દારૂ ઝડપાયો:પાટડી પાસેથી વિદેશી દારૂની 552 બોટલો સાથેની કાર ઝડપાઇ, આરોપી ફરાર

સુરેન્દ્રનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પાટડી પોલીસે અઢી લાખનો મુદ્દામાલ કબજે કરી નાશી છુટેલા આરોપીને ઝડપી પાડવા કવાયત હાથ ધરી

પાટડી પીએસઆઇ સહિતની પોલીસ ટીમે બાતમીના આધારે છટકુ ગોઠવી પાટડી પાસેથી વિદેશી દારૂની 552 બોટલો સાથેની કાર ઝડપી પાડી હતી. જ્યારે પોલીસને થાપ આપીને આરોપી ફરાર થઇ જવામાં સફળ થયો હતો. પાટડી પોલીસે વિદેશી દારૂની બોટલો અને કાર સાથે રૂ. 2.55 લાખનો મુદામાલ ઝબ્બે કરી નાસી છૂટેલા આરોપીને ઝબ્બે કરવાના ચક્રો ગતિમાન કર્યા છે.

દારૂ ભરેલી કાર ઝડપાઇ
પાટડી લાટીવાસ ખાતે રહેતો કરણ ઉર્ફે કબો કાનજીભાઇ કુકરાણી (ઠાકોર) નામનો વ્યક્તિ પોતાના હવાલાવાળી નેવી બ્લ્યુ કલરની ટાટા ટીગોર કાર નં- GJ-13-AM-41134 વાળીમાં ગેરકાયદેસર રીતે ભારતીય બનાવટનો ઇંગ્લિશ દારૂનો જથ્થો ભરીને પાટડી તાલુકાના ઓડું તરફથી ખારાઘોડા થઇને પાટડી આવી રહ્યો હોવાની બીટ જમાદાર ભાવાર્થભાઇ સોલંકીને પાક્કી બાતમી મળતા પાટડી પોલીસે છટકું ગોઠવી વોચમાં રહેતા આરોપી કાર લઇને નીકળતા પોલિસે આ ગાડીને આંતરતા આરોપી અંધારાનો લાભ લઇ ગાડીમાં ભાગવા જતા પાટડી પોલિસે ગાડીનો ફિલ્મી ઢબે પીછો કર્યો હતો.

આરોપી નાસી છૂટવામાં સફળ
ત્યારે આરોપી કરણ ઉર્ફે કબો કાનજીભાઇ કુકરાણી (ઠાકોર) પાટડી જૈનાબાદ રોડ પર આશીર્વાદ હોટલ પાસે અંધારામાં ગાડી મૂકી નાસી છૂટવામાં સફળ થયો હતો. બાદમાં પાટડી પોલીસે આ ગાડીની તલાશી લેતા ગાડીમાંથી જુદી-જુદી બ્રાન્ડની વિદેશી દારૂની બોટલો અને બિયર ટીન મળી કુલ 552 બોટલો, કિંમત રૂ. 55,200 અને ગાડી કિંમત રૂ. 2,00,000 મળી કુલ રૂ. 2,55,200નો મુદામાલ ઝબ્બે કરી પાટડી પોલીસે દારૂ અંગેનો ગુન્હો દાખલ કરી નાસી છૂટેલા આરોપી કરણ ઉર્ફે કબો કાનજીભાઇ કુકરાણી (ઠાકોર)ને ઝબ્બે કરવાના ચક્રો ગતિમાન કર્યા છે. પાટડી પોલિસના આ દરોડામાં પીએસઆઇ ડી.જે.ઝાલા અને ભાવાર્થભાઇ સોલંકી અને હિતેશભાઇ સોળમીયા સહિતનો પોલિસ સ્ટાફ સાથે હાજર હતો. આ કેસની વધુ તપાસ પાટડી પીએસઆઇ ડી.જે.ઝાલા ચલાવી રહ્યાં છે.

અન્ય સમાચારો પણ છે...