ભ્રષ્ટાચારની શંકા:સુરેન્દ્રનગરના પૂર્વ કલેક્ટર કે.રાજેશની CBI દ્વારા ધરપકડ, સહ આરોપી રફીક મેમણના એક દિવસના રિમાન્ડ મંજૂર

સુરેન્દ્રનગરએક મહિનો પહેલા
  • સુરેન્દ્રનગર ઉપરાંત ગાંધીનગર, સુરત અને તેમના વતન આંધ્રપ્રદેશમાં પણ એકસામટા દરોડા
  • વચેટીયાઓ મારફત જંગી પ્રમાણમાં લાંચ મેળવી હોવાનું સીબીઆઇનું તારણ
  • બામણબોરમાં બે હજાર કરોડના જમીન કૌભાંડનો રેલો કે. રાજેશ સુધી પહોંચશે

લાંચ અને ખોટી રીતે લાભ કરાવવાના મામલે સીબીઆઈ દ્વારા સુરેન્દ્રનગરના પૂર્વ કલેકટર કે.રાજેશની ધરપકડ કરવામાં આવી છે. IAS અધિકારી કે. રાજેશના નિવાસસ્થાન સહિત અનેક સ્થળોએ CBIએ દરોડા પાડ્યા હતા. જેને લઈ ખળભળાટ મચ્યો છે. બામણબોરના બે હજાર કરોડના જમીન કૌભાંડનો રેલો કે. રાજેશ સુધી પહોચશે. IAS કે. રાજેશ ઉપરાંત CBIએ સુરતથી વેપારી રફીક મેમણની ધરપકડ કરી છે. રફીક મેમણને 10 દિવસના રિમાન્ડની માગ સાથે સીબીઆઈ કોર્ટમાં રજૂ કરાતા કોર્ટે 1 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા. કે. રાજેશને આવતીકાલે કોર્ટ સમક્ષ રજૂ કરાશે.

હાલ તેઓ સામાન્ય વહીવટ વિભાગમાં સંયુક્ત સચિવ તરીકે ફરજ બજાવી રહ્યા છે
સુત્રોના કહેવા પ્રમાણે સુરેન્દ્રનગર જિલ્લા કલેક્ટરના કાર્યકાળ દરમિયાન તેઓએ ભ્રષ્ટાચાર કર્યો હોવાના આક્ષેપો કરાયા હતા. તેમજ અનેક ફરિયાદો પણ થઇ હતી. આ પછી તેઓને રાજ્યના ગૃહ વિભાગમાં મુકવામાં આવ્યા હતા. તેમના વિરુદ્ધ લાંચ રુશ્વત વિરોધી વિભાગમાં ફરિયાદ થતાં તેઓની બદલી કરી નાખવામાં આવી હતી. હાલ તેઓ સામાન્ય વહીવટ વિભાગમાં સંયુક્ત સચિવ તરીકે ફરજ બજાવી રહ્યા છે. તેમના વિરુદ્ધ અધિક મુખ્ય સચિવની રેન્જના અધિકારી મારફત ઉચ્ચ સ્તરીય તપાસ ચલાવવામાં આવી રહી હતી. તે દરમિયાન સીબીઆઈએ એકસામટા દરોડા પાડ્યા હતા અને કે. રાજેશની ધરપકડ કરી છે.

દિલ્હી યુનિટ ખાતે એફઆઈઆર દાખલ કરવામાં આવી હતી
સુત્રોના જણાવ્યાં મુજબ સુરેન્દ્રનગરમાં કલેક્ટરના કાર્યકાળ દરમિયાન જમીનની ફાઈલો ક્લીયર કરવાના અને હથિયારના લાયસન્સ આપવામાં મોટા પ્રમાણમાં ભ્રષ્ટાચાર કર્યાની ફરિયાદો હતી. તમામ પ્રાથમિક ફરિયાદો પર તપાસ કર્યા બાદ દિલ્હી યુનિટ ખાતે એફઆઈઆર દાખલ કરવામાં આવી હતી. તેના આધારે દિલ્હી યુનિટની ટીમ ગઇકાલે ગાંધીનગર આવી હતી. ત્યારબાદ એકસામટા દરોડા શરુ કરવામાં આવ્યા હતા.

