લાંબા વિરામ બાદ મેઘરાજાની મહેર:ચોટીલાનાં 82 ગામોમાં 15 કલાકથી અંધારપટ, ચોટીલામાં પોણા 3 ઈંચ ખાબક્યો

સુરેન્દ્રનગર16 દિવસ પહેલા
  • કૉપી લિંક
ચોટીલામાં રવિવારે રાત્રે વીજળીના કડાકા અને ભડાકા સાથે વરસાદ થયો હતો. - Divya Bhaskar
ચોટીલામાં રવિવારે રાત્રે વીજળીના કડાકા અને ભડાકા સાથે વરસાદ થયો હતો.
  • જિલ્લામાં 3 દિવસમાં 3 ટકા વરસાદ, 24 કલાકમાં લખતર-ચુડામાં પોણા 4 ઈંચ
  • સિઝનનો કુલ 70.16 ટકા વરસાદ વરસચી ચૂક્યો
  • સુરેન્દ્રનગર, વઢવાણ, ચૂડા, લીંબડી, થાન અને સાયલા પંથકમાં પણ વરસાદ

સુરેન્દ્રનગર જિલ્લામાં લાંબા વિરામ બાદ ફરીથી મેઘરાજાએ મહેર વરસાવવાનું શરૂ કર્યું છે. શનિવારથી જિલ્લામાં વ્યાપક વરસાદ પડી રહ્યો છે. ખાસ કરીને લખતર અને ચુડામાં સાડા 3 ઈંચથી વધુ જ્યારે ચોટીલામાં પોણા 3 ઈંચ વરસાદ થયો હતો જ્યારે સુરેન્દ્રનગર અને વઢવાણમાં પણ 1 ઈંચથી વધુ વરસાદ થયો હતો.

અત્યાર સુધી સિઝનનો કુલ 70.16 ટકા વરસાદ
ચોટીલા તાલુકાના ડાકવડલા ગામ પાસે આવેલો ત્રિવેણી ઠાંગા ડેમ 100 ટકા ભરાઈ ગયો છે તેમજ 0.10 મીટરથી ઓવરફ્લો થઈ રહ્યો છે. આથી જળાશયની જળસપાટી ધ્યાને લઈ ડેમના નીચાણવાળા વિસ્તારોમાં આવતા રામપરા (રાજ), ખાટડી, શેખલિયા, મેવાસા અને લોમા કોટડી ગામના લોકોને બંધની નીચાણવાસમાં આવતા વિસ્તારોમાં કે નદીના ભાગમાં ન જવા તાકીદ કરાઈ છે. શનિવારથી સોમવાર સુધીના 3 દિવસમાં સિઝનનો કુલ 3.09 ટકા વરસાદ નોંધાયો છે જ્યારે જિલ્લામાં અત્યાર સુધી સિઝનનો કુલ 70.16 ટકા વરસાદ પડી ચૂક્યો છે.

તાલુકાનાં 82 જેટલાં ગામડાંમાં પણ વીજળી ગુલ
ચોટીલા પંથકમાં કડાકા-ભડાકા સાથે ખાબકેલા વરસાદને કારણે વીજ કંપનીના 10થી વધુ ટીસી બળી જતાં શહેરની સાથે તાલુકાનાં 82 જેટલાં ગામડાંમાં પણ વીજળી ગુલ થઈ ગઈ હતી. ભારે વરસાદને કારણે હળવદ પંથકના ઇસનપુર ગામના વોકળો છલકાતાં કાર તણાઈ હતી, જોકે કારમાં બેઠેલા ત્રણેયને બચાવી લેવાયા હતા.

