સૂકાભઠ્ઠ વિસ્તારની હરીયાળી શાળા:પાટડીની નાનુબાપા કન્યા શાળામાં દીકરીઓના જન્મ દિવસ વૃક્ષ વાવીને ઉજવાય છે, શિક્ષણ સાથે જીવનના પાઠ પણ ભણાવાય છે

સુરેન્દ્રનગર13 દિવસ પહેલાલેખક: ​​​​​​​મનીષ પારીક
  • શાળામાં સુરક્ષા સેતુના માધ્યમથી દીકરીઓને રક્ષણ માટેની તાલીમ અપાય છે

'મારી શાળા સરકારી શાળા..મારી શાળા મને ગમે, સૌને ગમે' આ સૂત્રને અક્ષરસઃ સાર્થક કરતી સાવ સૂકાભઠ્ઠ ખારાપાટ વિસ્તારની મીઠી વીરડી સમાન પાટડી શહેરની એક માત્ર કન્યાશાળા એટલે નાનુબાપા કન્યા શાળા. દીકરીઓ માટે સુરક્ષા સલામતી અને સંસ્કાર સાથે ઉત્તમ જીવન કૌશલ્યોનું સાક્ષર શિક્ષણ પૂરું પાડતી શાળા. જેના કુશળ વહીવટી સંચાલન કરનારા આચાર્ય અને ઉત્તમ શિક્ષણ આપનારા શિક્ષકો છે. અનુભવો અને જ્ઞાનની સાથે સાથે દીકરીઓના જીવન કૌશલ્યોને ખીલવવા સતત પ્રયત્નશીલ શાળા.

શાળાની વિશેષ ઓળખ
શાળાના આકર્ષક પ્રવેશદ્વારમા પ્રવેશ કરતા જ પ્રકૃતિથી સજ્જ શાળાના ઉત્તમ વાતાવરણનો પરિચય થાય. શાળાનું સ્વચ્છને વૃક્ષોથી આચ્છાદિત પર્યાવરણ એ આ શાળાની આગવી વિશેષતા છે. સુઘડ વર્ગખંડો વિશાળ મેદાનની સાથે ટેકનોલોજીનો સુખદ સમન્વય તો ખરો જ. સુરક્ષા સેતુના માધ્યમથી રક્ષણની તાલીમ સાથે સ્માર્ટ ક્લાસના માધ્યમથી જ્ઞાનકુંજ અંતર્ગત વિષય શિક્ષણકાર્ય અહી થાય છે. જ્યારે વિષય શિક્ષણ કરી તો હોય જ પણ આ શાળાની ખરી ઓળખ દીકરીઓનો સર્વાંગીણ વિકાસ કરનાર સહ અભ્યાસિક પ્રવૃત્તિઓએ આ શાળાની વિશેષ ઓળખ છે.

સંસ્કારોનું ઘડતર
પ્રવેશોત્સવથી લઇને વાર્ષિકોત્સવ દરમિયાન શાળામાં થતી વિવિધ પ્રવૃતિઓ જેવી કે, સ્વરક્ષણ તાલીમ માટે spcની તાલીમ, વિવિધ હરફાઈઓ, નૃત્ય સંગીતની તાલીમ, ચિત્રકલા, નિબંધ, વકૃત્વની સાથે નિબંધલેખન, કાવ્યલેખન અને પુસ્તક સમીક્ષા જેવી પ્રવૃત્તિઓ વર્ષ દરમિયાન સતત ચાલ્યા કરે છે. જ્યારે જીવન મૂલ્યોના સંવર્ધન અર્થે સમૂહ સફાઈ કાર્ય, ઇકો ક્લબ પ્રવૃત્તિઓ, રમતગમત અને પ્રેરક ઉદબોધનો દ્વારા સંસ્કાર ઘડતરનું કાર્ય કરવામાં આવે છે. પ્રશ્ન પેટી દ્વારા વિદ્યાર્થીનીઓના જિજ્ઞાસા પ્રેરક પ્રશ્નોને સંતોષવામાં આવે છે.