સીબીઆઈના એક અધિકારીએ નામ નહીં આપવાની શરતે જણાવ્યું હતું કે, ભ્રષ્ટાચારમાં કેટલાક વચેટીયા પણ સામેલ હોવાની માહિતી મળી છે તે દિશામાં પણ તપાસ કરવામાં આવી રહી છે. દરોડા દરમિયાન ભ્રષ્ટાચારને લગતા દસ્તાવેજો મળી આવવાની અને તેના આધારે ચોંકાવનારા ખુલાસા થવાની શક્યતા છે.

IASની ધરપકડ થતા સમગ્ર વહીવટી તંત્રમાં ખળભળાટ
જમીન સોદા, હથિયાર લાયસન્સના લાંચ લેવાના પ્રકરણ ઉપરાંત અન્ય કેટલાક પ્રકરણની પણ તપાસ કરી રહેલી સીબીઆઈએ મૂળ આંધ્રપ્રદેશના વતની કે. રાજેશના નિવાસ સ્થાને દરોડા પાડ્યા બાદ તેની ધરપકડ કરી છે. વચેટીયાઓ મારફત ભ્રષ્ટાચાર કરવામાં આવ્યો હોવાનું સીબીઆઈના ધ્યાને આવ્યું છે જેથી સુરેન્દ્રનગરનાં અનેક માથાઓ પણ ભૂગર્ભ ઉતરી ગયા હોવાની ચર્ચા છે.

છેલ્લા ત્રણથી ચાર મહિનાથી સીબીઆઇની ટીમે સુરેન્દ્રનગરમાં
સુરેન્દ્રનગર જિલ્લાના પૂર્વ કલેકટર કે.રાજેશની સીબીઆઈએ ધરપકડ કરી છે. 2017થી લઈ 2021 સુધી સુરેન્દ્રનગર જિલ્લા કલેકટર તરીકે કે.રાજેશે ફરજ બજાવી હતી. આ દરમિયાન હથિયાર પરવાના લાયસન્સને લઈ અનેક વખત ચર્ચામાં રહ્યા હતા. પૂર્વ કલેકટર કે.રાજેશ દ્વારા સુરેન્દ્રનગર જિલ્લામાં હથિયાર પરવાનાઓના લાયસન્સ બેફામ રીતે આપી દેવામાં આવ્યાં હોવાના આક્ષેપ કરવામાં આવ્યાં હતા. દિલ્હી ખાતે પીએમઓ અને દિલ્હી સીબીઆઇમાં ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. જેને પગલે છેલ્લા ત્રણથી ચાર મહિનાથી સીબીઆઇની ટીમે સુરેન્દ્રનગર જિલ્લામાં ધામા નાખી અને સર્કિટ હાઉસ ખાતે અરજદારોના નિવેદનો લઇ રહી છે.

બીજી તરફ નિવેદનો બાદ અંદાજિત 11થી વધુ લોકોએ ગેરરીતિ સામે અવાર-નવાર સરકારમાં પણ આ મામલે રજૂઆત કરી હતી. કે.રાજેશ ઉપર પગલાં ભરવામાં આવે તેવી માંગણી કરવામાં આવી હતી. હથિયાર પરવાના મામલે વિવિધ પ્રકારની માગણીઓના જિલ્લા કલેકટર તરીકે ફરજ દરમિયાન કે.રાજેશના ફોટા પણ વાયરલ થયા હતા. આ મામલે સીબીઆઈમાં અરજદારો દ્વારા ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. જેથી સુરેન્દ્રનગર જિલ્લાના અલગ-અલગ સ્થળ ઉપર સીબીઆઈના કર્મચારીઓ-અધિકારીઓએ ધામા નાખી અને છેલ્લા ચાર મહિનાથી પૂછપરછ હાથ ધરવામાં આવી હતી. જે લોકોએ ફરિયાદ દાખલ કરી છે તેમના પણ નિવેદનો લેવામાં આવ્યા હતા.

