કુલ 884989 લોકોએ મતદાન કર્યું હતંુ ભાજપના 5 ઉમેદવારોને 433380, કૉંગ્રેસના ઉમેદવારોને 240508 અને આપના ઉમેદવારોને 179299 મત મળ્યા
જિલ્લામાં 5 વિધાનસભાની ચૂંટણીની ગુરુવારે મતગણતરી યોજાઈ હતી, જેમાં ભાજપે કૉંગ્રેસનો સફાયો કરીને તમામ 5 બેઠકો જીતી હતી. અહીં બે મોટા અપસેટ પાટડી અને ચોટીલા બેઠક ઉપર સર્જાયા હતા. આ બંને બેઠકના કૉંગ્રેસી ઉમેદવારો સક્રિય હતા.
પ્રજાના પ્રશ્નો માટે સતત દોડતા રહેતા હતા. અને આ બંને બેઠક પર ફાઇટ થવાનુ ભાજપ, કૉંગ્રેસની સાથે આપ પણ માનતું હતું. છતાં બંને બેઠક ઉપર કૉંગ્રેસની હાર થઈ, જેમાં પાટડીમાં કૉંગ્રેસની સામે ભાજપ પાતળી સરસાઇથી જીત્યું હતું પરંતુ ચોટીલામાં તો એવી સ્થિતિ થઈ કે કૉંગ્રેસ છેક ત્રીજા નંબરે આવી.
આંતરિક રોષ કે જ્ઞાતિઓનો વિરોધ આડે ન આવ્યો, નવાસવા ઉમેદવારો પણ જીત્યા
- ધ્રાંગધ્રા, વઢવાણ અને દસાડામાં ભાજપે પહેલી વાર મેદાનમાં ઉતારેલા ઉમેદવાર જીતી ગયા
જિલ્લાની 5 વિધાનસભામાંથી ભાજપે વઢવાણમાં દલવાડી જ્ઞાતિના જગદીશભાઇને પહેલી વાર ટિકિટ આપી હતી, જેમાં તે જંગી લીડથી જીતી ગયા હતા. તેવી જ રીતે ધ્રાંગધ્રામાં ભાજપે પાટીદાર અને ઉદ્યોગપતિ પ્રકાશભાઈ વરમોરાને ટિકિટ આપી હતી.
તે પણ સારી લીડથી જીતી ગયા હતા. જ્યારે પાટડીની અનુસૂચિત જાતિની અનામત બેઠક ઉપર આ વખતે કૉંગ્રેસના વર્તમાન અને સક્રિય ધારાસભ્ય નૌશાદભાઈ સોલંકી સામે ભાજપે આ વખતે પહેલી વાર સ્થાનિક ઉમેદવાર પી. કે. પરમારને ટિકિટ આપી હતી. અહીં પણ ભાજપની જીત થઈ હતી.
- વઢવાણ અને ધ્રાંગધ્રામાં વર્તમાન ધારાસભ્યને ટિકિટ ન આપી તોપણ ભાજપ જીત્યો
જિલ્લામાં વઢવાણ વિધાનસભાની બેઠક ઉપર ગત ચૂંટણીમાં 4 બેઠક ઉપર ભાજપની હાર થઈ હતી જ્યારે એક માત્ર વઢવાણ વિધાનસભા બેઠક ભાજપે જીતી હતી. આ બેઠક ઉપરના વર્તમાન ધારાસભ્યને ઉંમરને કારણે ટિકિટ ન આપીને ભાજપે જિલ્લા પક્ષ પ્રમુખ જગદીશ મકવાણાને ટિકિટ આપી હતી,
જ્યાં તેમનો જિલ્લામાં સૌથી વધુ મતે વિજય થયો હતો. તેવી જ રીતે કૉંગ્રેસમાંથી જીત્યા બાદ રાજીનામું આપીને પેટા ચૂંટણીમાં ભાજપમાંથી જીતીને ધારાસભ્ય બનેલા પરસોતમ સાબરિયાની ટિકિટ પણ ભાજપે કાપી હતી અને નવાસવા પ્રકાશભાઈ વરમોરાને ઊભા રાખ્યા હતા અને પક્ષમાં રહેલા આંતરિક વિરોધ વચ્ચે પણ તે જીતી ગયા.
