અકસ્માત:પાટડીના અખીયાણા હાઇવે પર બાઇકને ઇકો ગાડીએ પાછળથી ટક્કર મારી, શેડલાના નર્મદા વિભાગના મજૂરનું મોત

સુરેન્દ્રનગર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ઇકો કાર ચાલક અકસ્માત કરીને નાસી છૂટ્યો : બજાણા પોલીસ મથકે ફરીયાદ નોંધાઇ

પાટડી તાલુકાના માલવણ હાઇવે પર પાટડીના અખીયાણા ગામ પાસે બાઇકને ઇકો ગાડીએ પાછળથી ટક્કર મારતા શેડલાના નર્મદા વિભાગના મજૂરનું કમકમાટીભર્યું મોત નિપજ્યું હતુ. ઇકો કાર ચાલક અકસ્માત કરીને નાસી છૂટ્યો હતો. આ બનાવ અંગે બજાણા પોલીસ મથકે ફરિયાદ નોંધાઇ છે.

ધ્રાંગધ્રા ડિવિજનમાં વિરેન્દ્રગઢ ગામે નર્મદા નિગમમાં લેબર કર્મચારી તરીકે પરષોત્તમભાઇ સવજીભાઇ સિંધવ ( રહે-ઇંગરોળી (લખતર) ) અને હાજીખાન મુરીદખાન મલેક ( રહે-સેડલા (પાટડી) ) વિરેન્દ્રગઢ ખાતે નોકરી પર હતા. ત્યારે હાજીખાન મુરીદખાનને પેટમાં દુ:ખાવો થતાં બજાજ કંપનીનું બાઇક લઇને વિરેન્દ્રગઢથી સેડલા આવવા નિકળ્યા હતા. ત્યારે પાટડી તાલુકાના માલવણ હાઇવે પર અખિયાણા ગામ પાસે શિવ શક્તિ હોટલ પાસે પાછળથી માંતેલા સાંઢની માફક પુરઝડપે આવતી ઇકો ગાડીના ચાલકે પાછળથી બાઇકને જોરદાર ટક્કર મારી હતી.

જેથી બાઇક પર સવાર બંને યુવાનો બાઇક પરથી નીચે પટકાયા હતા. બંનેને લોહીલુહાણ હાલતમાં સારવાર અર્થે 108 એમ્બ્યુલન્સ વાનમાં પાટડી સરકારી હોસ્પિટલે લઇ જવામાં આવ્યા હતા. જેમાં સેડલાના હાજીખાન મુરીદખાન મલેકને મોંઢાના ભાગે ગંભીર ઇજાઓ પહોંચતા અને ડાબો ખંભો ભાગી જતા સારવાર દરમિયાન એનું કમકમાટીભર્યું મોત નિપજ્યું હતુ. આ બનાવ અંગે પરષોત્તમભાઇ સિંધવે ઇકો કાર ચાલક વિરુદ્ધ બજાણા પોલીસ મથકે ફરીયાદ નોંધાવતા પોલીસે અકસ્માત અંગેનો ગુન્હો દાખલ કરી નાસી છુટેલા ઇકો કારના ચાલકને ઝબ્બે કરવાના ચક્રો ગતિમાન કર્યા છે. આ કેસની વધુ તપાસ બજાણા પોલીસ મથકના પીએસઆઇ ડી.જે.ઝાલા ચલાવી રહ્યાં છે.

અન્ય સમાચારો પણ છે...