સુરેન્દ્રનગર કલેકટર કચેરીના બે કર્મચારીઓની પૂછપરછ હાથ ધરાઈ
કે. રાજેશ સુરેન્દ્રનગરના પૂર્વ કલેકટર રહી ચૂક્યા છે. ત્યારે સીબીઆઈની ટીમ દ્વારા સુરેન્દ્રનગર કલેકટર કચેરીના બે કર્મચારીઓની પૂછપરછ શરૂ કરવામાં આવી છે. કર્મચારીઓ ઉપરાંત સુરેન્દ્રનગરમાંથી એક વચેટીયાની પણ અટકાયત કરવામાં આવી છે.

રફીક મેમણને CBI કોર્ટમાં રજૂ કરાતા 1 દિવસના રિમાન્ડ મંજૂર
IAS અધિકારી અને તત્કાલીન સુરેન્દ્રનગર જિલ્લાના કલેક્ટર કે.રાજેશ કેસમાં સહ આરોપી તરીકે ઝડપાયેલા રફીક મેમનને CBI કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવ્યો હતો. જેમાં આરોપી મેમણના કોર્ટે માત્ર 1 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. તપાસ એજન્સી દ્વારા 10 દિવસના રિમાન્ડની માંગ કરવામાં આવી હતી. જોકે રફીક મેમણના વકીલ આફતાબ હુસૈન અન્સારીની દલીલ બાદ કોર્ટે 1 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા. કેસના મુખ્ય આરોપી કે. રાજેશને CBI કોર્ટ સમક્ષ આવતીકાલે સાંજે રજૂ કરવામાં આવશે.

બામણબોર જમીન કૌભાંડનો રેલો કે.રાજેશ સુધી પહોંચશે
લાંચ અને ભ્રષ્ટાચારના આરોપસર IAS કે. રાજેશની સીબીઆઈ દ્વારા ધરપકડ કરી લેવામાં આવી છે. ત્યારે CBIની તપાસમા બામણબોરમાં બે હજાર કરોડની જમીન કૌભાંડનો રેલો કે. રાજેશ સુધી પહોંચશે. કાયદાનું ખોટું અર્થઘટન કરીને 800 એકર જમીનની લ્હાણી કરી હોવાનું તપાસમાં બહાર આવ્યું છે.

ચોટીલાના જમીનકૌભાંડમાં પણ રેલો આવ્યો હતો

  • સુરેન્દ્રનગરની SBIમાંથી સુજલામ્ સુફલામ્ ના નામે રૂ. 72 લાખનો ચેક આપવા બાબતે એવી રજૂઆત થઇ હતી કે ખરેખર આ ચેક કોને અપાયો છે, તેમણે શું કામ કર્યાં છે, તે સંસ્થામાં કલેક્ટરના મળતિયા કે સગાં ભાગીદાર છે કે નહીં તેની ચર્ચા થઈ હતી.
  • કે. રાજેશે જિલ્લામાં અનેક લાભાર્થીઓને પ્લોટની ફાળવણી કરી હતી, જેમાં એવી ચર્ચાઓ વહેતી થઈ હતી કે કોઈ સંસ્થા સાથે મળીને લાખો રૂપિયાનો વહીવટ કરીને તેમણે લાભાર્થીઓને પ્લોટની ફાળવણી કરી છે. આ મુદ્દો પણ ખૂબ ચગ્યો હતો.
  • કે. રાજેશે સંસ્થાઓ અને જુદી જુદી મંડળીઓને સરકારી જમીનોની ફાળવણી કરી હતી. તે જમીનની ફાળવણીમાં તો વિવાદ થયા હતા પરંતુ સાથે સાથે જંત્રી સહિતની બાબતોમાં પણ મોટા વિવાદો થયા હતા અને તેની રજૂઆતો પણ કરવામાં આવી હતી.

