યુવા મતદારો:સુરેન્દ્રનગર જિલ્લાની 32 કોલેજોમાં કેમ્પસ એમ્બેસેડર યુવાઓને મતદાર બનાવવામાં થશે મદદરૂપ

સુરેન્દ્રનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • તંત્ર દ્વારા 80 વર્ષથી વધુ ઉંમરના મતદારો મતદાન કરે તે માટે પત્ર લખવામાં આવ્યા

સુરેન્દ્રનગર સહિત રાજ્યમાં આગામી સમયમાં વિધાનસભા ચૂંટણી યોજાનારી છે, ત્યારે વિધાનસભા ચૂંટણી પૂર્વે ખાસ કરીને 20 વર્ષથી નીચેના યુવાઓ મતદાર બને તે માટે ચૂંટણી વિભાગે કોલેજોમાં કેમ્પસ એમ્બેસેડરની નિમણુંક કરી છે. જિલ્લાની 32 કોલેજોમાં કેમ્પસ એમ્બેસેડર યુવાઓને મતદાર બનાવવા માટે તંત્રની મદદ કરશે.

તંત્ર દ્વારા 80 વર્ષથી વધુ ઉંમરના મતદારો મતદાન કરે તે માટે તેઓને પત્ર લખવામાં આવી રહ્યા છે
સુરેન્દ્રનગર જિલ્લામાં વિધાનસભાની 5 બેઠકો સાથે રાજ્યની 182 વિધાનસભા સભા બેઠકો પર આગામી સમયમાં ચૂંટણી યોજાનારી છે. લોકશાહીના પર્વ સમાન આ ચૂંટણીમાં મતદારયાદીમાં નોંધાયેલા તમામ મતદારો મતદાન કરે અને જે લોકો 18 વર્ષથી ઉપરના છે. તેઓ મતદાર બને તે માટે ચૂંટણી વિભાગ અત્યારથી સક્રીય બન્યુ છે. જેમાં તંત્ર દ્વારા 80 વર્ષથી વધુ ઉંમરના મતદારો મતદાન કરે તે માટે તેઓને પત્ર લખવામાં આવી રહ્યા છે. જેમાં તેઓ 50 વર્ષથી વધુ સમયથી મતદાન કરે છે, તે માટે સૌ પ્રથમ તેમને શુભેચ્છા પાઠવાઈ છે.

ચૂંટણી વિભાગનું ફોકસ યુવા મતદારો તરફ પણ છે
આગામી ચૂંટણીમાં મતદાન તેઓ કરે અને યુવાનોને મતદાન કરવા માટે પ્રેરણા પુરી પાડે તે માટે વિનંતી પણ કરાઈ છે. બીજી તરફ ચૂંટણી વિભાગનું ફોકસ યુવા મતદારો તરફ પણ છે. આગામી વિધાનસભા ચૂંટણીમાં 20 વર્ષથી ઓછી વયના યુવા કે જેઓએ હજુ મતદાર કાર્ડ કઢાવ્યા નથી. તેઓ મતદાર કાર્ડ કઢાવે અને મતદાન કરી લોકશાહીના ઉત્સવમાં જોડાય તે માટે ચૂંટણી વિભાગે તૈયારીઓ શરૂ કરી છે.

32 કોલેજોમાં કેમ્પસ એમ્બેસેડરની નિમણુંક કરાઇ
​​​​​​​
જેમાં ચૂંટણી પંચના આદેશ અનુસાર મુખ્ય જિલ્લા ચૂંટણી અધિકારી કે.સી.સંપત અને નાયબ જિલ્લા ચૂંટણી અધીકારી ડી.કે.મજેતર દ્વારા સુરેન્દ્રનગર જિલ્લાની 5 વિધાનસભા બેઠકો આવેલી 32 કોલેજોમાં કેમ્પસ એમ્બેસેડરની નિમણુંક કરી છે. આ કેમ્પસ એમ્બેસેડરો પોતાની કોલેજમાં જે વિદ્યાર્થી-વિદ્યાર્થિનીને 18 વર્ષ પુરા થઈ ગયા હોય તેઓના જરૂરી ડોક્યુમેન્ટ લઈ મતદાર કાર્ડ કઢાવવા માટે જરૂરી ફોર્મ ભરાવશે.

વોટર હેલ્પલાઈન મારફત 70 જેટલા વિદ્યાર્થીઓએ મતદાર બનવા નોંધણી કરાવી
આ માટે જિલ્લા ચૂંટણી વિભાગ દ્વારા કોલેજોમાં પણ કાર્યક્રમ કરવામાં આવી રહ્યા છે. જેમાં તાજેતરમાં સુરેન્દ્રનગરની સી.યુ.શાહ યુનિવર્સિટી સંચાલિત કોમર્સ અને લો કોલેજ ખાતે મતદાર જાગૃતી અને મતદાર નોંધણી અંગેનો કેમ્પ યોજાયો હતો. જેમાં વોટર હેલ્પલાઈન મારફત 70 જેટલા વિદ્યાર્થીઓએ મતદાર બનવા નોંધણી કરાવી હતી.

​​​​​​​

અન્ય સમાચારો પણ છે...