- 2017ની ચૂંટણીમાં ગુમાવેલી તમામ 4 બેઠક ભાજપે વટથી પાછી મેળવી
જ્યારે 2017ની રેગ્યુલર ચૂંટણી થઈ ત્યારે જિલ્લામાં ચોટીલા, દસાડ, ધ્રાંગધ્રા અને લીંબડી બેઠક પર ભાજપને હારનો સામનો કરવો પડ્યો હતો. ત્યાર બાદ લીંબડી અને ધ્રાંગધ્રામાં કૉંગ્રેસના ઉમેદવારે રાજીનામું આપી દેતાં આ બંનેે બેઠકની પેટાચૂંટણીમાં ભાજપની જીત થઈ હતી પરંતુ 2022ની વિધાનસભા ચૂંટણીમાં ભાજપે જિલ્લાની તમામ 5 બેઠક પર ભગવો લહેરાવ્યો છે.
- ગત ચૂંટણીમાં હારેલી બાજી વન-પર્યાવરણ મંત્રીએ આ વખતે જીતી લીધી
લીંબડી વિધાનસભાની ગત ચૂંટણી યોજાઇ ત્યારે ભાજપના કિરીટસિંહ રાણાની કૉંગ્રેસના સોમાભાઇ પટેલ સામે હાર થઇ હતી. બાદમાં પેટા ચૂંટણી જીતીને કિરીટસિંહ રાણા વન અને પર્યાવરણ મંત્રી બન્યા હતા. આ ચૂંટણીમાં આપ અને કૉંગ્રેસના બે કોળી ઉમેદવાર અને આ બેઠક લડવાના અનુભવને કારણે ભાજપના કિરીટસિંહ રાણાએ લીંબડી પેઠક જીતી લીધી હતી.
- વડા પ્રધાન મોદી, અમિત શાહ અને યોગીની સભાએ રંગ રાખ્યો
સુરેન્દ્રનગર જિલ્લામાં 4 વિધાનસભા કોંગ્રેસ જીતી હતી. અને આથી જ આ તમામ 5 બેઠક ભાજપે જીતવી તે કપરી હતી. પરિણામે તમામ બેઠક ઉપર ભાજપની બુથ લેવલની ટીમ કામે લાગી ગઇ હતી. તેમ છતાં કાચું ન કપાય તે માટે સુરેન્દ્રનગરમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ જ્યારે પાટડીમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે અને હળવદમાં ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યએ સભાઓ ગજવી હતી. અને તમામ નેતાઓએ વિકાસની ગાથા સાથે ગઇ વખતે કરેલી ભૂલ આ વખતે ન કરવા લોકોને ટકોર કરી હતી. નેતાઓની વાત મતદારોના કાને ઉતરી ગઇ હોય તેમ આ વખતે તમામ 5 બેઠક ઉપર ભાજપનો ભવ્ય વિજય થયો છે.
દસાડામાં છેલ્લા રાઉન્ડ સુધી ભાજપ-કોંગ્રેસ વચ્ચે રેસ જામી, અંતે ભાજપ જીતી ગયો
દસાડામાં છેક સુધી ફાઇટ ચાલુ રહી હતી. મત ગણતરી થઇ ત્યારે ભાજપના પી.કે.પરમાર 2 રાઉન્ડ સુધી આગળ હતા ત્યાર બાદ 3 અને 4 રાઉન્ડમાં કોંગ્રેસના નૌશાદભાઇ સોલંકી આગળ રહયા.આમ દરેક રાઉન્ડે અલગ પરિણામ આવતુ જતુ હતુ.