નેગેટિવ રીપોર્ટ હોવા છતાં હથિયારના પરવાના આપતા હતા
જિલ્લાના પૂર્વ કલેક્ટર કે. રાજેશે એપ્રિલ, 2018થી મે, 2021 સુધીના 3 વર્ષના કાર્યકાળ દરમિયાન હથિયારોના પરવાના આપવામાં વ્યાપક ભ્રષ્ટાચાર આચર્યો હોવાના અનેક આક્ષેપો થયા છે. તેમણે પરવાનો માગનાર પાસેથી 4થી 5 લાખ રૂપિયા પડાવ્યા હોવાના આક્ષેપો પણ થયા છે. એટલું જ નહીં, પોલીસનો નેગેટિવ રિપોર્ટ હોવા છતાં કે. રાજેશ પરવાનો આપી દેતા હોવાની વાતો પણ જે-તે સમયે વહેતી થઈ હતી. તેમના કાર્યકાળમાં એવી ચર્ચાઓ ચાલતી હતી કે જ્યારે હથિયારનો પરવાનો લેવાનો હોય ત્યારે જે-તે વ્યક્તિને હથિયાર આપવાનું યોગ્ય છે કે નહીં તે માટે મામલતદાર અને પોલીસ ખાતાના રિપોર્ટ લેવામાં આવે છે, જેમાં ઘણા એવા અરજદારો હતા કે જેમના રિપોર્ટ નેગેટિવ હોવા છતાં પૈસા લઈને હથિયારના પરવાના આપ્યા હોવાની પણ રજૂઆતો થઇ હતી.

આક્ષેપોમાં આપવીતી

મેં લાંચના રૂપિયા ન આપ્યા તો લીઝ રદ કરી દંડ કર્યો, સુરતથી ખરીદેલાં કપડાંના 1 લાખ ચૂકવવા દબાણ કર્યું હતું
કલેક્ટર કે. રાજેશ અને ખાણ ખનીજ ખાતાના અધિકારીઓએ મારી પાસે લાંચના પૈસા માંગ્યા હતા મે ન આપ્યા તો તા. 27-1-21ના રોજ અમારું સ્ટોકયાર્ડ રદ કરી દીધું હતું અને અમને તેની તા.16-9 21 સુધી બજવણી પણ કરી ન હતી.અને તા.15-6-20 ના રોજ અમને રૂ.2346547નો દંડ પણ ફટકાર્યો હતો. તેમના તરફથી અમોને આર્થિક અને માનસીક નુકસાન કરવામાં આવી રહ્યું હતું.

આથી અમે એસીબીમાં પણ અરજી કરી હતી છતાં કોઇ કાર્યવાહી કરવામાં આવી ન હતી. આટલું જ નહીં પરંતુ રૂ. 4 લાખ લઇને અમને હથીયારનો પરવાનો આપ્યો હતો. જે પરવાનો ડીડીઓ પાસે રદ કરાવી દિધો હતો. અમે મળવા ગયા તો કલેકટરે કિધુ કે મને ઉપરથી દબાદ છે એટલે રદ કર્યાના જવબો આપ્યા હતા. કલેક્ટરે જણાવેલાં સુરતથી મેં કપડાં લીધાં છે, તેના રૂ. 1 લાખ આપવાના છે, તે તમે હું આપું તે ખાતા નંબરમાં નખાવી દો. આથી મથુરભાઈએ રૂ. 49 હજાર બે વાર કલેક્ટરે આપેલા ખાતામાં પણ નખાવી દીધા હતા.’ - મથુરભાઈ વાલજીભાઈ સાકરિયા, કેરાળા, મહામંત્રી, અખિલ ભારતીય કોળી સમાજ

નકસલી સાથે સબંધની પીએમઓમાં રજૂઆત કરી હતી
હિન્દુ વિરોધી માનસિકતા ધરાવતા કે. રાજેશની નક્સલીઓ સાથે ઊઠકબેઠક હોવાના પુરાવાઓઓની પીપીટી તૈયાર કરી હતી, જેની તમામ વિગતો સાથે પીએમઓમાં ફરિયાદ કરી હતી.’ - નીરવસિંહ પરમાર, સમાજસેવક

અન્ય સમાચારો પણ છે...