે મીઠાસ અધૂરી રહેશે. ખાંડ તેલનો જથ્થો ન પહોંચતા લોકોમાં તંત્રની કામગીરી સામે રોષની લાગણી ફેલાઇ છે. દેશભરના એનએસએફએ બીપીએલ, એએવાય, એપીએલ-1,2 ધારકોને ઘઉં, ચોખા, ખાંડ, તેલ તુવેરદાળ, મીઠુ સહિતનો રાશન જથ્થો સસ્તા અનાજ વિતરણની દુકાનો કરવામાં આવે છે.

આ કામગીરીમાં ડિજિટલાઇઝેશન કરી કાર્ડધારકના અંગુઠાના નિશાન આધારે વિતરણની કામગીરી કરાતા ઝડપી કામગીરી થવાની લોકોને આશા હતી. આથી લોકોએ થમ્બ ઇમ્પ્રેશન સાથે તમામ વિગતો ડિજિટલ કરાઇ હતી. દરમિયાન છેલ્લાં 6 દિવસથી મુખ્ય સર્વર બંધ રહેતું અને ધીમું ચાલતું હોવાથી અનાજ વિતરણની કામગીરી થઇ શકતી ન હોવાથી લોકોને સસ્તા અનાજની દુકાને સર્વર ચાલુ થાયની આશાએ શનિવારે ગયા હતા.ત્યાં બીપીએલ, એપીએલ, એએવાય કાર્ડ ધારકોને આપવામાં આવતો વ્યક્તિ દીઠ સાડાત્રણસો ગ્રામ ખાંડ અને કાર્ડ દિઠ 1 કિલો કપાસિયા તેલનો જથ્થો ન આવતા રોષની લાગણી ફેલાઇ હતી.

આ અંગે પૂનમબેન પરમાર, પ્રફુલાબેન મકવાણા, સંગીતાબેન પનારા સહિતનાઓએ જણાવ્યું સર્વર બંધ છે કહી દુકાને ઊભા રાખતા હતા. ખાંડ અને તેલનો જથ્થો ન આવ્યો હોવાનું જણાવી રહ્યા છે. અમારેતો શું આમ દરરોજ ધક્કા જ ખાવાના.આ અંગે પુરવઠા ઝોનલ ઓફિસર સી.એલ.જાદવે જણાવ્યું તેલનો જથ્થો ગોડાઉનમાં આવેલ છે જે વિતરણની કામગીરી શરૂ કરાઇ છે.

ખાંડનો જથ્થો આવ્યો નથી તેની માંગણી કરાઈ છે. આમ ઓનલાઇન કામગીરીની સમસ્યા હજુ ઠેરની ઠેર રહી છે. પુરવઠો ન પહોંચ્યાની સમસ્યા સર્જાતા જન્માષ્ટમી અને ગણેશોત્સવ જેવા તહેવારોમાં તેલ, ખાંડ વગર મીઠાસ અધૂરી રહેવાની હોવાથી કાર્ડધારક લાભાર્થીઓમાં તંત્રની કામગીરી સામે રોષની લાગણી ફેલાઇ છે.

તેલનો જથ્થો અમુક તાલુકામાં બાકી, ખાંડનો જથ્થો આવ્યો નથી
સેન્ટર સર્વરમાં ગુજરાત આખાના રાશન અંગેના ડેટા એકત્ર થતો હોવાથી ઓવરલોડ હોવાથી સર્વર ધીમું થયું હતું. આ સમસ્યા સર્જાઇ હતી જે લગભગ શરૂ થઇ ગયું છે. બાકી અનાજ ધારકોને અનાજ વિતરણની તારીખ પણ તા.5 સ્પટેબર સુધી વધારાઈ છે.જિલ્લામાં મોટાભાગના તાલુકામાં તેલનો જથ્થો પહોંચાડી દેવાયો છે વઢવાણ, લીંબડી, મૂળી, પાટડી સહિત તાલુકામાં બાકી છે.ખાંડનો જથ્થો ઉપરથી નથી આવ્યો. ખાંડ એમપીમાંથી આવતી હોવાથી ભારે વરસાદ સહિત સમસ્યાઓના કારણે જથ્થો આવી શક્યો નથી.આ અંગે ગાંધીનગર રજૂઆત કરાઈ છે. - ચેતનભાઇ મીશણ, જિલ્લા પુરવઠા અધિકારી

પાટડી પથંકમાં ખાંડ, તેલ ન પહોંચતા જન્માષ્ટમી બગડશે
પાટડી શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં સસ્તા અનાજની દુકાને પરવાનેદાર દ્વારા રૂપિયા ભરી દીધા હોવા છતાં તેલ અને ખાંડનો જથ્થો નહીં પહોંચતા ગરીબોનો તહેવાર બગડે તેવી પરિસ્થિતિ સર્જાઈ છે. જેમાં 1 પાઉચ તેલ અને બીપીએલ કાર્ડધારકોને 1 કિલો ખાંડ રૂ. 22ની હજુ દુકાન કે અન્ન નાગરીક પુરવઠાના ગોડાઉનમા પણ આવી ન હોવાથી રેશનકાર્ડ ધારકો પુરવઠાથી વંચિત છે. અંત્યોદય રેશનકાર્ડની તહેવાર ખાંડ આવી પણ BPL રેશનકાર્ડ ધારકોને હજુ તહેવારની 1 કિલો ખાંડ આવી નથી. ગ્રાહકો દરરોજ તહેવારની એક કિલો ખાંડ માટે ધક્કા ખાય છે.

અન્ય સમાચારો પણ છે...