ખરવા-મોવાના રોગચાળાનો ત્રાસ:મોરબી પંથકમાં વ્યાપક રોગચાળાથી માલધારીઓ ચિંતિત, નવેમ્બર-ડિસેમ્બરમાં પશુઓને આપવામાં આવતી ખરવા-મોવા વિરોધી રસી પણ ખલાસ

મોરબી9 દિવસ પહેલા
  • કૉપી લિંક
હળવદ પંથકમાં વ્યાપક રોગચાળાથી માલધારીઓ ચિંતિત - Divya Bhaskar
હળવદ પંથકમાં વ્યાપક રોગચાળાથી માલધારીઓ ચિંતિત
  • કેટલાંક દિવસોથી પશુઓમાં ખરવા-મોવાનો રોગચાળો વ્યાપક પ્રમાણમાં વકર્યો
  • હળવદમાં પશુ દવાખાને દવા પણ મળતી નથી : પશુપાલક
  • ખરવામાં ખરીમાં ચાંદા પડે છે અને મોવામાં મોમાં ચાંદા પડતા હોય છે

પશુઓમાં જોવા મળતા ખરવા-મોવાના રોગચાળાએ હળવદ સહિતના તાલુકામાં દસ્તક દેતા માલધરીઓમાં ચિંતાની લાગણી પ્રસરી હતી. જો કે આ ચેપી રોગચાળા સામે સુરક્ષા માટે આપવામાં આવતી રસી પણ મોરબી જિલ્લામાં ઉપલબ્ધ નથી. જેથી પશુઓની ખર્ચાળ સારવારને લઈને પશુપાલકો મૂંઝવણમાં મુકાયા છે.

હળવદ શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં છેલ્લા થોડા દિવસોથી પશુઓમાં ખરવા-મોવાનો રોગચાળો વ્યાપક પ્રમાણમાં વકરતો જઈ રહ્યો છે. જેના કારણે માલધારીઓની ચિંતામાં વધારો થયો છે. જે અંગે માલણ ગામના પશુપાલક મુકેશભાઈએ જણાવ્યું હતું કે હાલ ગાયો, ભેંસો તેમજ ઘેટાં-બકરામાં ખરવા-મોવાનો રોગચાળો વધુ જોવા મળી રહ્યો છે. બીજી તરફ અહીં હળવદમાં પશુ દવાખાને દવા પણ મળતી નથી. સાથે જ દુધાળા પશુઓને જો ખરવા-મોવાનો રોગચાળો ભેટી જાય તો પશુ દૂધ આપવાનું પણ બંધ કરી દેતું હોય છે. જેથી તાલુકા અને જિલ્લા પશુપાલન વિભાગ વહેલી તકે પશુઓને રસી આપી તેમના જીવ બચાવે તે જરૂરી બન્યું છે.

ખરવા મોવાના રોગચાળા અંગે જિલ્લા પશુપાલન વિભાગના ડો. ઉઘરેજાએ જણાવ્યું હતું કે, આ રોગચાળો જીવલેણ નથી. ખરવામાં ખરીમાં ચાંદા પડે છે અને મોવામાં મોમાં ચાંદા પડતા હોય છે. જેનાથી બે કે ત્રણ દિવસ પશુને ખાવામાં તકલીફ પડે છે. જો કે સામાન્ય રીતે નવેમ્બર-ડિસેમ્બરમાં ખરવા મોવા વિરોધી રસી પશુઓને આપવામાં આવે છે અને હાલમાં સરકારમાંથી રસી મંગાવાઈ હોવાનું પણ તેમણે જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...