વઢવાણ બેઠક પર ભાજપે પહેલાં જિજ્ઞાબહેન પંડ્યાને ટિકિટ આપી હતી. બાદમાં તેમની જગ્યાએ જગદીશ મકવાણાને ટિકિટ આપતાં બ્રહ્મસમાજ અને જૈનસમાજ નારાજ થયો હતો, જેમાં ખાસ કરીને બ્રહ્મ યુવા સંગઠન ટિકિટ આપીને પછી ના પાડી, તેને અપમાન માને છે.
જિજ્ઞાબેન ભાજપમાં હોઈ વિરોધ ન કરે પરંતુ બ્રહ્મ યુવા સંગઠને વિરોધ કરવાનો નિર્ણય લીધો છે. સુરેન્દ્રનગરમાં બ્રહ્મ યુવાનોની બેઠક મળી હતી, જેમાં યુવાનોએ ભાજપે ટિકિટ આપી અને પછી જિજ્ઞાબેન પાસે લેખિતમાં લઈને ટિકિટ કાપી નાખી તેમાં સમસ્ત બ્રાહ્મ સમાજનું અપમાન થયાનું માની રહ્યા છે. આ માટે સુરેન્દ્રનગરમાં યુવાનોની બેઠક મળ્યા બાદ ગુરુવારે રાત્રે જોરાવરનગરના નિલકંઠ મહાદેવ ખાતે બેઠક મળી હતી.
બેઠકમાં ખાસ કરીને યુવાનોએ એવો નિર્ણય લીધો છે કે સમાજના જે આગેવાનો ભાજપમાં જોડાયેલા છે, તે વિરોધ ન કરે તે સ્વાભાવિક છે. પરંતુ સુરેન્દ્રનગર, વઢવાણ, રતનપર અને જોરાવરનગર સહિતના બ્રહ્મ યુવાનો અપમાન સામે નહીં નમે. આ માટે લડત આપવા બ્રહ્મ યુવા સંગઠનની રચના કરાઈ છે. અને અત્યારે વધુમાં વધુ યુવાનોને તેમાં જોડવામાં આવી રહ્યા છે. બાદમાં મતદાન પહેલાં અપમાનનો બદલો લેવા માટે કોને મત આપવા અને કોને નહીં, તે નક્કી કરવામાં આવશે. જોકે યુવાનોએ જણાવ્યું હતું કે હજુ સુધી જિજ્ઞાબેન પંડ્યા કે ભાજપના કોઈ આગેવાનોએ વિરોધ બાબતે અમારી સાથે વાત કરી નથી.
જૈનોના શ્રેષ્ઠીઓ પણ વિરોધની રણનીતિ ઘડવાના મૂડમાં
જિજ્ઞાબેન જૈન સમાજનાં દીકરી છે આથી તેમની ટિકિટ કપાતાં જૈન સમાજમાં પણ રોષની લાગણી ફેલાઈ છે અને જૈન સમાજના શ્રેષ્ઠીઓએ વિરોધીની રણનીતિ ઘડવા માટે બેઠકોનો દોર શરૂ કરવાના હોવાના સમાચાર મળી રહ્યા છે. આ બેઠકમાં આગળ શું કરવું અને કોની સાથે રહેવું કે મતદાન ન કરવાનો નિર્ણય લેવાય તેવી શક્યતા છે.
નિલકંઠ મહાદેવ મંદિરના દરવાજા બંધ કરતાં વિવાદ
બ્રહ્મ યુવા સંગઠનની સાથે સમાજના કેટલાક લોકો મીટિંગમાં જોડાવા નિલકંઠ મહાદેવ મંદિરે પહોંચ્યા ત્યારે મુખ્ય દરવાજા બંધ કરી દેવાયા હતા, જેને લઈને સમાજના લોકોમાં રોષ સાથે અસંતોષ ફેલાયો અને દરવાજા બહાર રામધૂન કરીને વિરોધ કર્યો હતો. બાદમાં સમજાવટથી મંદિરના મેદાનમાં બેઠક કરવા દરવાજા ખોલવાની વાત થઈ હતી પરંતુ યુવાનો બહાર બેસી રહ્યા હતા.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.