ચોટીલા: ત્રિવેણી ઠાંગા ઓવરફ્લો
​​​​​​​ચોટીલા તાલુકાના ડાકવડલા ગામ પાસે આવેલો ત્રિવેણી ઠાંગા ડેમ 100 ટકા ભરાઈ ગયો છે તેમજ 0.10 મીટરથી ઓવરફ્લો થઈ રહ્યો છે. ગાજવીજ સાથે વરસાદ પડવાથી શહેર અને તાલુકાનાં 82 જેટલાં ગામડાંમાં અંધારપટ છવાયો હતો. કેટલાક વિસ્તારોમાં 15 કલાક વીજપુરવઠો ખોરવાયો હતો. ગ્રામ્ય પંથકનાં 6 ફિડર બંધ થતાં શહેર અને ગામડાંમાં 40 જેટલા કર્મચારીએ અનેક વિસ્તારોમાં વીજપ્રવાહ ચાલુ કરાવ્યો હતો. મોડી સાંજ સુધી રાજપરા વિસ્તારના 2 ફિડર શરૂ થયા ન હોવાથી રાજપરા, કાબરણ, સાલખડા વિસ્તાર વીજવિહોણો હતો. વીજપ્રવાહ 24 કલાક પછી પણ સંપૂર્ણ પૂર્વવત્ થયો નથી. અંદાજ મુજબ પીજીવીસીએલને 1 કરોડ આસપાસનું નુકસાનનો અંદાજ છે.

આગાહી: 4 દિવસ વરસાદી વાતાવરણ રહેશે
જિલ્લામાં 3 દિવસ વરસાદ વરસ્યા પછી 4 દિવસ આવું વરસાદી વાતાવરણ યથાવત્ રહેવાની હવામાન વિભાગે આગાહી કરી છે, જેમાં તાપમાન 26થી 34 ડિગ્રી રહેવાની અને હવાની ગતિ 11થી 14 કિમી તથા વાતાવરણમાં ભેજ 76થી 86 ટકા જેટલો રહેવાની આગાહી કરવામાં આવી છે.

ધોળીધજા ડેમ ઓવરફ્લોની શક્યતા, નીચાણવાળા વિસ્તારોને તાકીદ: ડેમની હાલની સપાટી 80.42 મીટર
નર્મદા નહેરમાંથી પાણીની આવકથી ધોળીધજા ડેમ સંપૂર્ણ ભરાઈ ગયો છે. ડેમની હાલની સપાટી 80.42 છે અને 99.14 ટકા ભરાઈ ગયો છે. પાણી મેઇન્ટેઇન કરવા ડેમ ઓવરફ્લો કરાશે. આથી સુરેન્દ્રનગર, રતનપર, જોરાવરનગર, વઢવાણના ખમીસણા, વઢવાણ, મેમકા, સાંકળી, ભડીયાદ, નાના કેરાળા, લીંબડીના શીયાણી, નટવરગઢ, દોલતપર, રામરાજપર, જાંબુ, પરનાળા ગામના નીચાણવાળા વિસ્તારોના લોકોને ભોગાવો નદીના પટમાં ન જવા તાકીદ કરાઈ છે.

હળવદના ઇસનપુરમાં વોકળામાં કાર તણાઈ, 3ને બચાવાયા
​​​​​​​પંથકમાં થોડા દિવસોથી બફારા અને ગરમીથી લોકો ત્રાહિમામ્ પોકારી ગયા હતા ત્યારે રવિવારે મેઘરાજાએ હેત વરસાવ્યું હતું. મોડી સાંજે 8થી રાતના 10 વાગ્યા સુધીમાં 2 ઈંચ વરસાદ પડ્યો હતો. નવા ઇસનપુર ગામના સામજીભાઈના ઘરેથી ચોટીલા જવા માટે 3 જણા કાર લઈને નીકળ્યા હતા. ભારે વરસાદને કારણે વોકળામાં વધુ પાણી આવતાં કાર તણાઈ હતી. જોકે ગ્રામજનોએ ટ્રેક્ટરની મદદથી કારમાં બેઠેલા લોકોને બચાવી લીધા હતા. બીજી તરફ દર્દીને લઈ જતી એમ્બ્યુલન્સ 108 પણ વોકળામાં ફસાઈ હતી. સદ્્નસબે કોઈ જાનહાનિ થઈ નહોતી.

અત્યાર સુધીનો અને 24 કલાકનો વરસાદ મીમીમાં

તાલુકોસિઝનનો24 કલાક
લખતર38695
ચુડા57280
ચોટીલા49763
વઢવાણ48749
થાન35345
લીંબડી35324
સાયલા40817
ધ્રાંગધ્રા3637
મૂળી3663
પાટડી4012

​​​​​​​

અન્ય સમાચારો પણ છે...