સંગ્રામ પંચાયત:ચોટીલાનું ચાણપા અને ધ્રાંગધ્રાનું વસાડવા ગામ 20 વર્ષથી સમરસ ગામ

સુરેન્દ્રનગર12 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સતત 4 ટર્મથી સરપંચની ચૂંટણી જ થઈ નથી

સુરેન્દ્રનગર જિલ્લાની ગ્રામપંચાયતોની ચૂંટણી હાલ જાહેર થઇ ગઇ છે. પરંતુ જો ગ્રામ પંચાયત સમરસ બને તો તે વી ગ્રામ પંચાયતોને સરકાર તરફથી વધુ અનુદાન મળે છે. ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાની ચોટીલાની ચાણપા અને ધ્રાંગધ્રાની વસાડવા ગ્રામપંચાયત છેલ્લા 4 ટર્મથી સમરસ બને છે. આથી અહીં 20 વર્ષથી ગ્રામ પંચાયતની ચૂંટણીની જરૂર જ નથી પડી. ગત વર્ષ જિલ્લામાં કુલ 504 ગ્રામ પંચાયતોમાંથી 109 ગ્રામ પંચાયત સમરસ બની હતી. સમરસ ગ્રામ પંચાયતોને સરકાર તરફથી વિશેષ અનુદાન મળતું હોવાથી અત્યારથી દોડધામ ચાલુ થઇ છે.

ગુજરાત રાજય ચૂંટણી આયોગના પરિપત્રથી રાજ્યભરની ગ્રામ પંચાયતોની ટર્મ પૂરી થતી બેઠકો પર ચૂંટણીની જાહેરાત કરી છે. આથી સુરેન્દ્રનગર જિલ્લાની 499 ગ્રામ પંચાયતની બેઠકો પર ચૂંટણીનો ધમધમાટ ચાલુ થઇ ગયો છે. પરંતુ જો ગ્રામ પંચાયતો સમરસ બને તો ચૂંટણીની જરૂરિયાત રહેતી નથી. જે ગ્રામ પંચાયતની રચના ચૂંટણી વિના સર્વસંમતિથી વિનાવિરોધે થાય તેને સમરસ ગ્રામ પંચાયત કહે છે.

ગામમાં સંપ, સહકાર, સુમેળ અને સંવાદીતા જળવાય તે રીતે સ્થાનિક પ્રજા વિકાસમાં ભાગ લે તે હેતુથી ગુજરાત રાજ્યમાં ઓક્ટોબર 2001માં ગ્રામ પંચાયત ગૃહનિર્માણ ગ્રામ વિકાસ વિભાગ દ્વારા વર્ષ 2001માં સમરસ ગ્રામ પંચાયત યોજના અમલમાં મુકી છે. જેમાં ગ્રામ પંચાયતની ચૂંટણી બિનહરીફ થાય તો સરકાર ગામના વિકાસ માટે ખાસ અનુદાન ફાળવે છે. જો ગ્રામ પંચાયત સરપંચ અને સભ્યો મહિલા બિનહરીફ ચૂંટાઇ મહિલા સમરસ ગ્રામ પંચાયત બને તો સામાન્ય કરતા વધુ અનુદાન મેળવે છે.

ગત ગ્રામ પંચાયતની ચૂંટણીઓમાં કુલ 504માંથી 109 જિલ્લાની ગ્રામ પંચાયત સમરસ ગ્રામ પંચાયત બની હતી. ત્યારે આ વર્ષ પણ વધુમાં વધુ ગ્રામપંચાયતો સમરસ બને માટે તંત્ર અને ઉમેદવારોએ પ્રયાસોનો ધમધમાટ હાથ ધર્યો છે.પ્રથમવાર સમરસ થતી ગ્રામ પંચાયતોને આ લાભો મળે: પ્રથમવાર સમરસ થતી સામાન્ય તથા ગ્રામ પંચાયતમાં ગામની પ્રાથમિક શાળામાં ધો.8ની સગવડ ન હોય તો અગ્રીમતાથી મંજૂરી મળે, સતત બીજીવાર થાયતો અનુદાનમાં 25 ટકાનો વધારો અને સીસીરોડની આધુનિક સુવિધા પુરી પાડવા મળે, સતત ત્રીજીવાર સમરસ થાયતો ગામમાં સોલાર સ્ટ્રીટ લાઇટ, ગટર વ્યવસ્થા, પીવાના પાણીની, આંતરીક રસ્તા પેવરબ્લોક બનાવાવ અનુદાન મળે સહિત લાભ મળે.

અમારે પંચાયતની ચૂંટણીની ક્યારેય જરૂર પડી નથી
અમારા ગામમાં 1000થી વધુ લોકોની વસતી છે. જેમાં કાઠીદરબાર, રાજપૂત, રબારી, દલિત સમાજના લોકો વસે છે. અમારું ગ્રામ પંચાયત બની ત્યારથી અત્યાર સુધી લોકોની સમજૂતીથી દરેક સમાજના પ્રતિનિધિને વારાફરથી સરપંચ બનાવવામાં આવે છે. સમરસ યોજના બની ત્યારથી પણ અમારી ગ્રામ પંચાયત સમરસ છે. આમ આપસી મનમેળ અને લોકોની સમજૂતીથી જ વર્ષોથી સમરસ ગ્રામપંચાયત બની રહી છે.> ધીરૂભાઇ જેઠાભાઇ વાઘેલા, સરપંચ, ચાણપા ગામ

ગ્રામજનો બેઠક કરી સર્વાનુમતે સરપંચ, સભ્ય નક્કી કરે છે
મારા ગામમાં 1500થી વધુ લોકોની વસતી છે. જેમાં ઘણા સમાજના લોકોનો વસવાટ છે. અમારા ગ્રામ પંચાયત બની ત્યારથી ગામના વડીલો અને લોકો બેઠક કરી સર્વાનુમતે સરપંચ, સભ્યોના નામો નક્કી કરે તેમની વરણી કરાય છે. આ વર્ષ રોટેશન મુજબ જનરલ બેઠક છે. આ વર્ષે પણ વડીલો, ગ્રામજનો બેઠક કરી સર્વાનુમતે સરપંચ અને સભ્યોની વરણી કરશે. > હેમાબેન ગોવિંદભાઇ ચામડિયા, સરપંચ, વસાડવા ગ્રામ પંચાયત

અન્ય સમાચારો પણ છે...