દીકરીઓ આ શાળાનું ગૌરવ
આ શાળાની ગૌરવ લેવા જેવીને ખાસ વિશેષ બાબત એ છે કે, આ શાળામાં કામ કરતા તમામ શિક્ષકોથી માંડીને તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી અને જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીની દીકરીઓએ પણ ધોરણ 8 સુધી અહીં જ અભ્યાસ કર્યો છેને અત્યારે ઉચ્ચ શિક્ષણ મેળવી રહી છે. ખાનગી શાળામાંથી ઉઠાડીને ઘણા વાલીઓ પોતાની દીકરીઓને આ શાળામાં અભ્યાસ કરાવી રહ્યાં છે. જેમાં શિક્ષક, વેપારીઓ, સરકારી કર્મચારીઓ,મામલતદાર કેળવણી નિરીક્ષક ,વીજ કર્મીઓ,પોસ્ટના કર્મચારીઓની દીકરીઓ પણ અહીં આ સરકારી શાળામાં અભ્યાસ કરી રહી છે.

શાળાનું આકર્ષક પ્રવેશદ્વાર
લોક સહયોગના ફાળાની વાત કરીએ તો, આ સરકારી શાળાને આકર્ષક પ્રવેશદ્વાર બનાવવા નગરજનો, વેપારીઓ, વાલીઓ તેમજ શાળા પરિવારનો આર્થિક સહયોગ મળેલો છે. શાળાની ભૌતિક સુવિધાઓ જેવી કે, સ્વચ્છતા સુવિધા સંકુલ અને મેઈન રોડથી શાળા સુધીનો સીસીરોડ નગરપાલિકાના સહયોગથી બનાવવામાં આવેલો છે. પાટડીના બારદાનના વહેપારી મોહનલાલ ઠક્કર દ્વારા શાળા પરિવારનવ વોટર કુલરની સુવિધા આપવામાં આવેલી છે. એમ આ શાળાને સારો લોક સહયોગ પણ મળેલો છે. જ્યારે આ શાળાની શિસ્ત અને શિક્ષકો દ્વારા જવાબદારી પૂર્વકની દીકરીઓની અંગત દેખરેખ એ શાળાની સૌથી વિશેષ બાબત છે.

ઘર જેવી દીકરીઓની દેખરેખ
દીકરીઓના ઘણા બધા પ્રશ્નો હોય પણ દીકરીના વાલી પોતાની દીકરીને આ શાળામાં મૂકીને નિશ્ચિંત બની જાય છે. અહી ઘર જેવી દેખરેખની સાથે લાગણી અને હૂંફની સાથે શિક્ષણ પીરસવામાં આવે છે. દીકરીઓને બહારથી દુકાનોનો નાસ્તો લાવવા દેવામાં આવતો નથી..જેથી શાળાના પરિસરમાં ક્યાંય પ્લાસ્ટિક જોવા મળતું જ નથી. પ્લાસ્ટિક પાઉચમાં પેક નાસ્તો શરીર માટે કેટલો હાનિકારક છે, તે પ્રયોગ કરીને દીકરીઓને સમજાવવામાં આવે છે.

દરેક પ્રવૃતિમાં દીકરીઓ હમેશા અવ્વલ
શિક્ષકો અને દીકરીઓના જન્મદિન પ્રસંગે આ શાળાના પ્રાંગણમાં વૃક્ષ વાવીને જન્મ દિન મનાવાય છે. Nmms ચિત્રકામ જેવી પરીક્ષાઓ હોય કે ગણિત વિજ્ઞાન પ્રદર્શન કે પ્રોજેક્ટ કાર્ય હોય કે યુવા અને સાંસ્કૃતિક મહોત્સવની પ્રવૃત્તિઓમાં આ શાળાની દીકરીઓ હમેશા અવ્વલ હોય છે. એટલે જ પાટડી શહેરની સરકારી શાળાઓમાં સૌથી અવ્વલ નાનુ બાપા કન્યા શાળા જ છે. જે શાળા માટે શાળાના આચાર્ય, શિક્ષકો અને વિદ્યાર્થીઓ ગૌરવ લેતા જણાવે છે કે, મારી શાળા મને ગમે સૌને ગમે.

તસવીરોમાં જોઇએ શાળાની વિવિધ પ્રવૃતિઓ

અન્ય સમાચારો પણ છે...