જ્ઞાતિ સમીકરણ:વઢવાણ બેઠક ઉપર ભાજપે જૈન, બ્રાહ્મણ અને મહિલા ઉમેદવારનું ચોકઠું બેસાડ્યું

સુરેન્દ્રનગર21 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • જૈન પરિવારમાં જન્મેલાં બ્રાહ્મણ પુત્રવધૂ જિજ્ઞાબહેન પંડ્યાને ટિકિટ અપાઈ

સુરેન્દ્રનગર જિલ્લામાં આમ તો વઢવાણની બેઠક એ ભાજપની બેઠક માનવામાં આવે છે. અને આથી જ પક્ષ આ બેઠક ઉપર કોઈને પણ ટિકિટ આપવાનો અખતરો કરી શકે છે. આ વખતે વર્તમાન ધારાસભ્ય ધનજીભાઈ પટેલ વધુ ઉંમરને કારણે કપાશે, તેવી પહેલેથી જ વાત ચાલતી હતી. આ બેઠક પર 29 ઉમેદાવરે દાવેદારી કરી હતી, જેમાં ભાજપ માટે જ્ઞાતિનું સમીકરણ બેસાડવું ખૂબ અગત્યનું હતું. આથી અહીંયાંથી પટેલની ટિકિટ કાપીને પક્ષે પટેલ મતદારોનો રોષ લેવા માગતો નહોતો.

આ કારણથી પટેલને ધ્રાંગધ્રા બેઠક આપી જ્યારે આ બેઠક પર જિજ્ઞાબહેન પોતે જૈન પરિવારમાંથી આવે છે અને બ્રાહ્મણ પરિવારનાં પુત્રવધૂ છે. આમ, જૈન અને બ્રાહ્મણ, એમ બંને જ્ઞાતિના મતદારો સચવાઈ જાય, તેવો ભાજપે દાવ ખેલીને વઢવાણ બેઠક માટે જિજ્ઞાબહેન પંડ્યાની પસંદગી કરી છે.

આ ઉપરાંત જિલ્લામાં એક મહિલાને ટિકિટ આપવાની હોઈ, તેનો પણ તેમને ફાયદો થયો હતો. આ બાબતે ધારાસભ્ય ધનજીભાઈ પટેલે જણાવ્યું કે આપણે 58 વર્ષે રીટાયર્ડ થઈ જતાં હોઈએ છીએ જ્યારે ભાજપે મને 76 વર્ષ સુધી સાચવ્યો છે. ઉંમરને કારણે મને ટિકિટ નથી આપી પરંતુ વઢવાણની સાથે જિલ્લાની તમામ 5 બેઠકના ભાજપના ઉમેદવારોને ખભે બેસાડીને જીતાડીશું.

કાર્યકર્તા તરીકે તક આપી : જિજ્ઞાબેેન
જિજ્ઞાબહેન પંડ્યા 21 વર્ષથી ભાજપમાં સક્રિય છે. પોતાના વોર્ડની કામગીરીથી શરૂઆત કરનારાં જિજ્ઞાબહેન 2007થી સંપૂર્ણ સક્રિય થયાં હતાં. અત્યારે તેઓ સંયુક્ત પાલિકાના વોર્ડ નં. 4ના સદસ્ય છે. સુરેન્દ્રનગર પાલિકાના ઉપપ્રમુખ પણ રહી ચૂકેલાં જિજ્ઞાબહેને જણાવ્યું હતું કે ભાજપ એ કાર્યકરોનો પક્ષ છે. મેં 21 વર્ષ સુધી પક્ષમાં કામ કર્યું છે. મને કાર્યકર તરીકે ટિકિટ આપી છે.

અન્ય સમાચારો પણ છે...