આખલા યુદ્ધ:ચોટીલાની બજારમાં આખલાઓએ મચાવ્યો આંતક, આખલાઓ મરચુ દળવાની ઘંટીમાં ઘૂસી જતા વ્યાપક નુકસાન

સુરેન્દ્રનગર12 દિવસ પહેલા
  • બજારમાં આખલાઓ સામસામે આવી જતા લોકોમાં ફફડાટ ફેલાયો
  • આખલાઓને લાગતા-વળગતા તંત્ર દ્વારા તાકીદે ડબ્બે પુરવામાં આવે એવી વ્યાપક માંગ

સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલામાં ધોળા દિવસે ભર બજારે આખલા યુદ્ધ થયું હતું. જેને લઈ અફરા તફરી મચી હતી. જેમાં ચોટીલાની બજારોમાં આખલાઓએ આંતક મચાવ્યો હતો. આખલાઓ મરચુ દળવાની ઘંટીમાં ઘૂસી જતા વ્યાપક નુકસાન પહોચાડ્યું હતું.

સુરેન્દ્રનગર જિલ્લાના પાટડી ખાતે થોડા સમય અગાઉ બે બનાવોમાં આખલાએ એક બ્રહ્મસમાજના અને એક દેવીપૂજક સમાજના વૃદ્ધને અડફેટે લઇ ભારે ઇજાઓ પહોંચાડી મોતને ઘાટ ઉતાર્યા હતા. આથી બજારમાં ખરીદી કરવા નીકળતી મહિલાઓ સહિત વૃદ્ધ લોકોમાં ભયની લાગણી ફેલાઈ હતી. બાદમાં પાટડી નગરપાલિકા દ્વારા આખલાઓને ડબ્બે પુરવાની કામગીરી યુદ્ધના ધોરણે હાથ ધરવામાં આવી હતી.

આ ઘટનાની શાહી હજી સુકાઇ નથી ત્યાં આજે જિલ્લાના ચોટીલાની મુખ્ય બજારમાં બે આખલાઓ વચ્ચે જોરદાર દ્વંદ યુધ્ધ સર્જાયું હતું. આખલાઓ એક મરચા દળવાની ઘંટીમાં ઘૂસી જઇ આતંક મચાવી મોટું નુકસાન પહોંચાડ્યું હતું. ત્યારે ભર બજારે વેપારીઓ, દુકાનદારો અને ગામડાઓમાંથી આવેલા લોકોમાં દોડધામ મચી હતી.

જોકે, આ સમગ્ર બનાવમાં સદભાગ્યે કોઈને ઇજા કે જાનહાનિ થઈ ન હતી. રસ્તામાં રખડતા-ભટકાતા ઢોરોને અને એમાય ખાસ કરીને આખલાઓને લાગતા-વળગતા તંત્ર દ્વારા તાકીદે ડબ્બે પુરવામાં આવે એવી વ્યાપક માંગ ઉઠી છે. હાલમાં તો આ બનાવથી ચોટીલા નગરજનોમાં ભયની સાથે ફફડાટનો માહોલ જોવા મળી રહ્યો છે.

અન્ય સમાચારો પણ છે...