જેમા છેલ્લે લખતર અને નળ કાઠાના ઇવીએમની ગણતરી થતા પણ બંને વચ્ચે ટકકર રહી હતી. કુલ 22 રાઉન્ડ હતા જેમાં છેલ્લે 20 માં રાઉન્ડે કોંગ્રેસના નૌશાદભાઇ સોલંકીએ ભાજપની થોડી લીડ કાપતા ફરી ઉત્તેજના સર્જાઇ હતી. અંતે છેલ્લે આ બેઠક ઉપર ભાજપનો વિજય થયો હતો.પરંતુ છેક સુધી જામેલી રસાકસીને કારણે લોકો એક જ સવાલ કરતા હતા કે શું થશે અને કોણ જીતશે.
વઢવાણમાં જગદીશ મકવાણા સૌથી વધુ 65314 મતની ઐતિહાસિક લીડથી જીત્યા
વઢવાણ વિધાનસભા એ તો ભાજપનો ગઢ છે.આ બેઠક ઉપર લાંબા સમયથી ભાજપના ઉમેદવારો 19 હજારથી લઇને 10 હજારના મતની લીડથી જીતતા આવ્યા છે. પરંતુ આ વખતની વિધાનસભામાં ઘણા વાદ વિવાદ થયા હતા. તેમ છતા લોકોએ ભાજપ અને જગદિશભાઇમાં વિશ્વાસ મુકીને અકલ્પનીય મત આપ્યા હતા.
અને આથી જ આ બેઠક જ નહિ પરંતુ સમગ્ર જિલ્લાના ઇતિહાસમાં આ ચૂંટણીમાં ભાજપના જગદિશભાઇ મકવાણા 65314 મતની જંગી લીડથી જીત્યા હતા.અહીયા મહત્વની બાબત એ બની કે ગામડાની સાથે શહેરી વિસ્તારમાં પણ લોકોએ જગદીશભાઇ સાથે રહયા હતા.
ધ્રાંગધ્રામાં શરૂઆતમાં કૉંગ્રેસ આગળ રહી પછી ભાજપે લીડ જાળવી રાખી
ધ્રાંગધ્રા વિધાનસભામાં મત ગણતરીની શરૂઆત થઇ ત્યારે થોડા રાઉન્ડ કોંગ્રેસના ઉમેદવાર આગળ રહ્યા હતા. જેમાં ખાસ કરીને રણકાઠાના ગામડામાં કોંગ્રેસને લીડ મળી હતી. પરંતુ ત્યાર બાદ શહેરી વિસ્તાર અને અન્ય ગામડાઓની ઇવીએમ ખૂલતાં ભાજપ સતત આગળ રહ્યો હતો.
વઢવાણ અને લીંબડીમાં પહેલા રાઉન્ડની ગણતરીથી જ ભાજપ આગળ રહ્યો
આર્ટસ કોલેજ ખાતે જિલ્લાની કુલ 5 વિધાનસભાની બેઠકની મત ગણતરી ચાલુ થઇ તેમાં સૌથી ઝડપી વઢવાણ વિધાનસભાની ચાલતી હતી. જેમાં ભાજપના ઉમેદવાર જગદીશભાઇ સતત લીડથી આગળ રહયા હતા. શરૂઆતમાં આપે જોર કર્યુ હતુ.
પરંતુ ત્યાર શહેરની સાથે એક પછી એક ગામડા ખુલતા ભાજપના જગદીશભાઇની લીડ સતત વધતી ગઇ હતી. તેવી જ રીતે લીંબડીમાં પણ ભાજપના કિરીટસિંહ રાણા પહેલેથી છેલ્લે સુધી આગળ રહયા હતા.
ચોટીલામાં શરૂમાં આપે જોર કર્યું, એમાં ભાજપ આગળ નીકળ્યો ને કૉંગ્રેસે બેઠક ગુમાવી
ચોટીલા વિધાનસભાની મત ગણતરી ચાલુ થઇ ત્યારે શરૂઆતના થોડા રાઉન્ડમાં આપે થોડુ ઘણુ જોર કર્યુ હતુ. પરંતુ ત્યાર બાદ ભાજપના સામજીભાઇ ચૌહાણ સતત આગળ રહયા હતા.અને જીત સુધી આગળ જ રહ્યા હતા.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.